ભારત ચીનને સબક શીખવાડવા બ્રાહ્મોસ મિસાઈલ વિયેતનામને વેચશે 10/06/2016 8:06 am Khushali Dave ભારતે પોતાની આધુનિક ક્રૂઝ મિસાઈલ બ્રાહ્મોસનું વેચાણ કરવાનું નક્કી કરી લીધું છે. છેલ્લા પાંચ વર્ષથી બ્રાહ્મોસ ખરીદવા માટે તત્પર બનેલા વિયેતનામને જ આ મિસાઈલ સિસ્ટમ વેચીને ભારત સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું પગલું ભરવા જઈ રહ્યો છે. હાલમાં વિયેતમાન ઉપરાંત દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા અને ચીલી જેવા અન્ય પંદર દેશો આ મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. ચીનની વધતી લશ્કરી તાકાત સામે ભારતનું આ પગલું ખરેખર ટક્કર સમાન રહેશે. ચીની ડ્રેગન ભારતના આ પગલાંથી રોષે ભરાશે તે પણ સ્વાભાવિક છે.
ભારતીય યુવાન ઉમેશ સચદેવનો ‘ટાઈમ’ની યાદીમાં સમાવેશ 10/06/2016 7:51 am Khushali Dave ભારતના ૩૦ વર્ષના ઉદ્યોગ સાહસિક ઉમેશ સચદેવનો વિશ્વના પ્રતિષ્ઠિત સામાયિક ટાઈમના દુનિયાને બદલી રહેલા લોકોના લિસ્ટમાં સમાવેશ થયો છે. ઉમેશ સચદેવે વિકસાવેલો ફોન મુશ્કેલી વખતે ૨૫ સ્થાનિક ભાષા સમજી શકે છે. એટલે તેમને મદદ પહોંચાડવી સરળ બને છે. ટાઈમના મતે આ શોધ બેશક યુગ પરિવર્તક છે.
ભારતમાં ક્રિકેટ જ ક્રિકેટઃ ૨૧૨ દિવસમાં ૯૧૮ મેચ 10/06/2016 8:06 am Nilesh Parmar ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) વિવિધ ફોર્મેટની સિરીઝના ટાઇમટેબલની જાહેરાત કરી છે. જે અનુસાર, ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીથી સત્રની શરૂઆત થશે. જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૬થી માર્ચ ૨૦૧૭ દરમિયાનના ૨૧૨ દિવસમાં ૯૧૮ મેચના ૧૮૮૨ પ્લેઈંગ ડે હશે. જેમાં સ્થાનિક જૂનિયર સ્પર્ધાઓથી લઈને રાષ્ટ્રીય કક્ષાની રણજી ટ્રોફી ટૂર્નામેન્ટનો પણ સમાવેશ થાય છે. આ સમય દરમિયાન ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ૧૩ ટેસ્ટ, ૮ વન-ડે અને ૩ ટ્વેન્ટી૨૦ રમશે. વિદેશી ટીમ ૭૮ દિવસ ભારતમાં રમશે.
સુશીલ કુમાર રિયો ગેમ્સમાં નહીં રમી શકે 10/06/2016 8:14 am Nilesh Parmar પહેલવાન સુશીલ કુમાર રિયો ઓલિમ્પિકમાં નહીં રમી શકે. દિલ્હી હાઇ કોર્ટે સોમવારે નરસિંહ યાદવ સાથે ટ્રાયલ કરવાની તેની અરજી ફગાવી દીધી. આમ હવે નરસિંહ યાદવનું રિયો ઓલિમ્પિક્સ માટે નામ નક્કી થઇ ગયું છે.
લંબ-વેસેલ્સે ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો 10/06/2016 8:02 am Nilesh Parmar ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલા રોયલ લંડન વન-ડે કપમાં સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડનો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. આ મેચમાં નોટિંગહામશાયરના ઓપનર માઈકલ લંબ અને રિકી વેસેલ્સે પ્રથમ વિકેટ માટે ૩૯.૨ ઓવરમાં ૩૪૨ કર્યા હતા. આ રીતે બંનેએ ઇંગ્લેન્ડમાં પ્રથમ વિકેટ માટે સૌથી વધુ રનના દ્રવિડ અને ગાંગુલીના ૧૯૯૯ વર્લ્ડ કપમાં પ્રથમ વિકેટ માટે કરેલા ૩૧૮ રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો.
ઝિમ્બાબ્વેના કેપ્ટન પદે ક્રીમર 10/06/2016 8:21 am Nilesh Parmar ઝિમ્બાબ્વેના ઝડપી બોલર તિનાશે પાન્ગાગરાને પીઠમાં ઇજા થવાથી મહેમાન ભારત સામે ૧૧ જૂનથી શરૂ થઇ રહેલી ત્રણ વન-ડે સિરીઝમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે ટવેન્ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરાયેલા ગ્રીમ ક્રીમરને ટીમમાં ફરી સ્થાન આપીને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.