નાઈરોબીઃ સામાન્યપણે કોસ્મેટિક અથવા તો સૌંદર્યપ્રસાધક સર્જરી સ્ત્રીઓ કરાવતી હોય છે, પરંતુ હવે પુરુષોમાં પણ સુંદર અને આકર્ષક દેખાવાનો ટ્રેન્ડ આગળ વધી રહ્યો છે અને કેન્યાના પુરુષો પણ તેમાં બાકાત નથી. નાઈરોબી અને મોમ્બાસાના કોસ્મેટિક સર્જરી ક્લિનિક્સમાં પુરુષોની સંખ્યા વધી રહી છે. તેઓ માનતા થયા છે કે આવી સર્જરીઝ દેખાવ અને આત્મવિશ્વાસ વધારે છે. નાઈરોબીના નિષ્ણાત કોસ્મેટિક સર્જનના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં પુરુષોની કોસ્મેટિક સર્જરીઝમાં 25થી 30 ટકાનો વધારો જણાયો છે.
સોશિયલ મીડિયા, સેલ્ફીઝ અને પ્રોફાઈલ પિક્ચર્સ, વ્યાવસાયિક સ્પર્ધા, ડેટિંગ કલ્ચર અને ફિટનેસની અપીલનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે પુરુષો તેમની મર્દાનગી નજરે પડે તે પ્રકારની સર્જરીઝમાં રસ ધરાવે છે અને તેમાં પણ બાવડાના સ્નાયુઓ અને પેટ એકદમ સપાટ, ચરબીરહિત અને સ્નાયુઓ દેખાય (બોડી કોન્ટઅરિંગ), હેર ટ્રાન્સપ્લાન્ટ, પેટની ચરબી ઘટાડવા લિપોસક્સન, વધેલી કે ઉપસેલી છાતી ઘટાડવી (ગાયનેકોમાસ્ટીઆ), નાકનો આકાર બદલવો (રાહિનોપ્લાસ્ટી) અને ચહેરાને ભરાવદાર દેખાડવા બોટોક્સ અને ફિલર્સના ઉપયોગની સર્જરીઝ મુખ્ય છે. મોટા ભાગના પુરુષો શરીરસૌષ્ઠવ વધારવા કસરત અને જીમ જેવા પરંપરાગત સાધનોનો ઉપયોગ કર્યા પછી પણ ધાર્યા પરિણામો ન મળવાથી કોસ્મેટિક સર્જરી તરફ વળે છે. ઘણા કિસ્સામાં તેમના પાર્ટનર્સ કે જીવનસાથી સર્જરી ક્લિનિક્સ તરફ દોરી જાય છે.
નાઈરોબી અને મોમ્બાસાના કોસ્મેટિક સર્જરી ક્લિનિક્સ ધમધમી રહ્યા છે. સર્જરી માટે વિદેશ જવાની જરૂર રહી નથી. એડવાન્સ ટેકનોલોજી સાથે પુરુષલક્ષી પેકેજીસ પર ભાર મૂકાય છે જેમાં બોડી કોન્ટઅરિંગ (KSh 300,000 થી KSh 800,000), હેર ટ્રાન્સપ્લાન્ટ (KSh 200,000 થી KSh 500,000), બોટોક્સ અને ફિલર્સ (KSh 30,000થી શરૂ)નો સમાવેશ થાય છે. આમ છતાં, ખોટી જાહેરાતો અને ગેરમાહિતી સાથેના ગેરકાયદે અને જોખમી સર્જરી ક્લિનિક્સ પણ વધી રહ્યા છે.