મતદારોને લાંચ આપવાના કેસમાં દોષિત મહેબૂબાબાદના મહિલા સાંસદને ૬ માસની કેદ - દંડ

Monday 26th July 2021 09:44 EDT
 
 

હૈદરાબાદ, તા. ૨૫ઃ ભારતમાં પહેલીવાર લોકસભાના સીટીંગ સાંસદની ચૂંટણીમાં મતદારોને મત આપવા માટે લાંચ આપવાના કેસમાં દોષિત ઠેરવીને કેદ અને દંડની સજા ફરમાવવામાં આવી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મતદારોને લાંચ આપવાના આરોપસર તેલંગણ રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)ના સાંસદ મલોથ કવિતા અને તેમના સહયોગીને નામપલ્લીની સ્પેશિયલ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યાં છે. તેલંગણના નામપલ્લીની સાંસદો અને ધારાસભ્યો માટેની વિશેષ સેશન્સ કોર્ટે ટીઆરએસના મહેબૂબાબાદ લોકસભા મતક્ષેત્રના સાંસદ મલોથ કવિતા અને તેમના એક સહયોગીને ચૂંટણી સમયે મત માટે મતદારોને લાંચ આપવાના આરોપસર દોષિત ઠેરવી બંનેને ૬-૬ મહિનાની કેદ ફટકારી હતી. જોકે સ્પેશિયલ સેશન્સ કોર્ટે બંનેને હાઇ કોર્ટમાં અપીલ કરવા માટે જામીન મંજૂર કર્યા હતા.
તાજેતરના સમયમાં ચૂંટાયેલા રાજકીય નેતાઓને સાંસદ અને ધારાસભ્યો માટેની વિશેષ અદાલતે દોષિત ઠેરવી જેલની સજા ફટકારી હોય તેવી આ ત્રીજી ઘટના છે. અલબત્ત, લોકસભાના કોઇ સીટિંગ સાંસદને ચૂંટણીમાં મતદારોના લાંચ આપવાના આરોપસર કસૂરવાર ઠરાવીને જેલની સજા કરાઇ હોવાની આ પ્રથમ ઘટના છે.
૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહેબૂબાબાદ મતવિસ્તારમાં બર્ગામપહાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મલોથ કવિતાને મત આપવા મતદારોને માથાદીઠ રૂપિયા ૫૦૦ વહેંચતા કવિતાના સહયોગી શૌકત અલીને ઇલેક્શન ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓએ ઝડપી લીધો હતો. ફ્લાઇંગ સ્ક્વોડે શૌકત અલીને મત માટે મતદારોને લાંચ આપતા રંગે હાથ પકડયો હતો. અધિક સરકારી વકીલ જી. નારાયણે જણાવ્યું હતું કે, અલીએ કોર્ટમાં કબૂલાત કરી હતી કે તે મલોથ કવિતાની તરફેણમાં મતદાન કરવા માટે મતદારોને માથાદીઠ રૂપિયા પ૦૦ આપી રહ્યો હતો. આ કેસમાં શૌકત અલીને આરોપી નંબર-૧ અને મલોથ કવિતાને આરોપી નંબર-૨ બનાવાયા હતા.
સ્પેશિયલ સેશન્સ કોર્ટના જજ વી.આર.આર. વારાપ્રસાદે બંનેને ઇંડિયન પિનલ કોડની કલમ ૧૭૧-ઇ અંતર્ગત દોષિત ઠેરવી ૬ મહિનાની સાદી કેદ અને બંનેને રૂપિયા ૧૦-૧૦ હજારનો દંડ ફટકાર્યાં હતાં. જજે ચુકાદો જાહેર કર્યો ત્યારે બંને અદાલતમાં હાજર હતા.
પોલીસે કેસની સુનાવણી દરમિયાન પુરાવા તરીકે અદાલતમાં ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓનો રિપોર્ટ રજૂ કર્યો હતો. અલીએ કોર્ટમાં કબૂલાત કરી હતી કે મતદારોને લલચાવવા માટે કવિતાએ તેને નાણાં વહેંચવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસના ઝડપથી નિકાલ માટે વિશેષ અદાલતોની રચના કરવાના આદેશ આપ્યા પછી માર્ચ ૨૦૧૮માં આ સ્પેશિયલ સેશન્સ કોર્ટની રચના કરાઇ છે. અત્યાર સુધીમાં આ કોર્ટ ભાજપના ધારાસભ્ય રાજાસિંહ અને ટીઆરએસના ધારાસભ્ય દાનમ નાગેન્દરને દોષિત ઠેરવી ચૂકી છે. રાજાસિંહને પોલીસ અધિકારી પર હુમલો કરવાના કેસમાં અને દાનમ નાગેન્દરને એક સરકારી અધિકારી પર હુમલાના કેસમાં દોષિત ઠેરવાયા હતા.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કાળું નાણું વાપર્યુંઃ કેરળ પોલીસ
કેરળ વિધાનસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં થ્રિસૂરના હાઇવે પર થયેલી રૂપિયા ૩.૫ કરોડની ચોરીના કેસમાં કેરળ પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે કે વિધાનસભા ચૂંટણી પહેલા કર્ણાટકથી ગેરકાયદે રીતે રૂપિયા ૪૦ કરોડ કેરળ મોકલાયા હતા અને આ નાણાં હવાલા દ્વારા ભાજપ પ્રદેશ એકમના પદાધિકારીઓમાં વહેંચવામાં આવ્યા હતા. આ નાણું બિનહિસાબી હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter