ભારતમાં ખાલિસ્તાની ચળવળ જીવંત કરવા પાકિસ્તાનનો પ્રયાસ

Wednesday 06th May 2026 07:15 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સાથેના સામસામેના યુદ્ધમાં કાયમ ભૂંડી રીતે હારનારું પાકિસ્તાન હંમેશાં ભારતવિરોધી તત્ત્વો અને આતંકવાદીઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમર્થન આપતું આવ્યું છે. તાજેતરમાં જ ભારત વિરોધી આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એ કરાચીની પ્રેસ ક્લબમાં અલગ ખાલિસ્તાનની રચના માટે ભારતમાં વસતા શીખોનો જનમત સંગ્રહ યોજવા લોકોની નોંધણીની જાહેરાત કરી હતી.
એસએફજે અને તેના વડા ગુરપતવંતસિંહ પન્નુ પર ભારતમાં હિંસક હુમલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા જેવી ઉશ્કેરણીજનક ધમકીઓ આપવા બદલ પ્રતિબંધ મુકાયો છે. આમ છતાં પાકિસ્તાન તેને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે.
ભારતીય અધિકારીઓના મતે કેનેડા અને યુકે જેવા દેશોમાં કામગીરી મુશ્કેલ બનતાં પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇ હવે પોતાની ધરતી પરથી જ અલગ ખાલિસ્તાન માટેની ચળવળને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરી ભારત વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પંજાબ પોલીસે આઇએસઆઇ અને ખાલિસ્તાની સંગઠનો દ્વારા રચાયેલા એક ઊંડા કાવતરાનો પર્દાફાશ કરીને મોટા જથ્થામાં આરડીએક્સ, આરપીજી, ગ્રેનેડ સહિતનાં હથિયારો જપ્ત કર્યાં હતાં. આ વિસ્ફોટકોનો ઉપયોગ રાજ્યમાં મોટા હુમલા કરવા માટે થવાનો હતો.


comments powered by Disqus