અમદાવાદઃ અમદાવાદમાં વધુ એક વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ થયા, જેમને ઠગનારા આરોપીઓને સાઇબર ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયા છે. છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાત સાઇબર ક્રાઇમે ઈ-ચીટિંગના પૈસાની હેરાફેરી કરતાં મ્યુલ એકાઉન્ટસ પર તવાઈ બોલાવી છે. વાસ્તવિકતા એ છે કે, વર્ષ 2025માં ગુજરાતના લોકોએ રૂ. 1400 કરોડ સાઇબર ફ્રોડ દ્વારા ગુમાવ્યા છે.
વર્ષ 2025માં મ્યાનમાર અને થાઈલેન્ડથી સંચાલિત સાઇબર ફ્રોડનાં એકમો પર અંકુશ મેળવાયો છે, ત્યાં હવે કંબોડિયાથી કોલ સેન્ટર કાર્યરત્ થતાં સાઇબર ફ્રોડ નિરંકુશ હોય તેવી સ્થિતિ છે. ગુજરાત સાઇબર ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ ટીમો મ્યુલ એકાઉન્ટસ અને ફ્રોડ કોલ સેન્ટરની નોકરી સામે સક્રિય બન્યાં છે. તો સાઇબર માફિયાગીરીની સિન્ડિકેટને નાથવા યુએસ, ભારત અને ચીને સામુહિક કાર્યવારી આરંભી છે.

