અનિલ મુકિમને ગુજરાતના ચીફ સેક્રેટરી પદે સતત બીજી વાર એક્સ્ટેન્શન અપાયું

Wednesday 24th February 2021 06:31 EST
 
 

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને બીજી વાર છ માસનું એક્સ્ટેન્શન અપાયું છે. આગામી ઓગસ્ટના અંતે એમનો કાર્યકાળ પૂરો થતો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે તેમને એક સાથે છ મહિનાનો મુદત વધારો અપાયો હતો. જે સમય ફેબ્રુઆરી ૨૦૨૧ના અંતે પૂરો થતાં પહેલાં જ એમને ધારણા પ્રમાણે સ્થાનિક ચૂંટણીઓની ચાલતી પ્રક્રિયા તથા આવી રહેલા વિધાનસભા બજેટ સત્રને ધ્યાને લઇ ફરી છ માસનો મુદતવધારો આપી દેવાયો છે. જે હવે ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ પૂરો થશે.
સ્વચ્છ અને પ્રામાણિક પ્રતિભા ધરાવતા અને વડા પ્રધાન મોદીના અતિ વિશ્વાસુ ગણાતા ૧૯૮૬ બેચના અનિલ મુકિમને નવેમ્બર ૨૦૧૯માં દિલ્હી ડેપ્યુટેશન ઉપરથી ગુજરાતમાં પરત મોકલીને કેટલાક અધિકારીને સુપરસીડ કરી રાજ્યના વહીવટી તંત્રના સર્વોચ્ચપદે બેસાડવામાં આવ્યા હતા. આજ સુધી રાજ્યના કોઈ મુખ્ય સચિવને ૬ માસ કરતાં વધુ સમય એક્સ્ટેન્શન અપાયું ન હતું. અને એ પરિપ્રેક્ષયમાં અનિલ મુકિમનું મોટું મહત્ત્વ આંકી શકાય છે.


comments powered by Disqus