યુકેની શાળાઓમાં 70 ટકા શિક્ષિકાઓ જાતિય કનડગત -સ્ત્રીવિરોધનો શિકાર

Tuesday 03rd May 2022 16:36 EDT
 

લંડનઃ યુકેની શાળાઓના ક્લાસરૂમ્સમાં ‘incel -involuntary celibates’ ચળવળના કારણે જાતિય કનડગતની સંસ્કૃતિ વધી રહી હોવાને પ્રમાણિત કરતા સર્વે અનુસાર70 ટકા શિક્ષિકા સ્ત્રીદ્વેષ સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર બનતી હોવાનું બહાર આવ્યું છે. ટીચર્સ યુનિયન NASUWTના સર્વેમાં લગભગ 60 ટકા શિક્ષિકાએ વિદ્યાર્થીઓ તરફથી જાતિય કનડગત અને સ્ત્રીદ્વેષનો અનુભવ કર્યાનું જણાવ્યું હતું.

યુકેમાં 300,000 સભ્યો ધરાવતાં યુનિયને મહિલાઓ, ટ્રાન્સ અને નોન-બાઈનરી સભ્યો અને વિદ્યાર્થીઓએ નિયમિતપણે જે પ્રમાણે સ્ત્રીદ્વેષ અનુભવવો પડે છે તે વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ટીનેજર વિદ્યાર્થીઓમાં incel- ઈન્સેલ સબકલ્ચર વધી રહ્યું છે તેનો ઉપાય કરવામાં સરકાર દ્વારા કોઈ પગલાં ભરાતાં નથી. આ શબ્દપ્રયોગ રોમાન્ટિક અથવા સેક્સ્યુઅલ પાર્ટનર મેળવી ન શકતા તથા જાતિય રીતે સક્રિય લોકો અને ખાસ કરીને સ્ત્રીઓ પ્રત્યે ઓનલાઈન દુશ્મનાવટ અને રોષ વ્યક્ત કરનારા પુરુષો માટે કરવામાં આવે છે. સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કાર અને રોષ ઢાલવતા ઈન્ટરનેટ ફોરમ્સની સંખ્યા 3 મહિનામાં છ ગણી વધી છે.

NASUWT દ્વારા 1500 શિક્ષિકાના સર્વેમાં 72 ટકાએ તેમની શાળામાં મહિલાવિરોધનો શિકાર બન્યાનું તેમજ 53 ટકાએ શાળાઓ સમસ્યાને ઉકેલવા પૂરતો પ્રયાસ નહિ કરતી હોવાનું જણાવ્યું હતું. મહિલાવિરોધ મોટા ભાગે શાળાકીય કોમ્યુનિટીમાંથી જ થાય છે જેમાં, 58 ટકા શિક્ષકાએ વિદ્યાર્થીઓ, 45 ટકાએ સીનિયર લીડરશિપ ટીમ, 42 ટકાએ અન્ય શિક્ષકો, 30 ટકાએ હેડટીચર્સ અને 27 ટકાએ પેરન્ટ્સ તરફથી મહિલાદ્વેષ અનુભવાયાનું કહ્યું હતું. 20માંથી એક શિક્ષિકાએ ફેસબૂક, વોટ્સએપ અને ટિકટોક સહિત સોશિયલ મીડિયાની પોસ્ટ્સમાં મહિલાવિરોધ દર્શાવાતો હોવાનું કહ્યું હતું.

મોટા ભાગની શિક્ષિકાએ ધાકધમકીપૂર્ણ, નીચા દર્શાવતા અને બિનવ્યાવસાયિક વર્તન (76 ટકા), ક્ષમતા સંબંધિત ટીપ્પણો (51 ટકા), બુદ્ધિપ્રતિભા (33 ટકા), શરીરસંબંધી (32 ટકા), શીખવવાની સ્ટાઈલ (30 ટકા) અને વસ્ત્રો (29 ટકા) સંબંધિત ટીપ્પણી કરાતી હોવાની ફરિયાદ કરી હતી જ્યારે,3 ટકાએ સેક્સ્યુઅલ અને શારીરિક હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. બાળકો દ્વારા અભ્યાસ સમયે શરીર ખુલ્લું કરવું, સેક્સ્યુઅલ ઈશારાઓ, અવાજો કરવા, શારીરિક છેડછાડ, ઘર અને કામકાજના સ્થળે મહિલાઓની ભૂમિકા વિશે સેકસ્યુઅલ ટીપ્પણીઓ કરાતી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter