નવી દિલ્હીઃ બેન્કિંગ અને આર્થિક ફ્રોડના મોટા કેસમાં સીબીઆઈને મહત્ત્વની સફળતા મળી છે. લાંબા સમયથી વિદેશ ફરાર થયેલા આરોપી કમલેશ પારેખને યુએઈથી ભારત પ્રત્યાર્પિત કરી દેવાયો છે. 1 મેએ પારેખને ભારત લવાયો હતો, તે નવી દિલ્હી પહોંચતાં જ સીબીઆઇએ તેની ધરપકડ કરી હતી. વિદેશ મંત્રાલય તથા ગૃહમંત્રાલય સાથે સમન્વય સાધીને સીબીઆઇએ આ સફળતા પ્રાપ્ત કરી હતી. પારેખ વિરુદ્ધ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરાઈ હતી તેના આધાર પર યુએઈમાં તેને ટ્રેક કરીને ધરપકડ કરાઈ હતી. ભારતની ઔપચારિક વિનંતી અને બંને દેશ વચ્ચે કાનૂની પ્રક્રિયા બાદ તેને ભારતીય એજન્સીને સોંપાયો હતો. તપાસ એજન્સી અનુસાર કમલેશ પારેખ પર મોટાપાયે બેન્કિંગ અને આર્થિક ફ્રોડનો આરોપ છે.-આ ગોટાળામાં દેશની અનેક બેન્કોના મોટા સમુહને ભારે નુકસાન થયું હતું જેની આગેવાની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા કરી રહી હતી.

