ગાંધીનગરઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એવાં 4 મહાનગરો મેટ્રો સિટી તરીકે ઓળખાય છે. આ શહેરો વસ્તી અને વિકાસની દૃષ્ટિએ રાજ્યનાં મોખરાનાં મહાનગરો છે, પરંતુ છેલ્લા એક દાયકા દરમિયાન ગુજરાતનાં સુરત અને રાજકોટ જેવી મેટ્રો સિટીએ ખાસ્સું કાઠું કાઢ્યું છે. સામાન્ય રીતે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન મનાય છે, પરંતુ આગામી દસકા દરમિયાન જ રાજ્યના સુરત અને રાજકોટ ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે માન્યતા મેળવે તો નવાઈ પામવા જેવું નહીં રહે.
તાજેતરના ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ અને ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના ડેટા મુજબ વર્ષ 2019-35 દરમિયાન વિશ્વના સૌથી ઝડપથી વિકસતાં શહેરોમાં ભારતનાં ટોપ-10 શહેરોની યાદીમાં ગુજરાતનાં આ શહેરોએ મેદાન માર્યું છે. ખાસ કરીને સુરત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
સુરત હાલમાં 9.17 ટકાના વાર્ષિક વૃદ્ધિદર સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે છે. વર્ષ 2018માં સુરતની GOP આશરે 28.5 બિલિયન ડોલર હતી, જે 2035 સુધીમાં વધીને 128.8 બિલિયન ડોલર થવાનો અંદાજ છે. ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ બાદ હવે આ શહેર આધુનિક સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગમાં પણ કાઠું કાઢી રહ્યું છે
રાજકોટ 8.33 ટકાના વાર્ષિક વૃદ્ધિ દર સાથે આગળ વધી રહ્યું છે. એન્જિનિયરિંગ હબ તરીકે જાણીતું આ શહેર 2035 સુધીમાં તેની GDP 28.7 બિલિયન ડોલર સુધી પહોંચાડી શકે છે.

