ભગવાન બુદ્ધની પ્રતિમા મહારાજા સયાજીરાવના કલાપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

વડોદરાના જ્યુબિલી બાગમાં 115 વર્ષ જૂની

Wednesday 06th May 2026 07:15 EDT
 
 

વડોદરા: વિશ્વભરમાં શાંતિ અને અહિંસાના પ્રણેતા ભગવાન ગૌતમ બુદ્ધનો શુક્રવારે જન્મોત્સવ ઊજવાયો ત્યારે જ્યુબિલી બાગમાં સ્થાપિત ભગવાન બુદ્ધની પ્રતિમા મહારાજા સયાજીરાવની દીર્ઘદૃષ્ટિ અને કલાપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 1911માં જાપાન મુલાકાત વખતે મહારાજાએ સુપ્રસિદ્ધ ‘કામાકુરા’ પ્રતિમાથી પ્રભાવિત થઈ તેના જેવી લઘુકદની મૂર્તિનો ઓર્ડર આપ્યો હતો.
જાપાની શિલ્પકાર બેલડી સેસેઈ ઓકાઝાકી અને ઓસાઓ વાતનાબે દ્વારા તૈયાર કરાયેલી કાંસાની પ્રતિમા 1912માં સ્થાપિત કરાઈ હતી. અહીં ભગવાન બુદ્ધ 18 પાંદડીવાળા કમળ પર અમિતાભ (અનંત પ્રકાશ) રૂપે બિરાજમાન છે. ધ્યાનમુદ્રામાં પ્રતિમાના ડાબા હાથ નીચે જાપાનીઝ લિપિ જોઈ શકાય છે. તેને બંધ મંદિરને બદલે ખુલ્લા આકાશ નીચે સ્થાપિત કરાઈ છે.
ભગવાન બુદ્ધ ધ્યાન મુદ્રામાં હાથના બે અંગૂઠા એકબીજાને સ્પર્શે તે રીતે એટલે કે ‘અમિતાભ’ સ્વરૂપે બિરાજમાન છે, જે શાંતિ અને સદ્ભાવનો સંદેશો આપે છે. 1959-1963 વચ્ચે અરવલ્લીના ભીલોડા પાસે પુરાતત્ત્વ ખોદકામ વખતે સ્તૂપ મળ્યો હતો. સ્તૂપમાં પથ્થરની પેટીથી ભગવાન બુદ્ધના અસ્થિ અવશેષો મળ્યા હતા.


comments powered by Disqus