અમદાવાદઃ યુરોપિયન સંઘના દેશો સાથે ફી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાને પરિણામે ગુજરાતના ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગનો મોટો લાભમળવાની સંભાવના છે. તેની સાથે જ મેડિકલ ડિવાઈઝના મેન્યુફેક્ચરર્સ માટે પણ નવો દરવાજો ખૂલી ગયો છે. ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન-ગુજરાતના પૂર્વ પ્રમુખનું કહેવું છે કે દવા પર 11 ટકા ટેરિફ લાગતું હતું પરંતુ હવે ભારતના નિકાસકારોની યુરોપિયન સંઘના દેશોમાં જતી દેવાઓ પર ૧૧ ટકા ટેરિફ લાગુ પડશે નહિ. પરિણામે ભારતની દવાઓ યુરોપિયન સંઘના દેશોમાં સસ્તી થશે.
ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સની નિકાસમાં અમેરિકા પછીનું ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર યુરોપ છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પરિણામે ભારતમાંથી દવાની યુરોપમાં થતી નિકાસમાં અંદાજે 50 ટકાનો વધારો થઈ જશે. યુરોપના દેશોમાં ભારતની દવાઓની નિકાસ અંદાજે 8થી 10 બિલિયન ડાલરની નિકાસ થાય છે. આગામી ચાર વર્ષમાં આ નિકાસ વધીને 12થી 15 અબજ ડોલરની સપાટીને વળોટી જશે.
ફાર્મા સ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આંકડાઓ મુજબ ભારતમાંથી યુરોપિયન યુનિયન દેશોમાં નિકાસનો હિસ્સો કુલ નિકાસના અંદાજે 19 ટકા છે. જ્યારે ભારત વિશ્વમાં જેનરિક દવાઓનો અગ્રણી પુરવઠો આપતો દેશ છે. ઉંચા ટેરિફને કારણે નિયમોની જટિલતા અને નિયમના પાલન માટેના ઊંચા ખર્ચને કારણે યુરોપમાં ભારતીય દવાઓનો પ્રવેશ અત્યાર સુધી મર્યાદિત રહ્યો છે.

