સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભાજપનું સ્ટીમરોલર ફરી વળ્યું

Wednesday 06th May 2026 07:16 EDT
 
 

સુરતઃ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળતાં વિરોધીઓનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. આ વખતે મતદાર યાદી સુધારણા કરાઈ હતી, જેમાં હજારો મતદારોના નામ નીકળી જવા સાથે મતદાર યાદીમાં સીમાંકન પણ નવું થયું હતું. તેમ છતાં પણ રાજકીય પ્રભાવ જૂનો રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે. નવસારી અને વાપી મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી, જેમાં પણ ભાજપનો બહુમતી સાથે વિજય થયો છે. સુરત મહાનગરપાલિકા પર પણ ભાજપનું સ્ટીમ રોલર ફરી વળતાં આપની બેઠકો ભારે ઘટવાની સાથે માત્ર 4 બેઠક સુધી સીમિત થઈ છે. જ્યારે કોંગ્રેસે એક બેઠક સાથે ખાતું ખોલાવ્યું હતું. આ સાથે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસનો દેખાવ ગત ચૂંટણી કરતાં સુધર્યો છે. સુરત જિલ્લાના અંતરિયાળ ઉમરપાડા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠક પર વિજય મેળવ્યો છે. દક્ષિણ ગુજરાતની 9 નગરપાલિકામાં અને 5 જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન અકબંધ રહ્યું છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરી બેઠકો સાચવી ન શક્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના બધાય નેતાઓ કાગળના વાઘ સાબિત થયા છે. ફરી એકવાર નેતૃત્વ વિહોણી કોંગ્રેસને ભારે પછડાટ ખાવાનો વારો આવ્યો છે. વિધાનસભા વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરી પણ પોતાના મત વિસ્તાર ખેડબ્રહ્માની બેઠકો સાચવી શક્યા નથી. આદિવાસી પટ્ટીમાં હવે કોંગ્રેસની પકડ ઢીલી થઈ રહી છે.
કોંગ્રેસનો ચૂંટણી દેખાવ એટલી હદે નબળો રહ્યો છે કે, કોંગ્રેસને કેટલીય મહાનગરપાલિકા અને પાલિકામાં વિપક્ષમાં સ્થાન મળી શકે તેમ નથી. ખેડબ્રહ્મા બેઠક વિધાનસભા વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરીનો મત વિસ્તાર રહ્યો છે તેમ છતાં પોશીના તાલુકા પંચાયત પર 12 બેઠકો જીતી આમ આદમી પાર્ટીએ કબજો કરી લીધો છે. આ ઉપરાંત ભાજપે ખેડબ્રહ્મા તાલુકામાં 15 અને વિજયનગર તાલુકામાં 12 બેઠકો જીતી છે. કોંગ્રેસને ખેડબ્રહ્મામાં 4, વિજયનગરમાં 5 પોશીનામાં 7 બેઠકો જ મળી છે.
સ્થાનિક કોંગ્રેસી જ કહી રહ્યા છે કે, જો આ સ્થિતિ રહી તો વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખેડબ્રહ્મા બેઠક પણ ગુમાવી શકે. તુષાર ચૌધરીની નિષ્ક્રિયતાને પગલે આદિવાસી મતદારોમાં આપે પ્રભાવશાળી દેખાવ કર્યો છે જેનાથી પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી પણ ચિંતિત થઇ છે.


comments powered by Disqus