શ્રીહરિકોટાઃ ઈસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શુક્રવારે મોડીરાતે એનવીએસ-03 સેટેલાઈટનું સફળ લોન્ચિંગ કર્યું હતું. દેશની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ 'નાવિક'ને નવી શક્તિ આપવા આ સેટેલાઈટને જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કરાયો છે. આ સાથે જ સ્વદેશી નાવિક સિસ્ટમ શક્તિશાળી અને સચોટ થઈ ગઈ, જેનાથી હવે ભારતની વિદેશી જીપીએસ પરની નિર્ભરતા ઘટી જશે. ઈસરોએ જીએસએલવી રોકેટ મારફતે સ્વદેશી નેવિગેશન સેટેલાઈટ એનવીએસ-03ના લોન્ચિંગ સાથે ભારતની સ્વતંત્ર પ્રાદેશિક નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ નાવિકને તેના ચાર ઉપગ્રહના લઘુતમ કાર્યકારી માળખામાં પુન: સ્થાપિત કરી છે.

