હવે બ્લ્યૂ રોટલી, લીલી બ્રેડ, જાંબુડી પૂરી ખાવા થઈ જાઓ તૈયાર!

ભારતીય કૃષિ વિજ્ઞાનીઓની સિદ્ધિઃ પોષણથી ભરપૂર રંગબેરંગી ઘઉં વિકસાવ્યા

Wednesday 26th June 2019 06:43 EDT
 
 

નવી દિલ્હીઃ ગુજરાત સહિત બહુમતી ભારતવંશીઓ તેમની ત્વચાના રંગના આધારે ઘઉંવર્ણા તરીકે ગણાય છે. જોકે હવે આ ઓળખ કદાચ બદલવી પડશે. ના, ભારતીયોનો નહીં, પણ ઘઉંનો રંગ બદલાઈ રહ્યો છે. કૃષિ નિષ્ણાતોએ બ્લ્યૂ, બદામી, કાળા સહિત વિવિધ રંગોના ઘઉં વિકસાવ્યા છે. આથી શક્ય છે કે હાલ દુકાનોમાં બ્રાઉન બ્રેડ લેવા જનારા લોકો આગામી દિવસોમાં ગ્રીન કે પર્પલ બ્રેડ માગશે અથવા તો ઘરમાં બનતી મસાલા પુરી પીળી નહીં, પણ વાદળી રંગની જોવા મળશે. બજારમાં નવરંગી બિસ્કિટ, પાઉં, પિત્ઝા કે બર્ગર મળતાં થશે.
વાત એમ છે કે પંજાબના મોહાલીસ્થિત ભારત સરકારની નેશનલ એગ્રી ફૂડ બાયો-ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (એનએ-બીઆઇ)ના વિજ્ઞાનીઓએ આઠ વર્ષની જહેમત બાદ આ રંગીન ઘઉં વિક્સાવીને તેની પેટન્ટ માટે અરજી કરી છે.
ગયાં વર્ષે જૂન માસમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા મંજૂરી બાદ હવે પર્પલ, બ્લ્યુ, બ્લેક રંગના ઘઉં માનવ વપરાશ માટે ઉપલબ્ધ છે. પહેલાં એનએબીઆઇ લેબોરેટરી અને પછી સંસ્થાના કેમ્પસમાં આ ઘઉં ઉગાડાયા હતા. હવે પંજાબના પતિયાળા અને જલંધર તેમ જ મધ્ય પ્રદેશના વિદિશા તથા અન્ય વિસ્તારોમાં ૭૦૦ હેક્ટરમાં કોન્ટ્રાક્ટના ધોરણે થતી ખેતીમાં પર્પલ અને બ્લેક રંગના ઘઉં ઉગાડાયા છે.
ફળોને રંગ આપનારું પિગમેન્ટ એન્થોસિએનીન આ રંગીન ઘઉંમાં હોય છે, જે ઉચ્ચ એન્ટી-ઓક્સિડન્ટ ધરાવે છે. એન્ટી-ઓક્સિડન્ટનું ઉચ્ચ પ્રમાણ ધરાવતા આ રંગીન ઘઉં ખાવાથી હૃદયના રોગો, ડાયાબિટીસ અને સ્થૂળતાને પણ અંકુશમાં લાવવામાં મદદ મળશે.
આ રંગીન ઘઉંને ઝિંકથી બાયોફોર્ટિફાઇડ કરાયા છે. આથી આ રંગીન ઘઉં ખાવાથી હૃદયના રોગો, ડાયાબિટીસ અને સ્થૂળતા અંકુશમાં લાવવામાં મદદ મળશે. આ ઘઉં થકી કુપોષણથી પીડાતાં બાળકોને વધારે પોષણ પણ આપી શકાશે.
એનએબીઆઇએ હાથ ધરેલા આ પ્રોજેક્ટનાં વડાં મોનિકા ગર્ગ કહે છે કે ૨૦૧૧માં જાપાન પાસેથી રંગીન ઘઉં વિશે ટેક્નિકલ જાણકારી મેળવ્યા બાદ આ ઘઉંના ભારતીય આબોહવામાં પ્રયોગો થયા. આ રંગીન ઘઉંના સફળ પ્રયોગો થઈ ચૂક્યા છે.
સામાન્ય ઘઉંની સરખામણીએ રંગીન ઘઉંમાં પાક ઓછો ઉતરે છે એટલે તેની કિંમત થોડી વધારે હશે, પરંતુ, એન્થોસિએનીન અને ઝિંક ધરાવતા આ ઘઉં કુપોષણ તથા અન્ય બીમારીઓ સામે મદદ કરશે એ રીતે તેની વધુ કિંમત લેખે લાગે છે.
હાલ રંગીન ઘઉંની અન્ય રોગ સામે ટકી રહેવાની ક્ષમતા તપાસવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચમાં ચકાસણી ચાલી રહી છે. આ પછી રંગીન ઘઉં હાલના નોર્મલ ઘઉંના વિકલ્પ તરીકે નહીં તો પૂરક વિકલ્પ તરીકે પણ બજારમાં ઉપલબ્ધ થવા લાગશે.

બ્લેક ઘઉંમાં સૌથી એન્થોસિએનીન

ઘઉંને રંગ આપનારું પિગમેન્ટ એન્થોસિએનીન એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે. બ્લેક ઘઉંમાં આ પિગમેન્ટનું પ્રમાણ સૌથી વધારે ૧૪૦ પીપીએમ (પાર્ટસ પર મિલિયન) હોય છે. બ્લ્યૂ ઘઉંમાં તે ૮૦ પીપીએમ અને પર્પલ ઘઉંમાં તે ૪૦ પીપીએમ હોય છે. હાલ આપણે જે ઘઉં ખાઈએ છીએ તેમાં માત્ર પાંચ પીપીએમ એન્થોસિએનીન હોય છે.

સિંગાપોરમાં રંગીન ઘઉં પોપ્યુલર

હાલ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, કેનેડા તેમ જ ચીનમાં પણ રંગીન ઘઉં મળે છે. જોકે, સિંગાપોરમાં રંગીન ઘઉંની નુડલ્સ સૌથી વધારે લોકપ્રિય છે.

૧૦ કંપનીઓને ઉત્પાદનમાં રસ

એનએબીઆઇએ ૧૦ કંપની સાથે કરાર કરી તેમને ઘઉંની ટેકનિકલ જાણકારી આપી છે. તેમાંથી કેટલીક કંપનીએ ઘઉંની વાવણી શરૂ કરી દીધી છે. કેટલીક કંપનીઓ આ ઘઉંમાંથી સીધા જ બ્રેડ કે બિસ્કિટ, કૂકીઝ જેવા ઉત્પાદનો બજારમાં મૂકી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter