અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન મંગળવારે હાંસલપુરસ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ ઇ-વિસ્તારાને લોન્ચ કરી. આ સાથે તેમણે અને બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરાશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર ચાલશે. ઓટોમોબાઇલ હબ બનવા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે.
કાર્યક્રમને સંબોધતાં PM મોદીએ જણાવ્યું કે, હવે દુનિયામાં મેડ ઇન ઇન્ડિયા લખેલી EV કાર દોડતી જોવા મળશે. જાપાન દ્વારા બનેલી ચીજો પણ સ્વદેશી છે. પૈસા કોના લાગે છે એ મારે કોઈ લેવાદેવા નથી પણ પ્રોડક્શનમાં પરસેવો મારા દેશવાસીઓનો હોય. પ્રોડક્શનમાં મારા દેશની માટીની મહેક હશે. આ ભાવ સાથે તમે મારી સાથે ચાલો, 2047માં એવું હિન્દુસ્તાન બનાવીશું કે તમારી આવનારી પેઢીઓ ગર્વ કરશે. આત્મનિર્ભરતા અને સ્વદેશના માર્ગ માટે દેશવાસીઓને આમંત્રણ આપું છું. વિકસિત ભારત બનાવીને રહીશું.
ગુજરાત અને મારુતિનો ટીનએજમાં પ્રવેશ
PM મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજથી ભારતમાં બનેલાં ઇલેક્ટ્રિક વ્હીકલ 100 દેશમાં એક્સપોર્ટ કરાશે. આજનો દિવસ ભારત અને જાપાનની ફ્રેન્ડશિપને નવું આકાશ આપે છે. હું તમામ દેશવાસી અને મારુતિ સુઝુકીને અભિનંદન પાઠવું છું. મને ખુશી છે કે આજે મારુતિ ટીનએજમાં પ્રવેશી રહ્યું છે. ગુજરાત અને મારુતિનો ટીનએજમાં પ્રવેશ એટલે આગામી દિવસોમાં મારુતિ નવી પાંખો ફેલાવશે. નવા ઉમંગ અને ઉત્સાહ સાથે આગળ વધશે.
મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી એક્સપોર્ટર
ભારતની આ સક્સેસ સ્ટોરીનાં બીજ 2012માં હું મુખ્યમંત્રી હતો ત્યારે વવાયાં હતાં. મારુતિ સુઝુકીને હાંસલપુરમાં જમીન ફાળવી હતી. એ સમયે પણ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનું જ વિઝન હતું. આ વિઝન ભારતને લઈને ગ્લોબલ કંપનીઓના ભરોસાને પણ પ્રસ્તુત કરે છે. એક રીતે મારુતિ સુઝુકી જેવી કંપની મેક ઇન ઇન્ડિયાની બ્રાન્ડ-એમ્બેસેડર બની ચૂકી છે. સતત 4 વર્ષથી મારુતિ સુઝુકી ભારતની સૌથી મોટી કાર એક્સપોર્ટર છે. દુનિયાના ડઝનો દેશમાં જે ઇવી દોડશે એના પર લખ્યું હશે મેડ ઇન ઇન્ડિયા.
આપણી પાસે મોટા પ્રમાણમાં સ્કિલ વર્કર્સ
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારત પાસે ડેમોક્રેસીની શક્તિ છે અને ભારત પાસે ડેમોગ્રાફીનો એડવાન્ટેજ પણ છે. આપણી પાસે મોટા પ્રમાણમાં સ્કિલ વર્કર્સ છે.
વડાપ્રધાનની વતનને ભેટઃ રૂ. 5,447 કરોડના વિકાસકાર્યો
• રૂ. 38 કરોડના ખર્ચે ગાંધીનગર (GUDA)માં શુદ્ધ પાણી અને પીવાના પાણી લોકો સુધી મળી રેહેશે
• રૂ. 27 કરોડના ખર્ચે 15 લાખ લિટર ક્ષમતા ધરાવતો ક્લિયર વોટર પમ્પ તેમજ વોટર પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ
• રૂ. 44 કરોડના ખર્ચે પેથાપુર અને રાંધેજા ખાતે નવી પાઇપલાઇન નખાશે
• રૂ. 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1449 ઝુંપડાઓનુંપુન:વસન કરાયું ।
• રૂ. 72 કરોડના ખર્ચે ધોળાકૂવાથી પંચેશ્વર સર્કલ સુધી મેટ્રો રેલને સમાંતર રોડ
• રૂ. 38.14 કરોડના ખર્ચે ડભોડા ખાતે પમ્પિંગ સ્ટેશનની કામગીરી કરાઈ ।
• રૂ. 1,624 કરોડના ખર્ચે 30 કિમી લંબાઈનો એસપી રિંગ રોડ છ માર્ગીય બનાવવાનું ખાત મુહર્ત કરાયું
• રૂ. 537 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેસાણા-પાલનપુર રેલવે લાઇન (65 કિમી)નું ડબલિંગ
• રૂ. 56.52 કરોડનો ખર્ચે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાઉથ બોપલ વિસ્તારમાં બનાવાશે
• રૂ. 347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇન (37કિમી)નું ગેજ કન્વર્ઝન
• રૂ. 38.25 કરોડના ખર્ચે કલાણા-છારોડીમાં ચાર લેન રોડ બનાવાશે
• રૂ. 520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇન
(40 કિમી)ના ગેજ કન્વર્ઝનનો રેલવે પ્રોજેક્ટ્સ
• રૂ. 243 કરોડના ખર્ચે ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓ ઊભી કરાશે