સૌરાષ્ટ્રમાં ‘આપ’ના પગપેસારા સાથે કેસરિયો લહેરાયો

Wednesday 06th May 2026 06:51 EDT
 
રાજકોટ વોર્ડ-5માં ભાજપના ઉમેદવાર રસીલાબહેન સાકરિયા અને તેમની પેનલનો વિજય
 

રાજકોટઃ રાજકોટ મહાપાલિકાની 72 પૈકી 65 બેઠક ભાજપે મેળવી છે, તો 7 બેઠક કોંગ્રેસના ફાળે જતાં કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે. જામનગર મહાપાલિકામાં 64 પૈકી 60 બેઠક (15 આખી પેનલ) ભાજપે જીતી છે, તો વોર્ડ નં.12માં ગુજસીટોકના આરોપી સહિત બે ઉમેદવાર કોંગ્રેસના અને ગુજસીટોકના બીજા આરોપી સહિત બે ઉમેદવાર 'આપ'માંથી ચૂંટાયા છે.
સૌરાષ્ટ્રનાં નવાં બે મ્યુનિસિપલ કોર્પોરેશન પૈકી મોરબી મહાપાલિકામાં ભાજપનાં 8 બળવાખોર મેદાનમાં હોવા છતાં તમામ 52 બેઠક પર ભાજપે કબજો કર્યો છે, તો પોરબંદરમાં અગાઉ 11 બેઠક બિનહરીફ મેળવ્યા બાદ ચૂંટણીમાં પણ કેસરિયો લહેરાવીને એકંદરે તમામ 52 બેઠકો ભાજપે હસ્તે કરી લીધી છે. સૌરાષ્ટ્રની 18 નગરપાલિકા પૈકી 15 ભાજપે તો 3 કોંગ્રેસે જીતી છે.
સૌરાષ્ટ્રની આઠેઆઠ જિલ્લા પંચાયતોમાં ફરી ભગવો લહેરાયો છે, જે પૈકી રાજકોટમાં 39 બેઠકમાંથી આપ અને કોંગ્રેસે 1-1, મોરબીમાં 24માંથી 7 કોંગ્રેસે, જામનગરમાં 24માંથી 2 કોંગ્રેસે અને 3 આપના ઉમેદવારોએ, દેવભૂમિ દ્વારકામાં 22માંથી 3 કોંગ્રેસ અને 1 આપના ઉમેદવાર, જૂનાગઢમાં 30 પૈકી 7 આપ ઉમેદવારે, ગીર સોમનાથમાં - 6 કોંગ્રેસે, અમરેલીમાં 2 આ૫ ઉમેદવારોએ મેળવી છે, જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતમાં તમામ 18 બેઠક પર ભાજપનો વિજય થયો છે.
કેશોદ તાલુકા પંચાયત બેઠક પર ટાઇ
કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘંસારી બેઠક પર ભાજપ અને આપ ઉમેદવારને એકસરખા મત મળતાં ટાઇ થઈ હતી, બાદમાં ચિઠ્ઠી નાખવામાં આવતાં આપના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તો ધંધુસર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર ત્રણ મતથી વિજેતા થતાં ફેરગણતરી કરવામાં આવી હતી.


comments powered by Disqus