લંડનઃ ભારત સરકાર દ્વારા નાગરિકતાના નિયમોમાં સુધારા અમલી બનાવાયા છે. સિટિઝનશિપ સુધારા નિયમ 2026 અમલમાં મૂકાતા હવે ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) માટેની અરજીની પ્રક્રિયા સંપુર્ણપણે ઓનલાઇન કરવાની રહેશે. જે લોકો પાસે ફિઝિકલ કાર્ડ હોય તેમને હવે
ઇ-ઓસીઆઇની સુવિધા અપાશે જેથી પ્રોસેસની કામગીરી વધુ સરળ બનશે અને
ડિજિટલ થશે.
નવા નિયમોમાં સ્પષ્ટતા કરાઇ છે કે કોઇપણ સગીર બાળક એક સાથે બે દેશની એટલે કે ભારતની અને વિદેશની નાગરિકતા અને પાસપોર્ટ રાખી શકશે નહીં. આ જોગવાઇ બેવડી નાગરિકતાને લગતા કેસમાં સ્પષ્ટતા માટે કરાઇ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઓસીઆઇ સ્ટેટસ અધિકાર નથી. જો કોઇ વ્યક્તિ તેનો ભંગ કરશે તો ઓસીઆઇ રજિસ્ટ્રેશન રદ કરાશે.
સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ઓસીઆઇ ધારકોને મતદાન માટે અને બંધારણીય હોદ્દો ધરાવવા માટેના કોઇ રાજકીય અધિકાર મળતા નથી. તે ઉપરાંત જો કોઇ ઓસીઆઇ ધારકને બે વર્ષ કે તેથી વધુની સજા થાય અથવા તો 7 વર્ષની સજાની જોગવાઇ ધરાવતા કેસમાં ચાર્જશિટ કરવામાં આવે તો તેનું રજિસ્ટ્રેશન રદ કરાશે.

