કચ્છ જિલ્લાની મહાનગર પાલિકા અને પાલિકાઓમાં ભાજપને બહુમત

Wednesday 06th May 2026 06:09 EDT
 
 

ભુજઃ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા, ભુજ, માંડવી, અંજાર, મુંદ્રા અને નખત્રાણા નગરપાલિકા ઉપરાંત કચ્છ જિલ્લા પંચાયત અને ભુજ, અબડાસા, લખપત, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અંજાર, રાપર અને ભચાઉ તાલુકા પંચાયત સહિત કુલ 16 સંસ્થામાં ભાજપનો કેસરિયો લહેરાયો હતો. વર્ષ 2021ની ચૂંટણીના પરિણામની સરખામણીએ અબડાસા, લખપત તાલુકા પંચાયત પણ કોંગ્રેસ પાસેથી છીનવી ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ 448 બેઠકો પૈકી 29 બિનહરીફ સિવાયની 422 બેઠકના 1,065 ઉમેદવારોના મતની ગણતરી બાદ ભાજપને 26 બિનહરીફ સહિત કુલ 342 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 102 બેઠકો મળી છે. આ ઉપરાંત 1 આપને તેમજ 3 બેઠક એઆઇએમઆઇએમને મળી છે. અલબત્ત વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપે 344 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જેની સરખામણીમાં ભાજપને બે બેઠકની ખોટ આવી છે. તો કોંગ્રેસને ગત વખતે કુલ 94 બેઠક મળી હતી, જેની સામે આ વખતે કોંગ્રેસને 8 બેઠકનો ફાયદો થયો છે.
અહીં તો ગઢના કાંગરા જ ખર્યા
ભાજપના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના ગામ રતનાલને સમાવતી તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારની હાર થઈ છે. જેની પાછળ ભાજપનું આંતરિક રાજકારણ કારણભૂત હોવાની ચર્ચા છે. કારણ કે આ પૂર્વે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમ આહિરની સરપંચની ચૂંટણીમાં હાર થઈ હતી. આમ પક્ષના વગદાર નેતાઓની આંતરિક ખેંચતાણમાં સરવાળે પક્ષને નુકસાન ભોગવવું પડ્યું છે. બીજી તરફ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલના ગામ ભીમાસરને આવરતી ભીમાસર ચકાસર જિલ્લા પંચાયત બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારને પણ હાર સહન કરવી પડી છે. અત્રે નોંધનીય છે કે, ભીમાસર બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત હતી અને જિલ્લા પંચાયતનું પ્રમુખપદ પણ આદિજાતિ માટે અનામત રખાયું છે.


comments powered by Disqus