રાજનાથસિંહ અને રાહુલ ગાંધી વચ્ચે ચીન મુદ્દે શાબ્દિક ટપાટપી

Wednesday 04th February 2026 06:21 EST
 
 

નવી દિલ્હીઃ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનાં ખોટા આરોપો મુદ્દે જોરદાર હંગામો મચ્યો હતો. રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના એક પ્રસિદ્ધ ન થયેલા પુસ્તકને ટાંકીને કહ્યું હતું કે, ભારતની સીમામાં ચીન ઘૂસણખોરી કરી રહ્યું છે. ડોકલામમાં 4 ચીનની ટેન્કો ભારતની સીમામાં ઘૂસી ગઈ હતી. રાહુલે જ્યારે આક્ષેપો ચાલુ રાખ્યા ત્યારે રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને ટોક્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ ગૃહના નિયમોનો હવાલો આપીને તેમને બોલતા રોક્યા હતા અને માઇક બંધ કરાવ્યું હતું. લોકોના વિરોધ છતાં રાહુલ ગાંધીએ તેમનું બોલવાનું ચાલુ રાખતાં અંતે સ્પીકરે લોકસભાની કામગીરી પહેલાં બપોરે 3 સુધી અને પછી મંગળવાર સુધી મોકૂફ રાખી હતી. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, આ લોકો આતંકવાદ સામે લડવાની વાતો કરે છે પણ એક ક્વોટનો ઉલ્લેખ કરું ત્યાં ભડકે છે અને તેનો વિરોધ કરે છે. તેમાં એવું તે શું છે કે તેઓ આ વિગતો છુપાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ બોલવાનું ચાલુ રાખ્યું ત્યારે એક તબક્કે તેમણે સ્પીકરને કહ્યું કે, મારે શું બોલવું જોઈએ તે મને કહો ત્યારે રોષિત સ્પીકરે કહ્યું હતું કે, હું તમારો સલાહકાર નથી. તમારે અહીં આપણે જેની ચર્ચા કરવાના છીએ તેની ચર્ચા કરવી જોઈએ.


comments powered by Disqus