અમદાવાદઃ રાજ્યમાં શુક્રવારથી સોમવાર સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાં પડ્યાં હતાં. સૌરાષ્ટ્રના અમરેલી, ગીરસોમનાથ, રાજકોટ જિલ્લા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પોશીના, ઇડર અને હિંમતનગરમાં માવઠું વરસ્યું હતું.
અમરેલીને માવઠાનો માર
અમરેલી જિલ્લાના ખાંભાના ચકરાવા ગામ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વચ્ચે વાડીએ મજૂરી કરતી મહિલાનું પર વીજળી પડતાં મોત થયું હતું, જ્યારે ખાંભા-ઉના સ્ટેટ હાઇવે પર પવનના કારણે રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર બંધ થયો હતો. ધોધમાર વરસાદના કારણે હનુમાનપુર ગામની શેરીઓમાં પાણી વહેતાં થયાં હતાં. ગીરગઢડા તાલુકાના જંગલ બોર્ડર નજીક આવેલા મોતીસર, નિતલી વડલી, નગડિયા અને જશાધાર થોરડી સહિતનાં ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જે બાદ ખેતીને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
હિંમતનગર-ઈડરમાં વરસાદ
સાબરકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવતાં બપોર બાદ પોશીના, ઈડર અને હિંમતનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. ઈડર તાલુકાના દરામલી, નેત્રામલી, ઈસરવાડા, ભદ્રેસર સહિતનાં ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા. હિંમતનગર તાલુકાના હિંમતપુર, ઉમિયાનગર, મહાદેવપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. બીજી તરફ પોશીના અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.
દેવભૂમિ દ્વારકાના ખેડૂતો રોયા
31 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, કેનેડી અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું વરસ્યું હતું. એક તરફ જિલ્લામાં પહેલેથી જ દુષ્કાળ છે, ત્યારે અચાનક આ માવઠાએ ખેડૂતોની રહીસહી આશા પર પણ પાણી ફેરવી દીધું છે. ખેતરોમાં તૈયાર થયેલા મગફળીના પાક અને ખુલ્લામાં પડેલા પશુચારાના જથ્થાને પલળી જવાથી મોટું નુકસાન થયું છે. માવઠા અને ભારે પવનના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમની ચિંતામાં વધારો થયો.
ગીરસોમનાથના ખેડૂતોના પણ હાલ બેહાલ
ગીરસોમનાથ જિલ્લામાં શુક્રવારથી સોમવાર સુધી સતત માવઠું વરસતાં ખેડૂતોની હાલત ખરાબ થઈ ચૂકી છે. શનિવારે ગીરસોમનાથના તાલાલા, માધુપુર, જાંબુર, જસાધાર સહિતનાં ગામોમાં મિની વાવાઝોડાની સાથે અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. 1 નવેમ્બરે સતત ત્રીજા દિવસે બપોર બાદ તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રાજ્યના ચાર જિલ્લામાં દુષ્કાળ છે અને ચોમાસાની પણ સત્તાવાર વિદાય થઈ ચૂકી છે, ત્યારે ફરી એકવાર ખેડૂતો માટે માવઠું આફત સાબિત થયું છે. માવઠું આંકોલવાડી, આંબળાશ, બામણશા, હડમતિયા, માધુપુર, વાડલા, ગુંદરણ, પીપળવા સહિતના ગામોમાં પડતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
રાજકોટમાં પણ કુદરતનો કેર
જ્યારે રાજકોટના ગોંડલમાં પણ સાંજના સમયે માવઠું વરસ્યું હતું, જેનાથી ચરખડી ગામનાં ખેતરોમાં પડેલા મગફળીના પથારા પલળી ગયા હતા.

