હિંદુ વધુ સમાવેશી ધર્મ છેઃ મોહન ભાગવત

Tuesday 02nd August 2016 11:21 EDT
 
 

લંડનઃ ચેરિટી સંસ્થા હિંદુ સ્વયંસેવક સંઘ દ્વારા લંડનથી આશરે ૫૦ કિ.મી.ને અંતરે હર્ટફોર્ડશાયર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સંસ્કૃતિ મહાશિબિર’ને રવિવારે  સંબોધન કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિંદુવાદ તો જીવવાની તરાહ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હિંદુ ધર્મ સમાવેશી છે અને વિભાજક તો નથી જ તેમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે હિંદુ ધર્મ વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં વિશ્વાસ ધરાવે છે.

યુકે અને યુરોપથી આવેલા ૨૨૦૦ જેટલા પ્રતિનિધિઓને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે તમામ સંસ્કૃતિનું સન્માન થવું જોઇએ અને તમામ સંસ્કૃતિનું સન્માન થતાં જ વિશ્વ ખીલી ઊઠશે.

વિકાસ અને પર્યાવરણ વચ્ચે ચાલી રહેલા દ્વંદ્વ વિષે તેમણે કહ્યું હતું કે, વિકાસ માટે પર્યાવરણનો ભોગ આપવો જોઇએ કે નહિ તેનો ઉત્તર હિંદુ ધર્મ આપે છે. તંદુરસ્ત શરીર અને મન માટે કસરત જરુરી હોવાનું જણાવતાં મોહન ભાગવતે કહ્યું હતું કે અનુશાસનમય જીવન, યોગ્ય ભોજનશૈલી અને નિયમિત કસરત કરવાથી તંદુરસ્ત સમાજ જળવાય છે.

ત્રણ દિવસની સંસ્કૃતિ મહાશિબિર દરમિયાન સંસ્કાર, સેવા અને સંગઠન જેવા મુદ્દે ઊંડાણપૂર્વકની ગોષ્ઠિ થઈ હતી. યુકેના રામકૃષ્ણ વેદાંત સેન્ટરના વડા સ્વામી દયાત્માનંદ, લંડન સેવાશ્રમ સંઘ, યુકેના વડા સ્વામી નિર્લિપ્તાનંદ તેમજ સ્વિત્ઝર્લેન્ડના ઓમકારનંદ આશ્રમના આચાર્ય વિદ્યા ભાસ્કરે શિબિરને સંબોધન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter