અમદાવાદઃ આજના સમયે લગ્ન કે અન્ય કોઈ પ્રસંગે દેખાદેખી, વટ પાડવા અને પોતાને બીજાથી સવાયા બતાવવાની ઘેલછામાં લોકો પાણીની જેમ રૂપિયા વાપરતાં ખચકાતા નથી. આ ખર્ચ લાખો-કોરોડો સુધી પહોંચી જાય છે. આવી પરિસ્થિતિ અને ભવિષ્યના પડકારોનો અંદાજો લગાવીને ગુજરાત ભરવાડ સમાજે ચિંતા વ્યક્ત કરી છે અને પોતાના સમાજના નવા બંધારણનું નિર્માણ કર્યું છે.
છેલ્લાં સાતેક વર્ષથી ચરેલ ખાતે સેવા આપી રહેલા મહંત પ્રતાપપુરી બાપુએ કહ્યું કે, વર્ષોથી સમાજની શરમના નામે ચાલી આવતી ઘણી રૂઢિ અને આધુનિક સમયમાં દેખાદેખીના કારણે શરૂ થયેલી પ્રવૃત્તિને રિવાજનું નામ આપી દેવાયું છે અને લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે. સમાજમાં દીકરીના પૈસા લેવા અને પ્રસંગોમાં થતી આંધળી દેખાદેખી વધી ગઈ છે. એને દૂર કરવી જરૂરી છે. સમાજ એકજૂથ બને અને દીકરા-દીકરીઓ ભણીગણીને આગળ વધે એ માટે ખાસ બેઠક યોજીને વિવિધ ઠરાવ પસાર કરાયા છે.
સમાજમાં સુધારા માટે આશરે 40થી વધુ મુદ્દા નક્કી કરાયા છે. આ અભિયાનને ગુજરાતકક્ષાએ લઈ જઈ શિક્ષણ, વ્યસનમુક્તિ અને આરોગ્યક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનું આયોજન છે.
