ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક ભાજપનો ભગવો લહેરાયો

Wednesday 06th May 2026 09:33 EDT
 
 

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક ભાજપનો ભગવો લહેરાયો છે. 6 જિલ્લાની તમામ જિલ્લા પંચાયત ભાજપે જીતી લીધી છે. સૌથી મોટો અપસેટ વાવ-થરાદ જિલ્લામાં જોવા મળ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતા વાવ-થરાદ જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આ જિલ્લામાં દિયોદર તાલુકા પંચાયતને બાદ કરતાં તમામ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની કારમી હાર થઈ અને ભાજપે સત્તા પ્રાપ્ત કરી છે. આવી જ રીતે મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક ભાજપની જ જીત થઈ છે.
ઉત્તર ગુજરાતમાં જિલ્લા પ્રમાણે જોઈએ તો મહેસાણામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. મહેસાણા મહાનગરપાલિકા ઉપરાંત ઊંઝા, કડી, બહુચરાજી, વિજાપુર, વિસનગર એમ તમામ 5 નગરપાલિકા ભાજપે જીતી લીધી છે. તેમાં પણ ઊંઝા અને વિસનગર નગરપાલિકામાં તો કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. જિલ્લા પંચાયત તો ભાજપે જીતી જ છે, સાથે તમામ 10 તાલુકા પંચાયત પણ જીતી લીધી છે. આવું જ કોંગ્રેસનો ગઢ ગણાતા વાવ- થરાદ જિલ્લામાં બન્યું છે. આઝાદી બાદ પહેલી વખત થરાદ નગરપાલિકામાં કોંગ્રેસની હાર થઈ છે. થરાદ અને ભાભર નગરપાલિકા અને 8 તાલુકા પંચાયત પૈકી 7 તાલુકા પંચાયતો પણ ભાજપે જીતી છે.
સાબરકાંઠામાં હિંમતનગર અને ઈડર નગરપાલિકા ભાજપે જીતી લીધી છે, જ્યારે વડાલી નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે. 8 તાલુકા પંચાયતો પૈકી પોશિનાને બાદ કરતાં 7 ભાજપે જીતી લીધી છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપે પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકા ઉપરાંત 10 પૈકી 6 તાલુકા પંચાયત ભાજપે જીતી છે અને એકમાં ટાઇ પડી છે. પાટણ જિલ્લામાં પણ ભાજપે પાટણ અને સિદ્ધપુર બંને નગરપાલિકા જીતી લીધી છે. જ્યારે 9 તાલુકા પંચાયત પૈકી 7 ભાજપ, 2 કોંગ્રેસે જીતી છે. અરવલ્લી જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણીએ ભાજપનું પ્રદર્શન થોડું નબળું રહ્યું છે. જિલ્લા પંચાયત અને બે નગરપાલિકા મોડાસા અને બાયડ ભાજપે જીતી લીધી છે. જેમાં પણ બાયડમાં તો કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. અરવલ્લી જિલ્લાની 8 તાલુકા પંચાયત પૈકી 4 ભાજપ, 3 કોંગ્રેસ અને એક મોડાસા તાલુકા પંચાયતમાં ટાઇ પડી છે.


comments powered by Disqus