નવી દિલ્હીઃ ભારત અને આરબ લીગના 19 સભ્ય દેશોએ રવિવારે પેલેસ્ટાઈનના મુદ્દે પોતાના વલણનો પુનરોચ્ચાર કરતાં બે રાષ્ટ્ર સમાધાન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નવી દિલ્હીમાં આયોજિત ભારત-આરબ સહયોગ મંચની બેઠક બાદ ઇશ્યૂ કરવામાં આવેલા દિલ્હી ઘોષણાપત્રમાં એક સ્વતંત્ર પેલેસ્ટાઈન રાષ્ટ્રની સ્થાપના પર ભાર મુકાયો હતો. બેઠકમાં બંનેે પક્ષે સ્પષ્ટ કર્યું હતું કે, શાંતિનો એકમાત્ર માર્ગ 1967ની સરહદના આધાર પર એક સ્વતંત્ર પેલેસ્ટાઇન રાજ્યનું નિર્માણ છે, કે જે ઈઝરાયલની સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં રહી શકે. આ ઘોષણાપત્રમાં ગાઝામાં તત્કાળ સહાયની આવશ્યકતા પર પણ ભાર મુકાયો હતો. આ બેઠકમાં પેલેસ્ટાઈન ઉપરાંત સુરક્ષાના મોરચા પર પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા થઇ હતી.
