બેટ દ્વારકામાં રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના પુરાવા મળ્યા

Wednesday 06th May 2026 06:09 EDT
 
 

દ્વારકાઃ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની અંડર વોટર આર્કિયોલોજી વિંગ દ્વારા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા નજીક આવેલા બેટ દ્વારકા ટાપુ પર પ્રથમ વખત અત્યંત વ્યવસ્થિત અને વ્યાપક સ્તરે પુરાતત્ત્વીય ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2025થી શરૂ થયેલા આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય આ ઐતિહાસિક સ્થળના સાંસ્કૃતિક વિકાસક્રમ, પ્રાચીન વસાહતોની સંરચના અને હજારો વર્ષ જૂની દરિયાઈ ગતિવિધિઓને વૈજ્ઞાનિક રીતે સમજવાનો છે.
બેટ દ્વારકા સદીઓથી દરિયાકાંઠાની વસાહતો અને આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર રહ્યું છે. પ્રાચીન સાહિત્યમાં આ ટાપુ ‘અંતર્દીપ’ તરીકે ઓળખાય છે. ઇતિહાસકારોના મતે ગ્રીક ગ્રંથ ‘પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી’માં જે ‘બારાકા’નો ઉલ્લેખ છે, તે કદાચ આ જ સ્થળ છે. આ સંશોધન સાબિત કરે છે કે પ્રાચીન સમયમાં આ વિસ્તાર રોમન સામ્રાજ્ય સહિતના વિદેશી દેશો સાથે વેપારી સબંધો ધરાવતો હતો.
હાલમાં ચાલી રહેલું ખોદકામ દરિયાકાંઠાના એવા વિસ્તારોમાં છે, જ્યાં ગીચ વનસ્પતિ, કિકરનાં વૃક્ષો, કેક્ટસ અને વન્ય જીવોનો ભારે જમાવડો છે. આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ASIની ટીમે પથ્થરના માળખાકીય અવશેષો શોધી કાઢ્યા છે. ખોદકામ દરમિયાન વિદેશી શૈલીનું માટીકામ, કાચના મણકા, શંખની બંગડીઓ, પ્રાચીન સિક્કાઓ અને લોખંડનાં ઓજારો મળી આવ્યાં છે. આ તમામ વસ્તુઓ ભારતના પ્રાચીન દરિયાઈ વેપારના નેટવર્ક પર નવો પ્રકાશ પાડશે.
અગાઉ અહીંથી પ્રોટો-હિસ્ટોરિક સમયના અવશેષો મળ્યા હતા. ASI અને અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા મર્યાદિત સંશોધનમાં અહીંથી પથ્થરનાં લંગર અને માળખાકીય અવશેષો મળી આવ્યાં હતાં. આ પુરાવાઓ દર્શાવે છે કે પ્રોટો-હિસ્ટોરિક સમયગાળાથી લઈને પ્રારંભિક ઐતિહાસિક સમય સુધી અહીં સતત માનવ વસાહતો અસ્તિત્વમાં હતી.
માનવ વસાહતના પુરાવા મળી ચૂક્યા છે
બેટ દ્વારકાના દક્ષિણ-પૂર્વ કિનારે અગાઉ કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ચાર મુખ્ય સેક્ટર્સની ઓળખ કરવામાં આવી હતી. આ વિસ્તારોમાંથી મળેલાં માટીકામ, શંખના અવશેષો અને પથ્થરનાં બાંધકામો સૂચવે છે કે, અહીં વર્ષો સુધી માનવ પ્રવૃત્તિઓ ધમધમતી હતી.


comments powered by Disqus