પહેલો પ્રેમ તે પરિવારઃ ન્યૂઝીલેન્ડનાં વડા પ્રધાને પ્રસિદ્વિની ટોચે બિરાજતાં હોવા છતાં રાજીનામું આપ્યું

Friday 27th January 2023 04:18 EST
 
 

ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડનાં 42 વર્ષનાં વડા પ્રધાન જેસિન્ડા આર્ડેર્ને દુનિયાને ચોંકાવતા રાજીનામાની જાહેરાત કરી છે. 19 જાન્યુઆરીએ તેમણે કહ્યું હતું કે હવે પરિવાર સાથે સમય વિતાવવા માટે પદ - જાહેર જીવન છોડી રહ્યાં છે.
પાર્ટીની આ વર્ષની પહેલી બેઠકમાં જ નિવૃત્તિની જાહેરાત કરતા જેસિન્ડાએ કહ્યું કે મારી પાસે ન્યૂઝીલેન્ડના વિકાસમાં યોગદાન આપવા માટે વધુ કંઇ બચ્યું નથી. હવે પદ પર રહીશ તો દેશને નુકસાન થશે. મેં મારી ક્ષમતા અનુસાર કામગીરી કરી છે. હવે કોઇ અન્ય જવાબદારી સંભાળે. તેઓ આગામી 7 ફેબ્રુઆરી સુધી પદ પ૨ ૨હેશે. તેમની પ્રસિદ્ધિ ટોચ પર છે અને કોઇ હરીફ નથી. તેઓ સના મરીન (ફિનલેન્ડ) બાદ દુનિયાના સૌથી યુવા મહિલા વડાં પ્રધાન છે. જેસિન્ડા પાર્ટ ટાઇમ ડીજે પણ રહી ચૂક્યાં છે. 1999માં તેઓ લેબર પાર્ટીમાં જોડાયા હતા. તેમણે વડા પ્રધાન હેલેન ક્લાર્કની ઓફિસમાં કામ કર્યું. 2008ની પેટાચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતાં. વડા પ્રધાન બન્યાના 8 મહિના બાદ પુત્રીને જન્મ આપ્યો. તેઓ દીકરીને લઇને સંસદ જતા હતા. યુનાઇટેડ નેશન્સની બેઠકમાં પણ પુત્રીને લઇ ગયા હતા.
આગવી વિશેષતા, આગવી ઓળખ
• માર્ચ 2019માં ક્રાઇસ્ટ ચર્ચ મસ્જિદ પર આતંકી હુમલો થયા બાદ દેશના ડરી ગયેલા મુસ્લિમોને તેઓ શહેર-શહેર જઇને મળ્યા હતા. અને તેમને સુરક્ષાની ધરપત આપી હતી.
• કોરોના મહામારીને રોકવા માટે દેશને લોકડાઉન કરવાના અને બોર્ડર સીલ કરવાના નિર્ણયથી દુનિયાને ચોંકાવી દીધી હતી, પરંતુ દેશને કોરોનાથી બચાવી લીધો હતો.
• 2019માં જવાળામુખી વિસ્ફોટ વખતે તેમના માર્ગદર્શનમાં હાથ ધરાયેલા રાહતકાર્યોની સમગ્ર દુનિયામાં પ્રશંસા થઇ હતી.
• નાણાં મંત્રી ગ્રાન્ટ રોબર્ટસન સાથે મળીને 2019માં દુનિયાનું પહેલું વેલબીઇંગ બજેટ રજૂ કર્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter