કોરોના લોકડાઉન તો કાંઈ નથી, ‘મરકી’એ ત્રીજા ભાગનું મુંબઈ ખાલી કરાવ્યું હતું!

Saturday 11th April 2020 06:52 EDT
 
 

રાજકોટ: આધુનિક ૨૧મી સદીમાં પણ જેઓ માત્ર ઘરમાં રહેવા જેવી સૂચના પણ પાળતા નથી તેમણે મહામારીઓના ઈતિહાસમાં ડોકિયું કરવાની જરૂર છે. વર્ષ ૧૮૭૨થી લઈને ૧૮૯૬ એમ માત્ર ૨૪ વર્ષના ટૂંકા ગાળામાં ત્રણ-ત્રણ મહામારી જેવી નોબત આવી પડી હતી, જેમાંની એકાદમાં પણ (નોવેલ કોરોનાની જેમ) વિદેશથી આવતા નાગરિકોને લીધે જ રોગ ફેલાયો હતો. એ વખતે તો આજના જેવી દવાઓ, સારવાર પણ ઉપલબ્ધ નહોતા. એકાદ મહામારીનું ઉદગમ સ્થાન વેરાવળ હોવાનું મનાય છે, તો અમુક તબક્કે મહાનગરી મુંબઈ મહામારીના લીધે ત્રીજા ભાગની ખાલી થઈ ગઈ હતી. પ્રમાણમાં પછાત લોકજીવ છતાં ત્યારેય લોકો જાતે જ સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળતા હતા.
ભૂતકાળની વિગતો જેમાં આલેખાયેલી છે એવા પુસ્તકો - ‘ગુજરાતનો ઈતિહાસ’, ‘વિજ્ઞાન વિલાસ’, સામાયિક ‘સૌરાષ્ટ્ર દર્પણ’ ઉપરાંત રાજાઓના એક્શન ટેકન રિપોર્ટ સમાન અમુક ગ્રંથમાંથી જૂનાગઢના ઈતિહાસવિદ પ્રો. પ્રદ્યુમન ખાચરે કેટલીક માહિતી તારવી છે. આ વ્યાખ્યાતા સોશ્યલ મીડિયા મારફત એ જાણકારી ફેલાવવા ઉપરાંત પ્રજાજનોને સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે જાગૃત કરવામાં પણ પ્રવૃત્ત છે.
સન ૧૮૭૨માં આવેલા એ જમાનાના નવીન પ્રકારના રોગની વાત માંડતાં ઇતિહાસવિદ્ પ્રો. ખાચર કહે છે કે આવી આપત્તિ સમયે અફવાઓ ઊડતી જ હોય છે. તેનાથી દૂર રેહવું જરૂરી છે. આ દર્દનું નામ હતું લૂલિયું. આ રોગનો ફેલાવો વેરાવળ-પાટણ તરફથી થયો હતો. ત્યાં દરેક ઘરમાં અને દરેક માણસના શરીરમાં પોતાનો વાસો કરી ત્યાંથી ઠેકડો મારીને જૂનાગઢ શહેરમાં આવી પડ્યો હતો. લૂલિયું જે શહેર પર તરાપ મારે તેમાં એક પણ ઘર ખાલી રાખતું નહીં અને તેમાં પણ કોક જ ઘરમાં ભાગ્યે જ બાકી રહેતું હશે.
લૂલિયું રોગ આવવાની નિશાનીઓ પહેલાથી જ ખબર પડી જતી હતી. પહેલા માણસોના સાંધા દુઃખવા માંડતા હતા તેથી માણસ ચેતી જતો કે આ રોગ આવવાનો છે. પછી તરત તાવ આવે અને આખું શરીર પકડાઈ જતું હતું તેથી ચાલી શકતો પણ નહીં. ત્યારના નિષ્ણાતોએ આ દર્દને દરિયાઈ હવાના ફેરફારથી થયાનું જણાવ્યું હતું.
આ રોગ વખતે એક અફવા ઊડી હતી કે વેરાવળમાં એક ખારવણને દેવી સપનામાં આવ્યા હતાં અને તેને કહ્યું હતું કે અમે રંગીલી, છબીલી, છેલછબીલી અને મરકી એવી ચાર બહેનો છીએ તેમાથી હું રંગીલી હાલ આવી છું અને મારી મોટી બહેન મરકી પાછળથી આવશે તેથી મારું નૈવેદ્ય કરવું અને કોઈએ દવા બિલ્કુલ કરવી નહીં, જે મને લૂલિયું કહેશે તેને વધારેમાં વધારે પીડા આપીશ. આથી લોકોએ ડરીને આ લૂલિયાનું નામ પડતું મૂકીને તેનું નામ જ રંગીલું પાડી દીધું હતું. આ રોગને જ્યારે આવતાવેંત દબાવ્યો હોય તો તે તરત જ દબાતો હતો. ત્યારે હજુ જૂનાગઢમાં દવાખાનું ખૂલ્યાને માત્ર બે વર્ષ થયા હતા. લોકો કોઈ ડોક્ટર પાસે દવા લેતા આવતા નહીં. દવા લેવા માટે પ્રલોભનો અને જુદી જુદી યોજનાઓ નવાબી તંત્રે કરવી પડતી હતી.
સન ૧૮૭૬માં ભારતભરમાં કોગળિયું નામે રોગ ફેલાયો હતો, આ રોગ એક સ્થળેથી બીજા સ્થળે તરત જ પ્રસરતો હતો. આ રોગ ફેલાયો ત્યારે આજના કોરોનાની જેમ લોકો એકબીજાના ઘરે બિલ્કુલ જતા નહીં. જે માણસો મૃત્યુ પામ્યા હતા તેના મૃતદેહોની નિકાલની પણ વ્યવસ્થા કરી શકાઈ નહોતી એટલી ભયંકરતાએ રોગ વકર્યો હતો. શરૂઆતમાં ઝાડા થાય, પછી ઉલ્ટી શરૂ થતી અને શરીર ઠંડુ પડી જતું હતું અને કાળું પડી જતું હતું અને નાડી બંધ થતાં માણસ મૃત્યુ પામ્યો હતો. આ રોગ વખતે લોકો હંમેશા પાણી ઉકાળીને તથા રેતી અને લાકડાના કોલસામાં ગાળીને વાપરતાં હતા. જે મૃત્યુ પામે એ દર્દીના કપડાં બાળી નંખાતા. દર્દીની રહેવાની જગ્યાને ગંધક અને ડામર વગેરે પદાર્થો બાળીને સાફ કરાતી હતી.
સન ૧૮૯૬ના સપ્ટેમ્બરમાં મુંબઈમાં મરકી (સ્પેનિશ ફ્લુ) નામનો રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે એમ મનાતું હતું કે આ રોગ મૂળ પૂર્વના દેશોમાં ઉદભવ્યો હતો અને તે પ્રાચીન સમયથી જાણીતો હતો. ચૌદમા સૈકામાં મરકીએ યુરોપ આખાને ખેદાનમેદાન કરી નાખ્યું હતું. મુંબઈમાં મરકી આવવાનું કારણ એ હતું કે ઈરાની અખાતના અથવા અરેબિયામાંથી પ્રતિ વર્ષ ૨૦ હજાર યાત્રાળુઓ આવતા હતા. આ પ્રવાસીઓ મારફત તેમજ ઉંદર કે વેપારીના માલ દ્વારા રોગ ફેલાયો હતો. મરકીમાં દર્દીને તાવ આવતો. આના ૨૪ કલાકમાં જાંઘ કે બગલમાં કે ગરદન પર ગાંઠ નીકળતી અને તે જેમ મોટી થતી તેમ તાવનું પ્રમાણ વધતું હતું. આમાંથી સન્નિપાત થવા માંડતો અને ૧૦૦માંથી ૯૯ કેસમાં દર્દીનું મૃત્યુ થતું હતું.
મુંબઈથી આ રોગ ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છમાં પણ ફેલાયો હતો. આ મરકી વખતે ત્રીજા ભાગનું મુંબઈ ખાલી થઈ ગયું હતું. પણ જે લોકો ભાગીને જે સ્થળે ગયા ત્યાં પણ મરકીનો ફેલાવો થયો હતો. ગુજરાત તરફ જે મજૂરો આવતાં તેને મુંબઈથી પ્રમાણપત્ર લઈને નીકળવું પડતું હતું. આજની જેમ ત્યારે પણ મંદિરો અને રસ્તાઓ સાવ નિર્જન થઈ ગયેલાં. જે કોઈ મરણ પામે તેને મોટાભાગનાને દાટી જ દેવા પડતા હતા. દિવસ-રાત સ્મશાન ચાલુ જ રહેતા હતા. આજે તો આપણે ઘણી બધી વૈજ્ઞાનિક પ્રગતિ કરી છે અને આ રોગને નાથવા સરકારથી માંડીને સહુ કોઇ પ્રયત્ન કરી રહ્યા છે તે કાબિલેદાદ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter