અમદાવાદઃ યુકેના ઓસીઆઇ કાર્ડધારક એવા મૂળ ભારતીય અને ગુજરાતમાં જન્મેલા પણ બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં એક સંવેદનશીલ મુદ્દો ઉઠાવતી જાહેરહિતની રિટ અરજી કરી છે. અરજદારે ભારતની પ્રવર્તમાન સ્થિતિને લઈને અત્યંત ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે, અરજદાર ભલે યુકેના ઓસીઆઇ કાર્ડ હોલ્ડર હોય, પરંતુ તેઓ ભારતમાં પણ આવીને રહે છે. ભારત દેશ હવે બદલાઈ ગયો છે, ત્યાં સુધી કે સમાજથી લઈ બધું જ બદલાઈ ગયું છે. મહિલાઓ અને બાળકો, ખાસ કરીને છેવાડાના લોકો બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. ભારત દેશ હવે પહેલા જેવો સુંદર રહ્યો નથી અને અહીં હવે કાયદા વગરના સમાજ જેવું વાતાવરણ લાગે છે.
જો કે હાઇકોર્ટે યુકેના નાગરિક અને ઓસીઆઇ કાર્ડ હોલ્ડર પીઆઇએલ કરી શકે કે કેમ તેમજ તેમના કાયદાકીય અધિકારો સહિતના મુદ્દે કેટલાક વેધક સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે ઓસીઆઇ કાર્ડહોલ્ડરના હકો સહિતના મુદ્દા પર ગુજરાત સરકારને આગામી 7 ડિસેમ્બરે વિગતવાર સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો.
