સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૫)

વિષ્ણુ પંડ્યા Wednesday 06th April 2016 07:04 EDT
 
 

મંચુરિયાની એ ઠંડીગાર રાતે અતીતની અગ્નિજ્વાળાને સુભાષ શબ્દ આપી રહ્યા હતા, એક વિદેશી સંગાથી શિદેઈ સમક્ષ.
તેમને મન એ જાપાની કે વિદેશી હતો જ નહીં. આઝાદ હિન્દ ફોજના અંતિમ અધ્યાય પછીનો સહયાત્રી હતો.
આજ દિવસ સુધી કોલકાતાથી કાબુલ થઈને જર્મની અને જાપાનથી છેક ઇમ્ફાલ...
ઓહ, મહાસમરની જ દાસ્તાં જાણે!
પણ, ઝાંખી રોશનીમાં, છાવણીની અંદર શિદેઈની સાથે વાત શરૂ કરતાં તેમની આંખોમાં આંસુ હતાં.
‘અરે, ક્રાંતિપથના પથિક, તમારી આંખમાં આંસુ?’ શિદેઈ સન્માનપૂર્વક ઝૂકીને બોલી ઊઠ્યો.
ક્ષણવારનું મૌન.
‘કોઈ યાદ આવ્યુંઃ મેડમ એમિલી? નાનકી બાળકી અનિતા? ઘર?’
સુભાષ ગણગણ્યાઃ હા. મારું ઘર. અને એ મધ્યરાત્રિ. ૧૭ જાન્યુઆરી, ૧૯૪૧. એલગિન માર્ગ પરની એ પ્રિય નિવાસભૂમિ.
એક અને પચીસ મિનિટે...
પ્રિય મા, પિતાજી, ભાઈ, ભાભી, ભત્રીજાઓ... સ્મૃતિનો વૈભવ જ વૈભવ આ ચાર દિવાલ વચ્ચે હતો. પણ વિપ્લવનું આમંત્રણ! તીર પર કૈસે રુકું મૈં, આજ લહરોંકા નિમંત્રણ!!
કોઈને ય ખબર નહોતી. ગૃહબંદી સુભાષનાં આ સાહસ વિષે. દુનિયા એટલું જરૂર જાણતી હતી કે રાષ્ટ્રીય મહાસભા અને ગાંધીજીના વર્તનથી ઘવાયેલા સુભાષ અધ્યાત્મ તરફ વળી ગયા છે. દાઢી વધારી છે. ધ્યાનમાં બેસે છે. કોઈને મળતા નથી તેમના ભોજનની થાળી પણ ઓરડામાં પહોંચાડવામાં આવે છે.
હા, રાતે તેમના ઓરડામાં રોશની હોય છે ખરી. પણ એ તો, તેનું અધ્યયન ચાલતું હશેઃ ગીતા, ઉપનિષદ કે ઇતિહાસ ગ્રંથો. ઇમારતની બહાર ચોકીદારો અને આઈ.બી.ના ગુપ્તચરો પણ મન હળવું થયેલું અનુભવે છે. સુભાષ કશું અનોખું કરે એવા સંજોગો જ નથી. જુઓને, ત્રિપુરીમાં બહુમતે જીત્યા છતાં તેમને રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી જ દેવું પડ્યું ને! અરે દેશ આખો જોડલી તરીકે જેમને નિહાળતો હતો, તેમાંના જવાહર પણ ખસી ગયા એટલે સુભાષે રોષ અને દુઃખપૂર્વકનો પત્ર લખવો પડ્યો હતોઃ ‘જવાહર, તારું વર્તન ન સમજી શકાય તેવું છે. મારી વિરુદ્ધ જે વાતો થાય એ તો તું ઉત્સાહથી વધાવી લે છે પણ તારી તરફેણની વાતમાં ઉપેક્ષા રાખે છે. આંખો બંધ કરી લે છે! મને સવાલ એ છે કે આવી રીતે મને નાપસંદ કરવાનો અર્થ શું છે? રાજકીય રીતે હું તને મોટાભાઈ અને નેતા માનતો હતો... પણ તારા જવાબો તદ્દન અધૂરા અને અસ્પષ્ટ જ રહ્યા છે. ત્રિપુરીના અધ્યક્ષપદની ચૂંટણીમાં મારી પાસે શું હતું? હું તો સાવ એકલો હતો. સામે તારા સહિત બધા નેતાઓ, સંગઠનો અને પ્રચાર હતો. જ્યારે કોઈ સંકટ પેદા થાય છે ત્યારે તું એક યા બીજાની તરફેણમાં પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીતે રાખતો જ નથી. લોકોને લાગે છે કે તું બે ઘોડા પર સવારી કરે છે. અલમોડામાં તેં એવી દલીલ કરી કે અત્યારે વ્યક્તિગત વાત ભૂલીને સિદ્ધાંત અને નીતિને પ્રાધાન્ય આપવું જોઈએ. આવું તું ક્યારે કહે છે - અમુક જ વ્યક્તિની વાત આવે ત્યારે! સુભાષ પ્રમુખ પદ માટે ઊભો રહે તો વ્યક્તિવાદ લાગે છે અને મૌલાના આઝાદ ઊભો રહે તો સિદ્ધાંતની દુહાઈ આપીને પ્રશંસા કરે છે!! મારું તુચ્છ દિમાગ તારી વિસંગતિને સમજવા માટે અસમર્થ છે. કારોબારીના ૧૨ સભ્યોએ રાજીનામા આપીને જે કર્યું તેનાથી વધુ તેં લોકોની નજરે મને નીચા બતાવવાનું કર્યું! જો હું ખરેખર આટલો દુષ્ટ હોઉં તો બેશક, પર્દાફાશ કરવાની તારી ફરજ છે પણ તું એટલું તો જરૂર અનુભવતો હોઈશ કે તારા સહિતના મોટા નેતાઓ, મહાત્માઓ અને આઠ પ્રાંતીય સમિતિઓનો વિરોધ હોવા છતાં હું અધ્યક્ષ તરીકે પસંદ થયો, ચૂંટાઈ આવ્યો એટલે કંઈક સારપ તો મારી હશે જ ને? કંઈક તો દેશ સેવા કરી હશે જેથી અનેક મુશ્કેલી-અવરોધો છતાં આટલા મત મેળવ્યા!... આંતરરાષ્ટ્રીય બાબતોમાં તો તારી નીતિ એકદમ અપાહિજ છે! વિદેશનીતિ યથાર્થવાદી વિષય છે અને તેનું નિર્માણ મુખ્યતઃ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ જ થવું જોઈએ. ભાવનાઓના પરપોટા અને નેક શિષ્ટાચારોથી વિદેશનીતિનું નિર્માણ નથી થતું હોતું. સરદાર પટેલ અને બીજા કેટલાકની પાસે તારા માટેની કુશળ યુક્તિઓ છે. તેઓ તને ખૂબ બોલવા દેશે, તું બોલીશ પછી તને કહેશે, ‘લો, જવાહર! હવે તમે જ પ્રસ્તાવ લખો...’ એક વાર પ્રસ્તાવ લખવાનું તેઓ કહે કે તું ખુશ થઈ જઈશ પછી ભલેને પ્રસ્તાવ ગમે તે પ્રકારનો બને! મેં તને છેલ્લે સુધી કોઈ મુદ્દા પર દૃઢ રહેતો ભાગ્યે જ જોયો છે... મારે એ જાણવું છે કે ખરેખર તું શું છે - સમાજવાદી? ડાબેરી? મધ્યમાર્ગી? જમણેરી? ગાંધીવાદી? કે બીજું કંઈ?....’ (માર્ચ ૨૮, ૧૯૩૯)
હરિપુરા પછી ત્રિપુરી મહાસભા. મેં તે ઇચ્છા રાખી - અને સૌને કહી કે - અધ્યક્ષ બનીને મારે મહાસભાને સ્વાતંત્ર્ય યુદ્ધમાં અસરકારક બનાવવી છે. ગાંધીજીએ ના પાડી. પટ્ટાભિ સીતારામૈય્યાને ઊભા રાખ્યા. સુભાષ જીત્યા. માઇકલ એવર્ડઝે લખ્યુંઃ Gandhi now turned the technique of Non-cooperation, not against the British, but againsts own precident! ગાંધીજીએ સ્વીકાર્યું કે પટ્ટાભિની હાર એ મારી હાર છે. (The last years of British India) બ્રિટિશરોને લાગ્યું કે ખતરો સુભાષથી છે. એક ઘા અને બે કટકા તેની નીતિ છે. ગાંધી આપણા મિત્ર છે તેમના અસહયોગ આંદોલનથી બ્રિટનને નહીં, ભારતની પ્રજાને જ નુકસાન થવાનું છે. બ્રિટિશ શાસને ચતુરાઈપૂર્વક - કોંગ્રેસમાંથી સુભાષને દૂર કરવાના નિર્ણય પછી તુરત - જેલવાસી બનાવી દીધા હતા. પ્રેસિડેન્સી જેલ. ત્યાં હેમચંદ્ર ઘોષ મળ્યા. વિપ્લવી નેતા. ‘સુભાષ આગે બઢો... દેશનો સમર્પિત જુવાન તમારી સાથે છે.’ તેમણે અનશન શરૂ કર્યાં, ને લખ્યુંઃ મારી છેલ્લી વાત છે - મુક્તિ અથવા મૃત્યુ! અને-
‘ભૂલશો મા કે ગુલામીથી મોટો કોઈ અભિશાપ નથી. અ-ન્યાય અને ખોટી નીતિની સાથે સમજૂતિ કરવાથી મોટો કોઈ અપરાધ નથી. જીવનની સંપૂર્ણ પ્રાપ્તિ માટે જીવન સમર્પિત કરવું પડે છે...’
બ્રિટિશ શાસન હલબલી ગયું.
૧૯૪૦ની ૫ ડિસેમ્બરે સુભાષને છોડ્યા.
...પછી?
સુભાષે એ રાતની સ્મૃતિને વાગોળતાં કહ્યુંઃ શિદેઈ, જિંદગીમાં ક્યારેક એવી પળ આવે જ છે, જો સાવધ અને સજ્જ ના હોઈએ, દ્વિધાનાં વાદળા ઘેરાયેલા હોય, ત્યારે સંકલ્પ લેવો જ પડે છે...
અને તે સંકલ્પના પગલે-
‘એ રાત ભૂલી ભૂલાતી નથી. લાંબા અરણ્યવાસ પછી જાણે કે બહાર નિકળવાનું હતું. કોઈને કશી ખબર નહીં. બસ, ભત્રીજો શિશિર રોજ આવીને યોજના બતાવે, ચર્ચા કરીએ અને પછી ચાલ્યો જાય. પરિવાર પૂછે તો કહે કે ગીતાનાં ભાષ્યની ચર્ચા કાકાજીએ (સુભાષે) કરી હતી.’
રસોઈઘરથી પગથિયાં તરફ... ટપ્ ટપ્ શાંતિથી નીચે જવાની ચૂપચાપ ગતિ. ઢીલો મોટો પાયજામો, ભૂરા રંગની શેરવાની, આંખે કાળા ચશ્મા. માથા પર કાળી ફેન ટોપી જાણે લખનવી નવાબ!
નીચે, જર્મન વોંડરર મોટરકાર પાસે શિશિર રાહ જોઈને ઊભો હતો.
૧૯૪૧નું વર્ષ. ૧.૩૦ મધ્ય રાત.
સુભાષે વહાલો નિવાસ છોડ્યો, કોલકોતા છોડ્યું, પ્રિય શસ્યશ્યામલા બંગભૂમિ અને ભારત માતાની ગોદ...
બધું છૂટ્યું તે જિંદગીના અંત સુધીનું સ્વૈચ્છિક જલાવતન! બીજા ભત્રીજા અરવિંદે તેમની સૂટકેસ અને બિસ્તર કારની ડેકીમાં ગોઠવ્યા. વોંડરર કાર માટે આંગણામાં દરવાજો ખૂલ્યો. એલેન્બી રોડ, સર્ક્યુલર અને હેરિસન રોડ... ત્યાંથી ગ્રાન્ડ ટ્રક રોડ.
કોલકોતા પાછળ રહી ગયું.
હવે આસનસોલ.
પછી ધનબાદ. રાતનો એવો સમય કે જ્યારે સૌ સુખનિંદરમાં સપનાં માણતા હતા ત્યારે આ એકલો મહાનાયક તેનાં તમામ વૈચારિક હથિયારથી સજ્જ બનીને નિકળી પડ્યો હતો. બરારીમાં અશોક બોઝનો પરિવાર રહેતો હતો. સવારના ચર્ચના ડંકા પડ્યા કે તેમના દરવાજે ટકોરા પડ્યા... આટલી રાતે કોણ? બારણું ખોલ્યું તો શિશિર! ‘અરે, તું?’ પણ તેની પાછળ કોઈ કાબુલીવાલા! ‘આ...’ આટલું બોલ્યા ત્યાં પઠાણે સ્મિત કર્યુંઃ આવું સ્મિત તો એકલા સુભાષનું! આવીને ગળે લગાવ્યા... જલદીથી બધા ઘરની અંદર પહોંચી ગયા.
વિગતે વાતોનો અવસર જ ક્યાં હતો? બસ, ઇતિહાસનું એક નવું પૃષ્ઠ રાહ જોઈ રહ્યું હતું... ૧૮ જાન્યુઆરી, ૧૯૪૧ની સવારે દિલ્હી-કાલકા મેઇલમાં આ અજ્ઞાત ક્રાંતિકારે જગ્યા લીધી, સૌને અલ-વિદા તો કલાક પૂર્વે જ આપી દીધી હતી. ન જાણે, હવે ક્યાં... કેવી સ્થિતિમાં... કેવી રીતે- તારો જો સાદ સૂણીને કોઈ ના આવે, એકલો જાને રે!
તેજ રફતારથી ચાલતી ટ્રેન.
તેનાથી યે અધિક વિચારવંટોળનું મેદાન સુભાષનું દિલદિમાગ. જાણે સા-વ નવો જન્મ, નવાં કલેવર... ભૂલાઈ જાઓ, આઈસીએસની પ્રતિષ્ઠા, બંગ-કોંગ્રેસની મહત્તા, દેશબંધુ ચિતરંજનદાસની અપાર લાગણી, હરિપુરા-ત્રિપુરાની મહાસભા, ગાંધી - જવાહર - સરદાર - મૌલાનાનું નેતૃત્વ, પ્રિય મિત્ર દિલીપકુમાર રાય, માતૃસ્વરૂપ વાસંતીદેવી, મેજદા શરતચંદ્ર, વંદનીયા ભાભી, ભાઈ-ભત્રીજા, પરિવાર...
સુભાષ ધસમસતી ટ્રેનની બંધ બારી પાસે એવો અનુભવ કરી રહ્યા હતા, જાણે એક યુગાન્તર પછીની ગડમથલોની દુનિયા ભીતર અને આસપાસ હતી. ‘સ્વાધીનતા ભીખ માંગવાથી મળતી નથી, તે સંઘર્ષ કરીને છીનવી લેવી પડે છે...’ આ જીવનસૂત્ર હતું, સ્વામી વિવેકાનંદ અને ઠાકુર રામકૃષ્ણ પરમહંસની વિચાર-ચેતનાનો પથ હતો. ઘોર અંધારામાં ક્યાંક દીવાસળીથી આગનો તણખો સંકોરવો હતો.
એવું થશે?
કે પછી બ્રિટિશ ગુપ્તચર તંત્ર ઝડપી લેશે? ફરી પ્રેસિડેંસી કે માંડલે જેવી જેલમાં ગોંધાઈ જવું પડશે? અધ્યક્ષપદે જીત મેળવ્યા પછી પણ જે નેતાઓએ અ-માન્ય કર્યો હતો તેઓ કહેશે, ‘જોયું ને... બીજા રસ્તે ચાલવાનું પરિણામ. રાજકીય જીવનના વિલિનીકરણમાં ફેરવાઈ ગયું!’
‘પણ મારે ક્યાં રાજકીય એષણાનાં પીંજરમાં બંધ થઈને પ્રતિષ્ઠાનો શુકપાઠ કરવો હતો?’
શિદેઈને સુભાષે કહ્યું. શિદેઈ મુગ્ધમંત્ર થઈને સાંભળી રહ્યો હતો. તેમણે માથું સંમતિપૂર્વક ધૂણાવ્યુંઃ હા, ચંદ્ર બોઝ! તમારી તો રગેરગમાં સ્વાધીનતાની ચાહનાનો - લોહી કરતાંયે લાલ-રંગ વહી રહ્યો છે!
શિદેઈએ પોતાનાં કોટના ગજવામાંથી એક અખબારનું કતરણ કાઢ્યું, તેમાંથી તસવીર બતાવીઃ ચંદ્ર બોઝ, આ તો ભારતના જ કવિવર ને? સુભાષે અહેવાલ સાથેની તસવીર જોઈ. એમનો ચહેરો ભાવભર્યો બની ગયો, ‘અરે, આ તો અમારા ગુરુદેવ રવીન્દ્રનાથ!’
શિદેઈ કહેઃ હા. તેમણે તમારા માટે ૧૯૩૯માં કહ્યું હતું, તે આમાં છપાયું હતું. જાપાનમાં આઝાદ હિન્દ ફોજના સેનાપતિ સુભાષચંદ્ર બોઝ કોણ છે, તેમની તમામ વિગતો એકત્રિત કરવાનું જાપાન સરકારે સોંપ્યું હતું ત્યારે આ અહેવાલ મારા હાથમાં આવ્યો હતો.
અખબારનાં પીળચટાં પાનને હાથમાં રાખીને સુભાષ સ્મૃતિમાં ખોવાઈ ગયા, રવીન્દ્રનાથે તે દિવસોમાં કેવું પરમ સમ્માન આપ્યું હતું, આ શબ્દોમાં-
‘સુભાષચંદ્ર
હું બંગ કવિ છું.
બાંગલા દેશ તરફથી હું તમને દેશનેતાના પદે વરણ કરું છું.
ગીતામાં લખ્યું છે ને, ‘ખરાબીનો નાશ કરવા અને સારપની સુરક્ષા કરવા માટે વારંવાર તારણહાર જન્મ લે છે, પ્રકટ થાય છે. રાષ્ટ્રભરમાં બુરાઈની જાળ ફેલાઈ જાય ત્યારે પીડિત દેશવાસીની પુકારે દેશ-નેતા સરજાય છે... આજે બાંગલા દેશના અધિનાયકને હું વંદન કરું છું, અર્ચન કરું છું...’
સુભાષ વળી પાછા ગોમોહથી પેશાવર જતી ટ્રેનની એ રાતને યાદ કરીને શિદેઈને સ્મૃતિકથામાં સંગાથ કરાવતા રહ્યા.
યાદ તો એ રાતે આવ્યાં હતી પ્રિય એમિલી યે. પણ ગાઢ અંધકારમાં જે દીવડાઓ જલાવવા છે એ તો એકલા જ! અહીં પણ કેટલી સાવધાની રાખવી પડી? ટિકિટ ચેકર આવ્યો. ચહેરાને અખબારમાં છૂપાવી દીધો. ચેકર ચાલ્યો ગયો તો એક શીખ સજ્જન આવીને પાસે બેઠા! સરદારજી વાત કરવા ઇચ્છુક હતા. નામ - ઠામ - ગામ, ક્યાં જવું છે...
‘રાવલપિંડી’
આપ તો અફઘાની લગતે હો.
જી. ઝિયાઉદ્દીન. મૌલવી ઝિયાઉદ્દીન!’
પેશાવર સ્ટેશન આવ્યું.
ફોરવર્ડ બ્લોકના અકબરશાહને જાણ કરી દેવાઈ હતી પણ કોઈની યે નજર ન જાય તે રીતે મળવાનું હતું. એ પહેલાં બીજા એક ડબ્બામાં તે ચઢી ગયા. યોજના જ એવી હતી કે મુખ્ય સ્ટેશને નહીં, કેંટોનમેન્ટે ગાડી ઊભી રહે ત્યાં ઉતરવું... એવું જ થયું. અકબરશાહ આગળ, પાછળ સુભાષ? ના. ઝિયાઉદીન. ઘોડાગાડીમાં બેઠા, અલગ-અલગ ઘોડાગાડી. હોટેલ તાજમહલ. આસપાસ સાંકડી ગલીમાં દુકાનો. નામ જ ‘તાજ’ પણ સા-વ સામાન્ય નિવાસ. બીજા દિવસે ત્યાંથી એક બીજી છાવણીમાં. જવાનું તો હતું કાબુલ. બેમાંથી એક રસ્તે, સા-વ અજાણ મુસાફર તરીકે.
૨ જાન્યુઆરી. મુક્તિવિહીન છવ્વીસમી વર્ષ, ૧૯૪૧. પેશાવરથી કાબુલ, ટ્રેન નહીં, પહેલાં કાર, પછી પગપાળા. દુર્ગમ ‘ખજુરી મેદાન’ આવે એટલે પાંચમાંથી ચારને પાછા વાળવાના છે. સાથી રહેશે ભગતરામ. રસ્તા પર મોટા પત્થરો આસપાસ ઊંચા પહાડ. સાંકડો રસ્તો. અહીંથી નિકળતા કાફલાને લૂંટી લેનારા પહાડીઓની પેલી પાર વસે છે. રાતે આવે, તૂટી પડે, ખૂનખાર લડાઈ થાય. લાશો પડે અને તમામ સંપત્તિ લૂંટીને લઈ જાય. મોટાં ઝાડ અને પત્થરીલી કેડી. આસપાસ શેવાળથી ઢંકાયેલા પત્થર. પગ મૂકતાં જ લપસી પડાય!
વર્ણન તો આસાન, પણ આ સફર?
ખુદ સુભાષે ય ક્યાં ભોગવી હતી આવી આપત્તિઓ? અહીં તો બધું જ બધું દુર્ગમ હતું! એક જગ્યાએ થોડો આરામ કર્યો. બાફેલા બટાકા અને ઈંડાઃ આ સિવાય બીજુ મળે ય શું? વળી ચાલવાનું શરૂ થયું. દોઢ માઇલે ખજુરી મેદાન આવ્યું. ત્યાં અચાનક ધોધમાર વરસાદ વરસી પડ્યો. ‘પિશકાન મૈના’ નાનકડી છાવણી જેવું ગામ. મકાઈની રોટી અને ચા મળ્યાં. અહો! આ તો જાણે સ્વર્ગપ્રાપ્તિ, કેટલા દિવસે અન્ન બ્રહ્મ! ફરી વરસાદની આંધી. આગળ ‘ગાઇડ’ વચ્ચે સુભાષ, પાછળ ભગતરામ. હવે તો આઠ રૂપિયા ભાડે ખચ્ચર પણ હતું. ખચ્ચરના પગ એક વાર બર્ફીલા કિચડમાં ફસાઈ ગયા. સુભાષ માંડ બચ્યા.
વળી પાછા આગે... આગે...
૩૬ કલાકે અફઘાન ગામડું આવ્યું પેશાવર - કાબુલના રસ્તે નાનકડા ‘ગાડ્ડી’ ગામ સુધી પહોંચાડવા ખચ્ચરવાળો તૈયાર થયો. બીજા દિવસે તે ગામે પહોંચ્યા. પછી ખચ્ચરનો માલિક પાછો વળી ગયો!
હવે?
સુભાષ અને ભગતરામ.
ભગતરામ બન્યો રહમતખાં.
ચાચા ઝિયાઉદીન - બહેરા બોબડા ‘ચાચાજી’. રસ્તા પર સૈનિકો અને જકાત નાકે કોઈ મળે તો તેની સાથે બોબડી ભાષામાં વાત કરશે રહેમતખાં. બોલી ન શકતા ગૂંગા ‘ચાચા’ને ક્યાંક સારવાર કરાવવા માટે જઈ રહ્યો છે. પોતે ય સમદુખિયો જ છે! અડ્ડાશરીફની દૂઆ માંગવી છે.
જલાલાબાદ તરફનો માર્ગ. પહેલાં હરજાના. બસોલ. બસોલથી ચાનો જથ્થો લઈ જતી ટ્રકમાં. અડ્ડાશરીફની મજાર. લાલપુરા. કાબુલ નદી પાર કરવાની આવી. મિમલામાં સાંજ પડી ગઈ. હવે? થાકી ગયા હતા બન્ને. પણ મનથી નહીં, તનથી. સુભાષનું મન તો મસ્તીની લહેર અનુભવી રહ્યું હતું. અંગ્રેજોથી મુક્ત આ દેશ! મારો ભારત દેશ ક્યારે? ત્યાંથી બીજી ટ્રેનમાં બેઠા. ગડનામક. કાબુલમત. અને હવે ચેકપોસ્ટ.
ચેકપોસ્ટ તરીકે આ બુદ્ખાલ થાણું નામચીન હતું. સારું થયું કે કોઈ મુશ્કેલી ના નડી. એક નાનકડી હોટેલ અને પછી કાબુલ. ૨૬થી ૩૧ - છ દિવસની થકાવટ ભરી સફર પછીની મંઝિલ.
પણ વિશ્રામ ક્યાં?
કડકડતી ઠંડી પડી રહી હતી. ભક્તરામે ગરમ કપડાં ખરીદ્યા. એક મુસાફરખાનામાં બન્ને રોકાયા. ઊંટ સાથે નિકળતા મુસાફરોના વિસામાની આ જગ્યા હતી. ચારે તરફ ગંદકી અને બદબૂ! ચામાં ભીંજવેલી રોટી ખાઈને રાત વિતાવી.
કાબુલની ગલીઓમાં રોજબરોજની ચહલપહલ હતી. છૂપાયેલા સુભાષને અહીંથી કોઈ દૂતાવાસની મદદ મળી જાય તો રશિયા પહોંચી શકાય એનો ઇરાદો. ભગતરામે ભરચક કોશિશ કરી. પાંચ દિવસની દોડધામ. રશિયન દૂતે માથું ધૂણાવ્યું. વિશ્વયુદ્ધના સળગતા માહોલમાં કોઈને કોઈના પર ભરોસો જ ક્યાં રહ્યો હતો?
ત્યાં એક અફઘાન ગુપ્તચર ભેટી ગયો. તેને લાગ્યું કે મામલો ભેદી છે. મોકો મેળવી લો. થોડાંક નાણા મળ્યા. બીજા દિવસે પાછો આવ્યો. રૂપિયામાં માન્યો નહીં તો કાંડા-ઘડિયાળ આપવી પડી. સુભાષને આ ઘડિયાળ તેમના પિતા જાનકીનાથ બોઝે આપી હતી. તેમની સ્મૃતિરૂપે જાળવેલી.
પછી જર્મન દૂતાવાસમાં પ્રયાસ. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter