દેશ માટે દિમાગી નક્સલો મોટું સંકટઃ મોદી

Wednesday 04th November 2026 05:24 EST
 
 

કેવડિયાઃ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે યોજાયેલી રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશની સુરક્ષા શક્તિ, શૌર્ય, મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક સાસ્કૃતિક વૈવિધ્યની ભવ્ય ઝલક જોવા મળી હતી. આશરે 10 હજાર પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોની પરેડમાં નક્સલમુક્ત ભારતના સંકલ્પને વિશેષ પ્રાધાન્ય અપાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય એકતા, સુરક્ષા અને નક્સલવાદ સામેની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલનાં ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે નક્સલમુક્ત ભારતનો સંકલ્પ લીધો હતો. આજે એક વર્ષમાં દેશમાંથી નક્સલવાદી પ્રવૃત્તિનો સફાયો થવો અને ભારત નક્સલમુક્ત બનવું ગૌરવની બાબત છે. જો કે દિમાગી નક્સલો હજુ મોટું સંકટ છે.
નક્સલમુક્ત રાજ્યોના જવાનો પરેડમાં સામેલ થયા
વંદે માતરમનાં 150 વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે નાગરિકોની કલ્પનાથી તૈયાર કરાયેલી 15 વિશેષ ઝાંખી રજૂ કરાઈ હતી. નક્સલવાદથી અસરગ્રસ્ત રહેલા 126 જિલ્લાના આશરે 2 હજાર કલાકારોએ વિશેષ નાટ્યપ્રસ્તુતિ દ્વારા પોતાની કલા રજૂ કરી હતી. પોલીસ, અર્ધલશ્કરી દળો, NCC કેડેટ્સ અને શાળાનાં બાળકોના બેન્ડે સંગીતમય પ્રસ્તુતિ આપી હતી. ઉજવણીનું વધુ એક આકર્ષણ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ રહી, જેણે આકાશમાં વિવિધ કરતબો રજૂ કરીને વાયુસેનાની કુશળતા અને સાહસની ઝલક દર્શાવી હતી.
એકતાનગરથી રૂ. 426.70 કરોડનાં કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીએ રાષ્ટ્રીય એકતા દિવસ-2026 નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં રૂ. 426,70 કરોડનાં 25 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યુ હતું, જેમાં રૂ. 307.80 કરોડના 19 પ્રોજેક્ટનું લોકાર્પણ અને રૂ. 118.90 કરોડના 6 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સામેલ છે. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે રૂ.9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટરમાં નિર્મિત રેઇન ફોરેસ્ટનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ બાદ મોદીએ 220 મીટર લાંબા ગ્લાસ ડેક ધરાવતા સ્કાયવોક બ્રિજ પરથી પસાર થઈને સમગ્ર પ્રોજેક્ટને નજીકથી નિહાળ્યો હતો. અહીં પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબારની સદાબહાર વનસ્પતિ, 5થી 8 મીટર ઊંચો ધોધ, ગોળાકાર તળાવ, પુલો, થીમેટિક લેન્ડ સ્કેપિંગ, નર્મદા પથ્થર તથા ઇંટ-ચૂનાના વોકિંગ ટ્રેલ્સ અને 20 ફૂટ ઊંચું, 40 ફૂટ પહોળું પ્રવેશદ્વાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું ચરણપૂજન કરી ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અંતિમ શ્વાસ સુધી જનતાની સેવા કરીશઃ મોદી
ભીલડી ખાતે વડાપ્રધાને ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’, પોટેટો એક્સપાન્શન પ્રોજેક્ટ અને ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રાઇવલ સિસ્ટમનું લોકાર્પણ કરવાની સાથે થરાદ અને રાધનપુર ખાતે બે નવા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ભીલડી ખાતે જનસભાને સંબોધતાં વડાપ્રધાને ભાવુક સૂર સાથે કહ્યું હતું કે, ‘હું મારા જીવનની અંતિમ ક્ષણ સુધી જનતાની સેવા કરતો રહીશ. તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, જ્યારે દેશ કોઈ સંકટનો સામનો કરી રહ્યો હોય ત્યારે વિપક્ષ આનંદ મનાવે છે.
ખાટલા સભામાં વડાપ્રધાનની ખેડૂતો પ્રત્યે ચિંતા
બનાસકાંઠાના ભીલડીમાં નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલથી રૂ. 14 હજાર કરોડના વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. એમને ખાટલા વ્યવસ્થા પર લોકોને કહ્યું હતું કે, સરકારે હંમેશા ખેડૂતો માટે ચિંતા કરી છે અને કરતી જ રહેશે.


comments powered by Disqus