માળિયા હાટીના: જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના કાલિંભડા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં બે પુત્રીઓનાં લગ્નનો મંગળ અવસર હતો, ત્યાં જ પિતાનું હાર્ટ એટેકથી આકસ્મિક નિધન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જો કે લગ્નમાં આવેલી જાન અને મહેમાનોની હાજરીને ધ્યાને રાખી પરિવારે ભારે હૈયે પિતાના મોતના સમાચાર જાન વિદાય ન થઈ ત્યાં સુધી ગુપ્ત રાખ્યા હતા.
લગ્નના મંગળ ગીતો વચ્ચે કાળનો પંજો
કાલિંભડા ગામના રહેવાસી મોહનભાઈ રાઠોડની બે પુત્રી સીમાબહેન અને ધરતીબહેનનાં લગ્ન નિર્ધારિત હતાં. સીમાબહેનની જાન દિવાસાથી અને ધરતીબહેનની જાન આત્રોલીથી આવી હતી. સવારના સમયે ઘરમાં ખુશીનો માહોલ હતો અને મંગળગીતો ગવાઈ રહ્યાં હતાં. મોહનભાઈ પોતે જાનૈયાઓની આગતા-સ્વાગતામાં વ્યસ્ત હતા અને સૌને નાસ્તો કરાવતા હતા, ત્યારે જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

