જ્ઞાનેશકુમારે CEC પદેથી હટવું જ પડશેઃ રાહુલ

Wednesday 04th November 2026 06:03 EST
 
 

નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે કોંગ્રેસ તેમજ ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને ટેકેદારો હાજર રહ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ પ્રસંગે દેશમાં કેટલાંક વર્ષોથી યોજાયેલી ચૂંટણીઓમાં ગેરરીતિ આચરીને વોટ ચોરી કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે જ્ઞાનેશ કુમાર પર સીધા આક્ષેપો કરીને કહ્યું હતું કે, જ્ઞાનેશ કુમારે CEC પદેથી હટવું પડશે. દેશમાં કેટલાક વર્ષોથી વોટચોરી થઈ રહી છે. મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની ચૂંટણી સાથે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ વોટચોરી કરાઈ છે. તેમણે આક્ષેપો કર્યા હતા કે EVM દ્વારા મતોમાં ગોટાળા કરવામાં આવ્યા છે. મતદારની યાદીમાંથી હજારો લોકોનાં નામ હટાવાયાં છે અને નવાં નામ જોડીને ચૂંટણીની પ્રોસેસને પ્રભાવિત કરાઈ છે. રેલીમાં રાહુલ ગાંધી ઉપરાંત ખડગે, અખિલેશ યાદવ, મમતા બેનરજી, તેજસ્વી યાદવ, નેહા બોરા હાજર રહ્યાં હતાં.
2024થી ચૂંટણી ગેરકાયદે
ઇન્ડિયા ગઠબંધને શનિવારે સીઇસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રતીકાત્મક જનમહાભિયોગ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાન પર અંદાજે સાડા ત્રણ કલાક ચાલેલી મોક પાર્લામેન્ટની અધ્યક્ષતા પૂર્વ સ્પીકર મીરાંકુમારે કરી હતી. તેમાં 19 પક્ષના 215 સાંસદ સામેલ થયા હતા. ખડગેએ સીઇસી પર વોટચોરીનું ષડયંત્ર, મોદી-શાહના ઈશારા પર કામ કરવું અને 13.2 કરોડ મતો હટાવવા જેવા 6 આરોપ લગાવ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે. 13.3 કરોડ મતદારો દૂર કરાયા, જે કુલ મતદારોના 15 ટકા છે. 2024ની ચૂંટણીમાં જીત-હારનું અંતર માત્ર 3 ટકા હતું. રાહુલ અનુસાર, તેનાથી ચૂંટણીપંચ જાતે માની રહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી ગેરકાયદે હતી અને ભાજના લોકો ગેરકાયદે રીતે ગૃહ પહોંચ્યા હતા.


comments powered by Disqus