ભારતીય ગણિતશાસ્ત્રી નીના ગુપ્તાને રામાનુજન એવોર્ડ

Tuesday 28th December 2021 05:43 EST
 
 

કોલકતાઃ મહાનગરના રિસર્ચર નીના ગુપ્તાએ આ વર્ષે યુવા ગણિતશાસ્ત્રી તરીકે રામાનુજન એવોર્ડ જીતીને દેશનું નામ ઉજાળ્યું છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે અપાતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર ચોથા ભારતીય છે. કોલકતા સ્થિત ઇન્ડિયન સ્ટેસ્ટિકલ ઇન્સ્ટિટયૂટના પ્રાધ્યાપક નીના ગુપ્તાએ એફાઇન એલ્જેબ્રિક જિયોમેટ્રી એન્ડ ક્યુમ્યુલેટિવ એલ્જેબ્રા ઝેરિસ્કી કેન્સલેશન સમસ્યાના ઉકેલ માટે તેમણે કરેલા અદ્વિતીય કાર્ય બદલ આ એવોર્ડથી સન્માનિત કરાયાં છે. પોતાને પ્રાપ્ત થયેલા સન્માનથી ખુશ નીનાએ કહ્યું હતું કે આ એવોર્ડ મેળવવો સન્માનની વાત છે પણ હજુ પણ ઘણું કામ કરવાની જરૂર છે. ઝેરિસ્કી કેન્સલેશન સમસ્યાના ક્ષેત્રે કામગીરી બદલ પ્રો. ગુપ્તાને ૨૦૧૪માં ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી દ્વારા યુવા વિજ્ઞાનીના એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં.
નીનાએ કહ્યું હતું કે આ ઇનામ મળવાથી હું ખુબ ખુશ છું, પરંતુ આટલું પૂરતું નથી. એક સંશોધક તરીકે, મારું માનવું છે કે હજુ પણ ગણિતને લગતી ઘણીબધી સમસ્યાઓ છે જેમનું સમાધાન શોધવાનું છે. કોઇ કામ બદલ તમને સન્માનિત કરાય છે તે નિશ્ચિત રીતે જ અનુસંધાનના ક્ષેત્રે વધુ સખત મહેનત કરવા માટે પ્રેરિત કરે તેવી બાબત છે. નીના ગુપ્તા આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારા વિશ્વના ત્રીજા મહિલા છે જ્યારે ભારતના ચોથા સંશોધક છે.
રામાનુજન એવોર્ડનો પ્રારંભ
વર્ષ ૨૦૦૫માં રામાનુજન એવોર્ડની શરૂઆત થઇ હતી. તે વિકાસશીલ દેશોના ૪૫ વર્ષથી ઓછી વયના ગણિતના ક્ષેત્રે કામ કરતા સંશોધકોને પ્રદાન કરાય છે. ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના નામે આ પારિતોષિકનો પ્રારંભ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter