ઓમાનઃ હોર્મુઝ સ્ટ્રેટમાં 2 નવેમ્બરે એક ભારતીય જહાજ MSV અલ જુસુફી પર હુમલો થયો, જેમાં ગુજરાતના એક યુવકનું મોત થયું હતું. જહાજમાં સવાર અન્ય 13 ભારતીયોને ઓમાનના કોસ્ટગાર્ડે સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. મૃતકની ઓળખ મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખલાસી ગાંધાર નાહીમ અઝીઝ તરીકે થઈ છે. જહાજના રજિસ્ટર્ડ માલિક પાસેથી મળતી માહિતી મુજબ જહાજ 31 ઓક્ટોબરે સંયુક્ત આરબ અમિરાતના હમરિયા બંદરેથી ગુજરાતના પોરબંદર તરફ રવાના થયું હતું. ઓમાનના સીમા બંદર નજીક આ જહાજ પર મિસાઇલથી હુમલો થયો હતો.
હુમલા બાદ જહાજમાં આગ લાગતાં ખલાસીઓએ જહાજ છોડીને રેસ્ક્યૂ બોટમાં આશરો લીધો, જેમને ઓમાન કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા. ખલાસી નાહીમ અઝીઝને અકસ્માત સ્થળેથી ખસાબ બંદરની હોસ્પિટલ લઈ જવાતો હતો, ત્યારે તેનું મોત થયું. હુમલા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે વેપારી જહાજોને નિશાન બનાવાતા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રાલયે કહ્યું કે, વેપારી જહાજોને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ.
