અમદાવાદઃ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસના પવિત્ર અવસર પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના શાહીભાગ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા વિશેષ એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં દેશ અને સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાન બદલ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને પ્રતિષ્ઠિત ‘સરદારરત્ન એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા.
સરદારરત્ન એવોર્ડથી સન્માનિત થયા બાદ ભાવુક થતાં દિનશા પટેલે જણાવ્યું હતું કે, આ એવોર્ડ મળવો મારા માટે ખૂબ જ ગૌરવ અને સૌભાગ્યની વાત છે. આ કોઈ માત્ર વ્યક્તિગત સન્માન નથી, પરંતુ દેશના મહાનાયક સરદાર પટેલના વિચારો, આદર્શો અને તેમનાં ઉચ્ચ મૂલ્યો પ્રત્યેની આપણી સૌથી મોટી જવાબદારી છે. હું સરદાર સાહેબના વતનની માટીમાં જ મોટો થયો છું. સરદાર વલ્લભભાઈ પટેલે દેશના લોકોને નવી દિશા બતાવવાનુ ઐતિહાસિક કામ કર્યું છે.

