લો’રિયલનાં સર્વેસર્વા ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સઃ 100 બિલિયન ડોલરનાં માલિક બનનારા વિશ્વનાં પ્રથમ સન્નારી

Wednesday 14th February 2024 05:44 EST
 
 

બ્યૂટી અને વેલનેસ પ્રોડક્ટ્સના ક્ષેત્રે વિશ્વભરમાં આગવી નામના ધરાવતાં લો’રિયલ સામ્રાજ્યનાં માલિક ફ્રેન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ 100 બિલિયન ડોલર (અંદાજે 8,30,000 કરોડ રૂપિયા)નાં માલિક બનનારાં વિશ્વનાં સૌપ્રથમ સન્નારી બન્યાં છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સે તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર તેમની સંપત્તિ 100.1 બિલિયન ડોલર છે. તેમની અધધધ સંપત્તિનું કારણ છે લો’રિયલ બ્યૂટી પ્રોડ્કટ રેન્જની શાનદાર સફળતા. તેમને આ કંપની વારસામાં મળી છે. ભારતીય ઉદ્યોગપતિઓ સાથે સરખામણી કરવી હોય તો કહી શકાય કે તેમણે ભારતના બિલિયોનેર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેથી આગળ નીકળી ગયાં છે. ફ્રેન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ હાલ 70 વર્ષનાં છે અને તેઓ તેમની એકાંતપ્રિય જીવનશૈલી માટે જાણીતાં છે.

ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ લો’રિયલના બોર્ડમાં વાઇસ ચેર છે. લો’રિયલનું મૂલ્ય 268 બિલિયન ડોલર છે. તેમનું કુટુંબ 35 ટકા શેરમૂડી ધરાવે છે. આમ મેયર્સ ફેમિલી કંપનીમાં સૌથી મોટું શેરધારક છે.
તેમના પુત્ર જીન વિક્ટર મેયર્સ અને નિકોલસ મેયર્સ પણ કંપનીમાં ડિરેક્ટર છે. મેયર્સની સંપત્તિમાં આવેલા ઉછાળાનું કારણ લો’રિયલના શેરનું પર્ફોર્મન્સ છે. લો’રિયલ્સના શેરે 1998 પછીના શ્રેષ્ઠ કામગીરી આ વર્ષે નોંધાવી છે.

જોકે સંપત્તિમાં જંગી ઉછાળા છતાં પણ તેમની સંપત્તિ હાલમાં તેમના ફ્રેન્ચ સમોવડિયા લુઇ વુટનના સર્વેસર્વા બર્નાર્ડ આર્નોલ્ટ કરતાં ઘણી ઓછી છે. એલવીએમએચ મોટ હેનેસી લુઇ વુટનના સ્થાપક બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ 179.8 બિલિયન ડોલર (અંદાજે 15 લાખ કરોડ રૂપિયા) છે. તેઓ બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં બિલિયોનેર્સ લિસ્ટમાં બીજા ક્રમે છે. જ્યારે ટેસ્લાના સ્થાપક ઇલોન મસ્ક 232 બિલિયન ડોલરની (અંદાજે 19.03 લાખ કરોડ રૂપિયા) સંપત્તિ સાથે ટોચ પર છે.

મેયર્સને 2017માં મૃત્યુ પામેલી તેમનાં માતા લિલિયન બેટનકોર્ટ પાસેથી વારસો મળ્યો હતો. માતા-પુત્રી વચ્ચેના સંબંધો વિવાદાસ્પદ હોવા છતાં પણ મેયર્સ તેમના એકમાત્ર વારસદાર તરીકે ઉભરી આવી હતી. આમ હાલ તેઓ કુટુંબની સંપત્તિની જાળવણી તે કરે છે અને લો’રિયલ પર પૂરો અંકુશ ધરાવે છે.

લો’રિયલની સ્થાપના 1909માં બેટનકોર્ટ મેયર્સના કેમિસ્ટ દાદા યુજીન શૂલર દ્વારા કરવામાં આવી હતી. લો’રિયલ કંપની અનેક પડકારો અને સફળતા બંનેનો અનુભવ કરી ચૂકી છે. કોરોનાના રોગચાળા દરમિયાન કંપનીને આકરો ફટકો પડયો હતો, પરંતુ તેના પછી કંપનીએ જબરજસ્ત પુનરાગમન કર્યું હતું. લક્ઝરી આઇટેમોની માંગમાં ધરખમ ઉછાળાના પગલે તેનો શેર ૩૫ ટકા વધી ગયો છે.

પ્રાઇવસી માટે જાણીતાં મેયર્સ તેના દિવસનો નોંધપાત્ર સમય પિયાનો વગાડવામાં ફાળવે છે. તેઓ જાણીતાં લેખિકા પણ છે. તેમણે બાઇબલના પાંચ વોલ્યુમ લખ્યા છે અને ગ્રીક ગોડ્સની કથાઓ લખી છે. લો’રિયલમાં તેમની સક્રિય ભૂમિકા ઉપરાંત તેઓ બેટનકોર્ટ મેયર્સ ફેમિલી હોલ્ડિંગ કંપની ટીથીસને પણ સંભાળે છે. તેમના પતિ જીન પિયરે મેયર્સ કંપનીના સીઇઓ તરીકે ફરજ બજાવે છે.
ટીથીસ ઇન્વેસ્ટની સ્થાપના 2016માં કરવામાં આવી હતી. તેનું ધ્યેય લાંબા ગાળા માટેના એવા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, જે લો’રિયલ સાથે સ્પર્ધા કરતાં ન હોય. હાલમાં તો 100 બિલિયન ડોલરનાં માલિક બનનારાં વિશ્વનાં પ્રથમ મહિલા તરીકે વિશ્વના અખબારોમાં ચમક્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter