ભાવનગરમાં કોળી સમાજનો રણકારઃ ‘જિતુ વાઘાણીને 2027માં બતાવી દઈશું’

Wednesday 04th February 2026 05:39 EST
 

ભાવનગરઃ બગદાણામાં કોળી યુવક પર હુમલા પ્રકરણે કોળી ઠાકોર સમાજની ન્યાયસભા ભાવનગરમાં મળી હતી. જેમાં તમામ રાજકીય આગેવાનો ગેરહાજર રહ્યા હતા. ન્યાય સમિતિના સભ્યોએ પોલીસ અને કૃષિમંત્રી જિતુભાઈ વાઘાણી સામે રોષ વ્યક્ત કર્યો હતો કે, ‘કોળીસમાજને રોડે ચડાવનાર પોલીસ છે, પીઆઇ ડી.વી. ડાંગરના પટ્ટા નહીં ઉતરે ત્યા સુધી આ લડત ચાલુ રહેશે. કૃષિ મંત્રી જિતુભાઈ વાઘાણી અને માયાભાઈ આહિર સારા મિત્રો છે. અમે 2027માં બતાવી દઈશું’.
આગામી સમયમાં બગદાણામાં રાજ્ય નહીં દેશભરનુ સંમેલન બોલાવવાની ચેતવણી હુમલાના ભોગગ્રસ્ત નવનિત બાલધિયાએ ઉચ્ચારી હતી. ભાવનગર શહેરના કુંભારવાડામાં કોળી ઠાકોર સમાજની ન્યાયસભામાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા, રાજુલામાં રોડ ટચ કરોડો રૂપિયાની જમીન પર કબજો લેવા મામલે માયાભાઈ આહિર અને અમરીશભાઈ ડેર સામે પણ આંગળી ચિંધવામાં આવી હતી. સભામાં આત્મવિલોપન કરવાની જે તે સમયે ચીમકી ઉચ્ચારનારા સમાજના યુવકોએ તેમજ અન્ય વક્તાઓએ સભાને સંબોધી હતી. સભામાં એવો સૂર વ્યક્ત કરાયો હતો કે, પીઆઇ ડાંગરના લીધે જ કોળીસમાજે આંદોલને ચડવું પડ્યું છે. સભા જે સ્થળે છે તે મતવિસ્તાર જિતુ વાઘાણીનો છે, જે માયાભાઈ આહિરના મિત્ર છે, તેને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે.


comments powered by Disqus