સાયન્સ મ્યુઝિયમ દ્વારા ભારતીય ઈનોવેશનની ઉજવણી કરાશે

Thursday 10th November 2016 05:14 EST
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ આગામી વર્ષે ભારતીય પ્રજા, સંસ્કૃતિ અને કોશલ્યને સમર્પિત શ્રેણીબદ્ધ પ્રદર્શનો અને કાર્યક્રમો યોજવાના લંડનના સાયન્સ મ્યુઝિયમની યોજનાઓને આવકારી છે. બે દેશોના સાંસ્કૃતિક ઉજવણી માટે યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર ૨૦૧૭-૧૮ના ભાગરૂપે સાયન્સ મ્યુઝિયમ ઓટમ ૨૦૧૭માં બે પ્રદર્શન યોજશે, જે ભારતના સમૃદ્ધ સંસ્કૃતિ અને ભારતીય ઈનોવેશન-નવપ્રવર્તનના ઈતિહાસ પર કેન્દ્રિત હશે. યુકેમાં શાળાકીય જૂથો દ્વારા સાયન્સ મ્યુઝિયમની સૌથી વધુ મુલાકાત લેવાય છે.

એક પ્રદર્શન ભારતમાં ૧૯મી સદીમાં ફોટાગ્રાફીના ઉદ્ભવથી માંડી વર્તમાનકાળ સુધીના મહત્ત્વાકાંક્ષી અને અભૂતપૂર્વ સર્વેથી સંબંધિત છે. બીજા પ્રદર્શનમાં પ્રાચીનથી અર્વાચીન ભારતમાં વૈજ્ઞાનિક વિચારની દીર્ઘકાલીન પરંપરાને હાઈલાઈટ કરવામાં આવશે. વિશ્વને સમજવામાં અને સારા સમાજની રચનાના માર્ગ તરીકે ભારતમાં વિજ્ઞાનના મહત્ત્વ પર ભાર મૂકવા સાથે દેશમાં નીરિક્ષણ, ગણતરી અને ઈનોવેશનના નિષ્ણાત જ્ઞાનને દર્શાવાશે.

ભારત મુલાકાત દરમિયાન વડા પ્રધાન મેએ જણાવ્યું હતું કે,‘ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને નવપ્રવર્તનના ઈતિહાસની ઉજવણી આપણા બે દેશો વચ્ચે ગાઠ સંબંધોનું સ્પષ્ટ પ્રદર્શન છે. યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર દરમિયાન બ્રિટિશ અને ભારતીય વિદ્વાનો અને સાંસ્કૃતિક સંસ્થાઓ વચ્ચે સંબંધ ગાઢ બનાવવા આ શ્રેણીબદ્ધ પ્રદર્શનોનો ઉપયોગ કરવાના સાયન્સ મ્યુઝિયમના ઉદ્દેશને હું આવકારું છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter