મુંબઈઃ નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ) સંબંધિત કેસમાં મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તપાસ સમિતિને પુરાવા મળ્યા હતા કે આરોપીઓએ પીડિતા મહિલા કર્મચારીઓને શિરકુર્મા કે ઠંડાંપીણાંમાં નશીલી દવા ભેળવીને કથિત રીતે તેનો ઉપયોગ કર્યો હતો. અગાઉના જાતીય સતામણી અને ધર્માંતરણના આરોપો વચ્ચે હવે ફરિયાદીને નશીલા પદાર્થ આપવાનો આરોપ ઉમેરાતાં મામલો ગંભીર બન્યો છે.
યુવતીઓને આપ્યો હતો નશીલો પદાર્થ
પોલીસના જણાવ્યા મુજબ એસઆઇટીની ટીમે કોર્ટને માહિતી આપી હતી કે, આરોપીઓએ ફરિયાદીનાં પીણાંમાં નશીલો પદાર્થ ભેળવ્યો હોવાની શક્યતા છે. આ નવા ખુલાસા બાદ સઘન તપાસ કરવા અને પુરાવા એકત્રિત કરવા માટે આરોપીઓની કસ્ટડી વધારવાની માગણી કરાઈ હતી. જેને નાસિક કોર્ટે માન્ય રાખતાં ચાર આરોપી તૌસિફ અત્તાર, દાનિશ શેખ, શાહરુખ કુરેશી અને રઝા મેમણની પોલીસ કસ્ટડી 5 મે સુધી વધારી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ 35 વર્ષીય ટીસીએસ મહિલા કર્મચારી દ્વારા નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. આમાં પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે એક પ્રસંગે તેને એક પીણું અપાયું હતું. જે પીધા બાદ તેને ચક્કર આવવા લાગ્યા હતા. આ બાદ આરોપી કથિત રીતે તેને એક રેસ્ટોરન્ટમાં લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે જાતીય સતામણી કરી હતી અને તેને માંસાહારી ખોરાક ખાવા માટે દબાણ કરાયું હતું.
યુવતીઓને વેચવાનું કાવતરું હતું
નાસિક ટીસીએસમાં થઈ રહેલા દમન અને શોષણના કેસમાં ચાલી રહેલી તપાસે વળાંક લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેસ હવે વ્યક્તિગત અપરાધથી વધી જઈને આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી નેટવર્કનું રૂપ લઈ ચૂક્યો છે. તપાસ સમિતિને સંગઠિતપણે લવ જેહાદ થઈ રહ્યો હોવાની ગંધ આવી રહી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આરોપીઓ ખૂબ વ્યવસ્થિતપણે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમનું ધર્મપરિવર્તન કરાવતા હતા. જે બાદ આરોપીઓ યુવતીઓને ઊંચા વેતનની લાલચ આપીને વિદેશ મોકલી દેતા હતા. એસઆઇટીને શંકા છે કે આરોપીઓ યુવતીઓને આંતરરાષ્ટ્રીય ટોળકીઓને વિદેશમાં વેચી દેતા હતા.

