નવી દિલ્હી: હવે ઉચ્છ્વાસની બ્રીધ-પ્રિન્ટથી ખબર પડી જશે કે પેટમાં સામાન્ય ઈન્ફેક્શન છે કે અલ્સર કે પછી કેન્સર. કોલકતાની એસ. એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સિઝ (એનસીબીએસ)ના વિજ્ઞાનીઓએ પેટમાં ઇન્ફેક્શનથી લઈને આંતરડાંના કેન્સર સુધીના રોગોને ઓળખવાની નવી રીત વિકસાવી છે. તેમાં કોઈ રોગીના માત્ર શ્વાસનાં સેમ્પલથી જ પેટના રોગના શરૂઆતના સ્તરની ઓળખ થઈ જશે. આ ટેક્નિકને પાયરો-બ્રીધ નામ અપાયું છે.
સેન્ટરના વિજ્ઞાની ડો. મણિક પ્રધાને જણાવ્યું કે પાયરો-બ્રીધ એક પ્રકારનું ગેસ એનેલાઈઝર છે, જે પાછા આવતા શ્વાસમાં હાજર ગેસ તથા કણોના ખાસ પ્રકારના બ્રીધ-પ્રિન્ટને સ્કેન કરી શકે છે. બ્રીધ-પ્રિન્ટ એક પ્રકારે ફિંગરપ્રિન્ટની જેમ છે, જે દરેક વ્યક્તિના એકદમ અલગ હોય છે. કોલકતાના સોલ્ટલેક સ્થિત એએમઆરઆઈ હોસ્પિટલમાં એક હજારથી વધુ દર્દીઓ પર તેના પ્રોટોટાઈપનું પરીક્ષણ કરાયું હતું. આ એન્ડોસ્કોપીની તુલનાએ ૯૬ ટકા વધુ સચોટ જણાયું હતું. તેની પેટન્ટ થઈ ગઈ છે અને ટેક્નોલોજી ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલી રહી છે. તેનું વ્યવસાયિક ઉત્પાદન આગામી વર્ષ સુધીમાં શરૂ થઈ જશે.
ડો. પ્રધાને જણાવ્યું કે ઉચ્છવાસમાં ગેસની સાથે પાણીનાં સૂક્ષ્મ ટીપાં હોય છે તેનાથી પેટમાં અનેક બીમારીઓના કારણે બેક્ટેરિયા ‘હેલિકોબેક્ટર પાયલોરી’ની ઓળખ થાય છે. ટીમે શ્વાસમાં હાજર જુદાં જુદાં પ્રકારનાં પાણીનાં ટીપાંમાં (બ્રીધોમિક્સ પ્રક્રિયા) પાણીનાં અનેક તત્વો એટલે કે આઈસોટોપ્સનો અભ્યાસ કર્યો. હેલિકોબેક્ટર પાયલોરી પેટમાં ઈન્ફેક્શન ફેલાવતો એક બેક્ટેરિયા છે. જો પ્રારંભે જ તેની સારવાર ન કરવામાં આવે તો આ પેપ્ટિક અલ્સર તથા પેટનાં આંતરડાંમાં કેન્સર પેદા કરી શકે છે. અત્યાર સુધી આ રોગને ઓળખવા માટે એન્ડોસ્કોપી કે બાયોપ્સી કરવી પડે છે, જે એકદમ પીડાદાયક પ્રક્રિયા છે અને તે રોગની શરૂઆતનાં લક્ષણોને ઓળખવા માટે યોગ્ય પણ નથી. આ નવી ટેક્નોલોજીથી વૃદ્ધો, નવજાત બાળકો અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને વધુ ફાયદો થશે.
સાવ નજીવા ખર્ચે ટેસ્ટ
ડો. પ્રધાન તથા પાંચ વિજ્ઞાનીઓની ટીમે પાંચ વર્ષના રિસર્ચ પછી પાયરો-બ્રીધ ઉપકરણ વિકસાવ્યું હતું. બજારમાં તેની કિંમત આશરે ૧૦ લાખ રૂપિયા આસપાસ હશે. જ્યારે એન્ડોસ્કોપી મશીનની કિંમત ૨૫ લાખ રૂપિયા જેટલી છે. એન્ડોસ્કોપી ટેસ્ટ કરાવવા ૨૫૦૦ રૂપિયા ખર્ચવા પડે છે. જોકે આ ટેસ્ટનો ખર્ચ ૧૦૦ રૂપિયાથી પણ ઓછો રહેશે.