જૂનાગઢઃ ગીરનારની તળેટીમાં મહાશિવરાત્રિ મેળાને આ વર્ષે વ્યાપક ફલક પર વિસ્તારનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સાધુસંતો અને વહીવટી તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. ૧૧થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન પાંચ દિવસીય મેળાને યાદગાર અને ભવ્ય બનાવવા આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન છે. ૧૧ ફેબ્રુઆરીએ સાંજે સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. ‘મીની કુંભ’ એવા મહાશિવરાત્રી મેળામાં શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવાડી રૂટ ૧.૫ કિ.મી. નો હોય છે જેમાં ૫૦૦ મીટરનો વધારો કરીને આ વર્ષે ૨ કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે. ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે.
3 હજાર પોલીસ, CCTVથી શ્રદ્ધાળુઓ પર દેખરેખ રખાશે
આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ, સાધુ સંતોની સલામતી માટે આ વર્ષે ૧૬૦૦ પોલીસ જવાનોને સ્થાને ૨૯૦૦ જવાનોને ફરજ સોંપાશે. સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રખાશે. યોગ્ય પાર્કિંગ, અવરજવર માટેના રસ્તા, રહેવાની સુવિધાઓ ઊભી કરાશે. આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર ૧,૦૦૦ થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરાશે. ૩૦૦ થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શુદ્ધ પાણી, સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા છે.
