લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સના કમિટી રુમ નંબર ૪એમાં ભારતીય સમુદાયના અગ્રણીઓએ ચૂંટણીના રાજકારણમાં ભારતીય મતદારોના મહત્ત્વ અને બ્રિટનના ભાવિના ઘડતરમાં તેમના પ્રદાન અંગે વિશદ ચર્ચા કરી હતી. લોર્ડ પ્રોફેસર ભીખુ પારેખ અને બ્રિટનના બે સૌથી મોટા એશિયન ન્યૂઝ સાપ્તાહિકો ગુજરાત સમાચાર-એશિયન વોઈસ દ્વારા ૨૭ મેએ ચર્ચાસભાનું આયોજન કરાયું હતું. બ્રિટનની તાજેતરની ચૂંટણીના પગલે થિંક ટેન્ક્સ બ્રિટિશ ફ્યુચર અને ઈપ્સોસ મોરી દ્વારા અભ્યાસ તારણો અને ક્વીન્સ સ્પીચમાં ભારત અને ચીન સાથે દ્વિપક્ષી સંબંધો પર ભાર મૂકવાના સંદર્ભે ચર્ચાસભાનો સમય નોંધપાત્ર હતો.
ચર્ચામાં મુખ્યત્વે ત્રણ વિષયો સંકળાયેલા હતાઃ
- ભારતીયોમાં મતદારની પેટર્ન્સમાં ભારે બદલાવ
- વતનના દેશના આધારે, ભારતીય મતદારોનો અભિગમ અને,
- ભારતીય મતદારોનો વિશ્વાસ જીતવામાં લેબર પાર્ટી શા માટે નિષ્ફળ રહી
ચર્ચાસભામાં પેનલિસ્ટોમાં લોર્ડ પ્રોફેસર ભીખુ પારેખ, ગુજરાત સમાચાર-એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલ, સાંસદ કિથ વાઝ, પીઢ ભારતીય પત્રકાર આશિષ રે, લોર્ડ કરણ બિલિમોરિયા, રનીમીડ ટ્રસ્ટના ડિરેક્ટર ઓમર ખાન, ભારતના પૂર્વ ચૂંટણી કમિશનર ડો. એસ વાય કુરેશી અને બ્રિટનસ્થિત ડેપ્યુટી ઈન્ડિયન હાઈ કમિશનર ડો. વિરેન્દર પોલનો સમાવેશ થયો હતો. પેનલમાં બ્લેકસ્ટોન ગ્રૂપના સીનિયર એમડી જિતેશ ગઢિયા, કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન અને લોર્ડ રાજ લૂમ્બા પણ સામેલ થયા હતા.