કેરળમાં આંતરિક વિખવાદે એલડીએફની ખુરશી છિનવીઃ કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફે મોકો જોઇને ચોકો માર્યો

Wednesday 06th May 2026 05:40 EDT
 
 

તિરુવનંતપુરમઃ કેરળમાં આઝાદી બાદ 1957માં સીપીઆઈએ 60 બેઠકો જીતી હતી અને 5 અપક્ષના સમર્થનથી ઈ.એમ.એસ. નામ્બુદ્રીપાદના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. એ સમય સુધી વિશ્વમાં જ્યાં પણ કમ્યુનિસ્ટ સરકાર હતી, તે કાં તો ક્રાંતિ અથવા યુદ્ધ બાદ સ્થાપિત થઇ હતી. કેરળે પહેલી વાર દુનિયાને દેખાડયું હતું કે કમ્યુનિસ્ટ વિચારધારાના લોકો લોકતાંત્રિક સંસદીય પ્રણાલી તેમજ બેલેટ પેપર પર ભરોસો કરે છે. પરંતુ આજે દેશમાં કેરળથી જ છેલ્લી ડાબેરી સરકારનું પતન થયું છે. રાજ્યમાં 29.9 ટકા જેવો ઉંચો બેરોજગારી દર હોવા છતાં એલડીએફ (લેફ્ટ ડેમોક્રેટિક ફંડ) ગઠબંધનના વડા અને મુખ્યપ્રધાન પિનરાઇ વિજયન્ સામાજિક સુરક્ષા પેન્શનના નામ પર હજારો કરોડ રૂપિયાની જનતામાં વહેંચણી કરતા રહ્યા. આ અવગણનાએ ળને નબળું પાડયું અને કોંગ્રેસને સત્તામાં વાપસી માટેની તક આપી છે એમ કહીએ તો ખોટું નથી.
યુડીએફની જીતના શિલ્પી
સરકારમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને વરિષ્ઠ કોંગ્રેસી અને વિરોધ પક્ષના નેતા વી.ડી. સતીશન ઓળખી ગયા હતા. તેમણે પાયાના સ્તરે કેમ્પેઇન શરૂ કર્યું. ટીમ યુડીએફ (યુનાઇટેડ ડેમોક્રેટિક ફંડ)નો નારો આપ્યો. ગઠબંધનમાં જૂથવાદ ખતમ કરાવ્યો. પ્રદેશ અધ્યક્ષ કે. સુધાકરને સેમી-કેડર શૈલીને અનુરૂપ બૂથ સ્તર પર ટીમની રચના કરી. જ્યારે, કે.સી. વેણુગોપાલ અંદાજે એક મહિનાથી કેરળમાં રહ્યા હતા, જેથી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇયુએમએલ) જેવા મજબૂત સંગઠન ગઠબંધનમાંથી દૂર ન ભાગે. આ લીગે માલાબાર ક્ષેત્રમાં તમામ 16 સીટ જીતાડીને યુડીએફને ક્લીન સ્વિપ વિજય અપાવ્યો છે.
એલડીએફના ગઢમાં પ્રવેશ
યુડીએફની રણનીતિમાં એલડીએફના પરંપરાગત ગઢોમાં પ્રવેશ કરવાનું પણ સામેલ હતું. અનેક ઉલટફેર થયા. સરવાળે જોઇએ તો 2021માં વિખેરાયેલા વિરોધ પક્ષથી ઉલટું 2026માં એક મજબૂત ચૂંટણી અભિયાન બનવા સુધી યુડીએફની સફરને રાજકીય પુનરાગમન માનવામાં આવે છે. તેનાથી રાજકારણની તસવીર બદલાઈ છે અને કોંગ્રેસ કેરળમાં એક મજબૂત પાર્ટી બનીને ઉભરી છે.


    comments powered by Disqus