સુરતઃ સુરતનાં મેયર માયા માવાણીએ બોલાવેલી સામાન્ય સભામાં યોજાયેલી ઘારી સાથેની ભજિયાં પાર્ટી અંગે મોટો વિવાદ સર્જાયો છે. બજારમાં રૂ. 400થી 500 પ્રતિકિલો મળતાં ભજિયાં પાલિકા તંત્રએ અધધધ રૂ. 750ના કિલોના ભાવે ખરીદ્યાં હતાં. 131 કિલો ભજિયાં પાછળ પ્રજાના ટેક્સનાં નાણાંથી સીધું રૂ. 1 લાખનું આંધણ કરી દેવાયું. આ ઉડાઉપણા સામે વિરોધનો સૂર ઊઠતાં મેયરે કહ્યું કે, અમે સારી ક્વોલિટીના ઓઇલ ફ્રી ભજિયાં મગાવ્યાં હતાં, એટલે એનો ભાવ સહેજ વધારે આવે. સુરતનાં મેયરે પણ રાજકોટ પાલિકાનું મોડલ અપનાવીને સુરતમાં થયેલા જલસામાં અધિકારીઓ, સામાન્ય મુલાકાતીઓ અને પત્રકારોને પણ આ ભજિયાં અપાયાં હોવાથી 131 કિલોના જથ્થાને ન્યાયોચિત ગણાવ્યો હતો.
મેયરનો લૂલો બચાવ
મેયર માયા માવાણીએ લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે, ‘ઘારી-ભૂસું ખાવાની પ્રથા છે, પરંતુ બધાનું પેટ ભરાય એટલે ભજિયાં મગાવ્યાં હતાં. હવે જાગૃત સુરતીઓ વેધક સવાલ પૂછી રહ્યા છે કે નેતાઓનાં પેટ ભરવા શહેરની સંસ્કૃતિ અને તિજોરી બંનેનાં તળિયાં ઝાટકવાં કેટલાં વ્યાજબી છે?
પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે મોટો ખર્ચ
સામાન્ય સભાની બેઠકને ભજિયાં પાર્ટી બનાવી ઘારી સાથે ભૂંસાની જગ્યાએ ભજિયાં પીરસીને મેયરે સુરતી ખાનપાનની અસલ ઓળખ જ વિસારે પાડી દીધી છે. રૂ. 800ના ભાવ પર નામમાત્રનું રૂ. 50 ડિસ્કાઉન્ટ મેળવીને રૂ. 750માં ખરીદી દર્શાવી લાખોનું બિલ પાસ કરાયું હતું. સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે 131 કિલો ભજિયાં ઝાપટવામાં જ જનપ્રતિનિધિઓએ સંતોષ માન્યો.

