વસંત-ચુની ગજેરા ગ્રૂપ પર આઇટીના દરોડા

Wednesday 04th February 2026 06:22 EST
 
 

સુરત: ઇન્કમટેક્સ વિભાગ દ્વારા લક્ષ્મી ડાયમંડ જૂથના વસંત ગજેરા, ચુની ગજેરા અને સંલગ્ન ધંધાર્થીઓનાં સ્થળોએ ચાલતી તપાસ 6 દિવસના અંતે પૂર્ણ કરી. તે પૂર્વે તપાસનો રેલો ફાઇનાન્સર બ્રિજ ઠક્કરના પાલ ખાતેના રહેણાક-ઓફિસના સ્થળે પહોંચ્યો હતો. જેને પગલે મોટાં માથાંનાં કાળાં નાણાં અહીં વ્હાઈટ કરાયાં છે કે કેમ તે અંગે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું.
સુરત ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગની ટીમ દ્વારા લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુ સહિત તેની સાથે ધંધાકીય વ્યવહારો ધરાવતા બિલ્ડર અનિલ બગદાણાના 30 પૈકી 15 સ્થળો પર સર્ચની કાર્યવાહી જારી રહી હતી. અલબત્ત ડીડીઆઈ વિંગના ડીઆઈ પી.ઘોષની માર્ગદર્શન હેઠળ લક્ષ્મી ડાયમંડ, રિયલ એસ્ટેટ સહિત શાંતાબા શેક્ષણિક સંસ્થાનોને સકંજામાં લેવાયાં હતાં. તદઉપરાંત ગજેરા બંધુઓ સાથે ધંધાકીય વ્યવહારો ધરાવતા અનિલ બગદાણા, યુનિવર્સલ ગ્રૂપના કિશોર ગોવલિયા, પ્રવીણ અગ્રવાલ ઉર્ફે ભૂત, તરુણ ભગત સહિતના વ્યવસાયીઓને પણ સકંજામાં લેવાયા હતા.
ડીડીઆઈ વિંગની તપાસ દરમિયાન રૂ. 7 કરોડ રોકડ અને રૂ. 20 કરોડનાં ઘરેણાં જપ્ત કરાયાં છે. તદઉપરાંત વાંધાજનક દસ્તાવેજો, ડાયમંડ સ્ટોકના વેલ્યુએશન તથા વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરાઈ અને તમામ સ્થળેથી 17 જેટલી મોંઘી કારની ખરીદીની વિગતો મેળવવામાં આવી.
લક્ષ્મી ડાયમંડ પરની ઓફિસમાં દરોડા દરમિયાન દીવાલની સાથે રાખેલા એક સોફાની પાછળ દીવાલ પર હોલ મળ્યું, જેમાં ચાવી નાખતાં ગુપ્ત રીતે રખાયેલા કરોડોના ડોકયુમેન્ટ અને ડાયરીઓ મળી. ડામયંડને લગતા ડોક્યુમેન્ટ મળ્યા છે તેમાં બોગસ ખર્ચા, હીરાની રોકડમાં ખરીદી-વેચાણ અને એક્સપોર્ટને લગતા ડેટા મળી આવ્યા હતા.


comments powered by Disqus