કોમર્શિયલ એલપીજીમાં રૂ. 993નો તોતિંગ વધારો

Wednesday 06th May 2026 07:15 EDT
 
 

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ, આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ કેન્દ્ર સરકારે મોંઘવારીનો વધુ એક ઝટકો આપ્યો છે. 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરોની કિંમતમાં રૂ. 993નો વધારો ઝીંક્યો છે, જે એલપીજીમાં અત્યાર સુધીનો એક સાથે થયેલો સૌથી મોટો ભાવવધારો માનવામાં આવે છે. આ ભાવ વધારા સાથે જ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 3 હજારને પાર જતો રહ્યો છે.
અચાનક જ કરાયેલા આ ભાવ વધારાને પગલે ફૂડ ઇન્ડસ્ટ્રી જેમ કે હોટેલ, રેસ્ટોરાં, નાના-મોટા ખાણીપીણીના સ્ટોલ સહિતનાં ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. આ ઉપરાંત કેટલાક ઉદ્યોગોમાં પણ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો હોઈ તેઓ પણ ચિંતામાં મુકાયા છે. જે ભાવવધારો કરાયો તેનાથી હોટેલ રેસ્ટોરાંમાં ભોજન મોંઘું થઈ જશે. એકસાથે તોતિંગ રૂ. 993ના વધારાને પગલે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે રૂ. 3071માં મળી રહ્યો છે, જેનો ભાવ અગાઉ રૂ. 2078 હતો.
ઓનલાઈન ગેમિંગ માટેના નવા નિયમો
દેશમાં 1 મેથી ‘ઓનલાઇન ગેમિંગ રૂલ્સ 2026’ અમલમાં આવ્યો છે. આ અંતર્ગત ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (OGAI)ની રચના કરાશે. આ સંસ્થા ઓનલાઇન ગેમ્સને રેગ્યુલેટ કરવા, તેમને અલગ-અલગ કેટેગરીમાં વિભાજિત કરવા અને મોનિટરિંગનું કામ કરશે. દેશમાં મની ગેમ્સ પર પ્રતિબંધ છે, જ્યારે અન્ય ગેમિંગ પ્લેટફોર્મ્સ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.


comments powered by Disqus