સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૧૯)

ગાંધીજીએ સમાચાર માનવાની પાડી દીધીઃ ‘સુભાષનું મૃત્યુ થયું નથી’

Wednesday 03rd August 2016 07:00 EDT
 
 

શિદેઈને ચિંતા થઈ. ‘ખબર નથી પડતી કે રશિયા શું કરવા માગે છે?’
નેતાજી મંદમંદ હસ્યા. તેમાં ભવિષ્યનો ગૂઢાર્થ હતો.
‘ગઈ કાલે રાતે બે અધિકારીઓ આવીને પૂછપરછ કરી ગયા...’
‘શું કહ્યું તેમણે? આપણી દરખાસ્તો તો ક્યારની આપી દેવામાં આવી છે, ૧૯મી ઓગસ્ટે જ કરાર થઈ ચૂક્યા છે, પછી -’
‘હા. સ્તાલિનનો ખેલ રહસ્યમય લાગે છે. અધિકારીઓએ તો માત્ર અહેવાલ સંભળાવ્યા. ગાંધીજી અને જવાહરલાલના મતભેદો, લોર્ડ માઉન્ટબેટનની જનાબ ઝીણા સાથેની મુલાકાત, હેર હિટલરના આપઘાતના વધુ તથ્યો...’
‘પછી?’
‘પછી પૂછયું કે રશિયન સરકાર પાસે તમે શું ઇચ્છો છો?’ મેં કહ્યું, ‘આ પૂર્વે હું કહી ચૂક્યો છું કે મારે ભારતની સ્વતંત્રતાની લડાઈનો નવો મોરચો ખોલવો છે... ઇંગ્લેન્ડ કંઈ તમારું સ્વાભાવિક મિત્ર નથી. જાપાન, જર્મની સામેની તમારી લડાઈ પ્રાસંગિક છે. ઇતિહાસનો બોધપાઠ સાવ જૂદો છે...’
‘તેમણે શો પ્રતિભાવ આપ્યો?’
‘એટલો જ, કે સ્તાલિન તમારા સ્પષ્ટ વિચારો જાણવા માગે છે...’
‘હમ્મમ...’ કહીને શિદેઈ ચૂપ થઈ ગયો. તેને દાળમાં કંઈક કાળું ભાસતું હતું. તેમણે નેતાજીની સામે જોયુંઃ ‘આ ચંદ્ર બોઝ! કેવો અડગ – અચલ પર્વત જેવો અને અંધારામાં યે સૂર્યપ્રકાશની આશા રાખતો મહાપુરુષ!’
તેમણે નેતાજી સમક્ષ ફાઈલ ખોલી. ફાઇલ દળદાર હતી...
‘શું છે તેમાં?’
‘વર્તમાન ભારતની તસવીર...’ શિદેઈએ કહ્યુંઃ ‘બોઝ વિનાનાં ભારતની તસવીર!’
નેતાજી હસ્યા... ‘તેઓ સંપૂર્ણ આઝાદીને બદલે વિભાજનના નસીબ તરફ દોડી રહ્યા છે, એ જ ને!’
શિદેઈઃ ‘હા. પણ નેતાજી સુભાષચંદ્ર બોઝનાં વિમાની અકસ્માતના અહેવાલની ક્રિયા-પ્રતિક્રિયા અવિરત ચાલુ છે...’
નેતાજીએ પાનાં ઉથલાવ્યાં. ભારતનાં એક અખબારે હબીબુર રહેમાનનું વક્તવ્ય છાપ્યું હતુંઃ
‘તાઇહોકુ વિમાનમથકે પૂરી તપાસ પછી ૯૭.૨ મોડેલનું વિમાન અમને લઈને ઊડ્યું. રન-વે પાર કરીને માંડ ૩૦૦ ફૂટ ઊંચે પહોંચ્યું ત્યાં વિસ્ફોટ થયો. બે અને પાંત્રીસ મિનિટ થઈ હતી. વિમાનનો ડાબી તરફનો એન્જિનનો ભાગ તૂટી પડ્યો હતો એટલે એન્જિન કામ કરતું બંધ થઈ ગયું, ઇધર-ઉધર ગોથાં ખાતું જહાજ નીચે ધસી રહ્યું હતું, અને થોડી ક્ષણોમાં...’
ધ્વસ્ત વિમાન. અંદરના સામાન નીચે અમે દટાયેલા હતા. પાછળનો રસ્તો બંધ, આગળનો ભાગ ભડભડ બળવા લાગ્યો. મેં બૂમ પાડીઃ ‘નેતાજી, પાછળ નહીં, આગળના રસ્તે નીકળો.’ અગ્નિજ્વાળાની વચ્ચેથી નેતાજી બહાર નીકળવા લાગ્યા. હું તેમની પાછળ હતો. બસ, દસ ગજ દૂર હતા, પીઠ દેખાતી હતી તેમની... કપડાં આગની લપેટમાં હતાં, પોશાક ઉતારવાની કોશિશ તેમણે કરી. હું દોડ્યો. શર્ટનો બેલ્ટ ખોલી નાખ્યો. ટ્રાઉઝર સળગ્યું નહોતું... મેં તેમને જમીન પર સૂવડાવ્યા. માથામાં ડાબી તરફ ઊંડો ઘા હતો, ચાર ઇંચ જેટલો ભાગ કપાઈ ગયો હતો. રૂમાલથી તેને બાંધવાની કોશિશ પણ કરી જેથી લોહી નીકળતું બંધ થઈ જાય. માથાના વાળ અને ચહેરો તદ્દન બળી ગયાં હતાં. હું પણ તેમની પાસે સૂઈ ગયો. થોડી વારમાં મિલિટરી એમ્બ્યુલન્સ આવી. તાઇહોકુની હોસ્પિટલમાં લઈ જતાં નેતાજી બેહોશ થઈ ગયા. સારવાર દરમિયાન હોશમાં આવ્યા. તેમણે ‘આબિદ હસન...’ નામ ઉચ્ચાર્યું. મેં કહ્યુંઃ સર, હસન અહીં નથી. હું છું – હબીબ.’
પછી બીજું નિવેદન જાપાની અફસરનું છપાયું હતુંઃ હોસ્પિટલમાં ૮૦ ઘાયલ દર્દી હતા. મુખ્ય તબીબ ડોક્ટર હોશિની અને સહયોગી ટી. સુરુતા. નેતાજીનો દેહ લગભગ બળી ગયો હતો, પણ ક્યાંય લોહી નીકળતું નહોતું! મલમ લગાવાયો, પાટા બાંધ્યા. ચાર વીટા કેમ્ફર અને બે ડિઝિટામિનનાં ઇન્જેકશન આપ્યાં. ૫૦૦ સી.સી. રિંગર સેલ્યુશન ઇંજેકશનો પણ અપાયાં. ૪૦૦ સી.સી. લોહી કાઢીને એટલું જ નવું ઉમેરવામાં આવ્યું. દુભાષિયો નાકામૂરા હાજર હતો... પહેલો સવાલ પૂછયોઃ ‘જનરલ શિદેઈ કેમ છે? ક્યાં છે?’ પછી કહેઃ ‘એવું લાગે છે કે માથામાં લોહી ચડી રહ્યું છે... હું હવે સૂઈ જઈશ.’
હબીબુર રહેમાનને તેમણે છેલ્લી વાત કરીઃ ‘મારાં મૃત્યુની પળ નજીક છે. આજીવન હું દેશની સ્વાધીનતા કાજે લડ્યો છું અને એ જ સ્વાધીનતા માટે મોતને ગળે લગાવ્યું છે. દેશમાં પાછો જા ત્યારે હબીબ, દેશવાસીઓને કહેજે કે ભારત સ્વતંત્ર થઈને જ રહેશે. બહુ જલદી તે સ્વતંત્રતા પ્રાપ્ત કરશે.’
રાતના સાત પછી તેમની હાલત બગડી. નાડી મંદ ગતિએ ચાલતી હતી. ઇંજેકશનો અપાયાં પણ કામ લાગ્યાં નહીં. આઠ વાગતાં બધું ખતમ... તેમની પથારીની આસપાસ ડોક્ટર જોશિમી, દુભાષિયો નાકામૂરા, હબીબુર રહેમાન, મેડિકલ ઓર્ડરલી અને થોડાક જાપાની સૈનિકો હાજર હતા. પરિચારિકાઓ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. દરેકની આંખોમાં આંસુ હતાં... શિદેઈ આ અહેવાલ વાંચીને હસ્યો અને કહ્યુંઃ ‘ડોક્ટર જોશિમીએ ‘મૃત્યુનું પ્રમાણપત્ર’ લખ્યું... તેમાં લખવામાં આવ્યું કે મરનાર જાપાની છે, નામ કાટાકાના. મૃત્યુનું કારણ આકસ્મિક દુર્ઘટના...’
શિદેઈએ ફાઈલનાં પાના ફેરવ્યાં. ૨૩ ઓગસ્ટે – કથિત વિમાન દુર્ઘટનાના પાંચ દિવસ પછી – સરકારી જાહેરાત કરવામાં આવી. ડેમાઈ એજન્સીએ સૌ પ્રથમ અહેવાલ આપ્યો તે દુનિયાભરનાં અખબારોએ છાપ્યોઃ ‘He was seriously injured when his blane crashed at Taihoku air field at 2.00 P.M. on August 18. He was given treatment in hospital in Japan, where he died at midnight.’
ભારતમાં અંગ્રેજ–વિજયની પતાકા લહેરાઈ રહી હતી! મૌલાના આઝાદ, કોંગ્રેસ અધ્યક્ષે ચીનને અભિનંદન આપ્યાં કે તમે અત્યાચારી જાપાનની સામે આઠ વર્ષથી લડાઈ કરી છે. મિત્ર-દેશોના વિજયના ઉપલક્ષમાં તમને અભિનંદન! (૧૮-૮-૧૯૪૫)
જવાહરલાલે આઝાદ હિન્દ ફોજની ટીકા કરીને કહ્યુંઃ ‘જાપાનની સાથેના તેના દુર્ભાગી સહયોગનું શું પરિણામ આવશે એ તેઓ સમજી ન શક્યા!’ (૨૩-૮-૧૯૪૫)
૨૪ ઓગસ્ટે નેતાજી મૃત્યુની ખબર રોઇટર સમાચાર સંસ્થાના અહેવાલથી દેશને થઈ. જવાહરલાલે જલદીથી પ્રતિક્રિયા આપી દીધીઃ ‘તેમના જેવા સાહસિક સૈનિકના નસીબે અધિકાંશ દુઃખ અને દુર્દશા લખાયેલાં હોય છે તેમાંથી તેમને છૂટકારો મળી ગયો... ઘણી બાબતોમાં અમારો વ્યક્તિગત મતભેદ હતો...’
મૌલાના વળી બોલ્યાઃ ‘સંકટની આ ઘડીમાં ખોટા રસ્તા તરફ તે વળ્યા ન હોત તો આપણી વચ્ચે હોત!’
ગાંધીજીએ આ સમાચાર માનવાની ના પાડી દીધીઃ
‘સુભાષનું મૃત્યુ થયું નથી. જરૂરત પડ્યે તે કેવો ત્યાગ કરી શકે છે એ હું જાણું છું. પણ તેની વિશાળ તૈયારી, સૈનિકી ગુણ, સંગઠનની શક્તિ – આનો પરિચય તો મને તેમણે ભારત છોડ્યું ત્યાર પછી જ થયો. આવી રીતે તે મૃત્યુ પામી ન શકે. મારું હૃદય એમ કહે છે.’ ગૌહાટીની જનસભા, દિલ્હીની પ્રાર્થના સભા, આઝાદ ફોજના સૈનિક કેદીઓની વચ્ચે ગાંધી આ વિધાન વારંવાર કરતા રહ્યા. હબીબુર રહેમાન આવીને મળ્યા ત્યારે પણ તેમનો વિશ્વાસ અટલ હતો કે સુભાષ આમ મર્યા નથી. હબીબુર રહેમાને પૂરી કહાણી કહ્યા પછી ગાંધી કહે છેઃ ‘આ સિવાય, કંઈ?’ પછીઃ ‘હું તમારી એક વાત પર પણ ભરોસો કરી શકતો નથી. આ રીતે સુભાષ મરી શકે નહીં...’ (શશાંક શેખર સાન્યાલ, સાપ્તાહિક વસુમતિ.)
આનંદ બજાર પત્રિકાએ છાપ્યુંઃ ‘એક અમેરિકન સંવાદદાતા પંડિત જવાહરલાલ નેહરુને મળ્યો. નેહરુએ કહ્યું કે સુભાષ બોઝ તરફ યુદ્ધ-અપરાધી (War Criminal)ની જેમ વ્યવહાર કરવો જોઈએ કેમ કે તેમના લોકોએ ઘણા અમેરિકનોને મારી નાખ્યા છે, બળજબરીથી નાણાની વસૂલાત કરી છે.’ (૨૯-૮-૧૯૪૫)
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ પણ આવું જ વિચારતા હતા! બ્રિટિશ-વિજયના ઉત્સવો ભારતમાં ઊજવાઈ રહ્યા હતા તે સમાચારો શિદેઈએ નેતાજીને બતાવ્યા.
નેતાજીઃ ‘ભારતીય કમ્યુનિસ્ટો તેમાં સૌથી આગળ છે. આટલો ઉત્સાહી તો જોસેફ સ્તાલિન પણ નહીં હોય!’
જાપાની નાગરિકોએ પરાજયનાં આગમનને ‘હારાકિરી’ની સાથે જોડી દીધું હતું! સિંગાપુર, ટોકિયો, હોંગકોંગ... મલેશિયા સર્વત્ર જાપાનીઝે મોતને પસંદ કરવાના સમાચારો આવવા માંડ્યા. સપ્ટેમ્બરની બીજીએ વિધિસર ‘આત્મસમર્પણ’ થયું, પણ તે ‘આત્મા’નું સમર્પણ નહોતું - યુદ્ધમાં પરાજય મેળવનાર દેશની ગ્લાનિપૂર્વકની રીતરસમ માત્ર હતી. મેક આર્થર, જાપાનના સમ્રાટના પ્રતિનિધિ ઇમોશિહિરો ઉમેજુ, વિદેશમંત્રી સિગિમિત્સુના હસ્તાક્ષરો કરાર પર થયા. ટોકિયોમાં અમેરિકી સેનાએ પ્રવેશ કર્યો, પરંતુ તે પહેલાંની આ ખબર -
જાપાની નાગરિકો અને સૈનિકોએ આત્મસમર્પણ પૂર્વે એક સમારંભ કર્યો. તેમાં એકત્રિત ૫૦૦ સૈનિકી અફસરોએ જાહેરમાં પોતાનું મૃત્યુ પસંદ કર્યું, તે ‘આપઘાત’ નહીં હારાકિરી હતી. જાપાનીઝ સૈન્યના અનેક વડા તેમાં સામેલ હતા. ૧૧ સપ્ટેમ્બરે જનરલ તોજોને તેમ કરવામાં સફળ થવા ન દીધા. ‘યુદ્ધ અપરાધી પોતાની ઈચ્છાથી મૃત્યુનું વરણ કરી શકે નહીં...’ જાપાન હાર્યું, પણ તૂટી ગયું નહોતું. તેણે હથિયારો નવા વિપ્લવી યુવકોના હાથમાં સોંપી દીધાં. ઇન્ડોનેશિયામાં ડોક્ટર સુકર્ણ, ડો. હોતા જેવા નવા બગાવતી નેતાઓ મેદાને પડ્યા.
‘સુકર્ણને તો તમે પ્રેરણા આપી હતી ને?’ શિદેઈએ નેતાજીને પૂછયું.
‘હા, શિદેઈ, ભારતમાં કેટલાકને ૨૦૦ વર્ષની ગુલામીને લીધે બ્રિટિશ શાસનના દુર્ગુણોનો પૂરો અંદાજ નથી. મેં ઇતિહાસ વાંચ્યો છે, અનુભવ્યો છે, નજરે જોયો છે. આઇરિશ પીડાની મને ખબર છે... સુકર્ણને તેથી જ મેં કહ્યું હતું કે સૈન્ય તૈયાર કરો. લડો... સુકર્ણે પણ કહ્યુંઃ તમે આપેલાં શિક્ષણને અમે અનુસર્યા છીએ... ઇન્ડો-ચીનની લડાઈમાં બ્રિટિશરોએ ભારતીય સેનાનો યે ઉપયોગ કર્યો – સ્વાધીનતાના અવાજને ગૂંગળાવવા માટે. આંગ સેન શરૂઆતમાં બ્રિટિશરોની ખિલાફ રહ્યા, પછી તેમની સાથે થયા તો બ્રિટિશરોએ રંગુન પર કબજો જમાવી લીધા પછી આંગ સેનને કહ્યું કે હવે તમારી રાષ્ટ્રીય સેનાને વિસર્જિત કરી નાખો! આંગ સેનને ય આઘાત લાગ્યો કે અરે, આવી બ્રિટિશ ધૂર્તતા?’
શિદેઈ તમામ અહેવાલોથી નેતાજીને અવગત કરાવી રહ્યો હતો. રશિયનો સમક્ષ આત્મસમર્પણ પછી યે આ હોંશિયાર અફસરે દુનિયાભરના સંપર્કો રાખ્યા અને કુટિલ રશિયનોએ તેનો વિરોધ પણ ન કર્યો.
કઈ રીતે કરે?
જે શિદેઈએ કરી બતાવ્યું તે ઐતિહાસિક હતું. બ્રિટિશરો અને અમેરિકનોની આંખમાં ધૂળ નાખીને સમજૂતી થઈ તે પ્રમાણે જ શિદેઈ-સુભાષ અહીં સાઇબીરિયન છાવણીમાં હતા. હતી તો આ યુદ્ધકેદીઓની અને પક્ષે નામંજુર કરેલા, સજા ભોગવતા સામ્યવાદીઓની જેલ, પણ આ બન્નેને વિશેષ સુવિધાઓ સાથે રાખવામાં આવ્યા હતા.
શિદેઈને રશિયન મજબૂરીની જાણ હતી, નેતાજીને ય. તેથી તો તેમણે ભાવભરી નજરે શિદેઈને કહ્યુંઃ ‘શિદેઈ, એક વાત ઘણા સમયથી કહેવી હતી...’
‘બોલેને, ચંદ્ર બોઝ! તમે તો મારા આત્મીય મહાનાયક છો...’ શિદેઈએ કહ્યું.
‘મારા કોઈ ભારતીય જેટલો જ – અને કેટલાકથી તો અધિક – તું સ્વાધીનતા પ્રેમી છે...’ નેતાજીનું ગળું ભાવાવેશથી રુંધાયું...
શિદેઈએ ઊઠીને તેમને પાણીનો ગ્લાસ આપ્યો. સ્મિત કરીને કહેઃ ‘ચંદ્ર બોઝ, સિગારેટ ચાલશે ને?’
નેતાજી વધુ ભાવવિભોર ના થાય એટલા માટે શિદેઈ આખી વાતને બદલાવવા ઇચ્છતો હતો એનો ખ્યાલ આવ્યો. શિદેઈએ સિગારેટ ધરી, લાઇટરથી તેમને સળગાવી આપી, પછી પોતે પણ લીધી...
થોડીક ક્ષણો ચૂપકીદી છવાઈ ગઈ. બે સ્વાતંત્ર્યપ્રેમીઓ – પોતાના દેશોથી દૂ...ર, સા-વ વિપરિત સંજોગોમાં, રશિયન જેલછાવણીમાં, અનિશ્ચિત ભવિષ્યના ઓછાયે બેઠા હતા. આવનારા દિવસોનો નકશો તૈયાર કરતાં કરતાં મન ખૂલ્લુ કરી રહ્યા હતા... શિદેઈએ કહ્યુંઃ ‘ભગવાન બુદ્ધની – તેના શિષ્ય આનંદને કહેલી વાત – યાદ છે ને, ચંદ્ર બોઝ?’
નેતાજી સાંભળવાની મુદ્રામાં હતા.
શિદેઈ કહેઃ ‘એક વાર આનંદે ભગવાન બુદ્ધને પૂછયું, ભગવાન, વર્તમાનની ક્ષણનું મૂલ્ય કેટલું?’
બુદ્ધે હસીને કહ્યુંઃ ‘જો તે અતીતનું સંધાન સમજે તેવી પળ હોય તો ઉત્તમ અને જો ભવિષ્યને નજરમાં રાખીને સાતત્યને સમજે તો સર્વોત્તમ.’
‘ચંદ્ર બોઝ, તમે આ ‘સર્વોત્તમ’ના પથિક છો...’
‘એન્ડ યુ ટૂ...’ નેતાજીએ ખભે હાથ મૂકીને કહ્યું.
‘આઇ એમ યોર ફોલોઅર્સ...’
વળી ફાઈલની સામગ્રીનું અવલોકન આગળ વધ્યું.
બ્રિટિશ-અમેરિકન સરકારોએ સાથે મળીને નિર્ણય લીધો હતો કે યુદ્ધ-અપરાધીઓની સામે મુકદમો ચલાવવો. ન્યુરેમ્બર્ગમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધ-અદાલત ચાલશે, ત્યાં જર્મન સેનાપતિઓ પર આરોપ મૂકાશે. ટોકિયોમાં જાપાનીઝ સૈનિકો સામેની અદાલત અને નવી દિલ્હીમાં આઝાદ હિન્દ ફોજની ખિલાફ મુકદમો ચલાવવામાં આવશે. માર્શલ ગોરિગ, રિબેન ટ્રેપ, ફિલ્ડ માર્શલ કાઇટેલ, રોઝનબર્ગ, સોકેલ... આરોપનામા ઘડાઈ રહ્યાં હતા અને દુનિયાભરના સંવાદદાતાઓને બોલાવાયા હતા. યુદ્ધ-અપરાધના નામે હિરોશિમા-નાગાસાકી પરના અણુબોંબનો ડાઘ ભૂંસવાનો હતોને!
ટોકિયોમાં ૨૮ અપરાધીઓ હતા. બધા સર્વોચ્ચ જાપાનીઝ નેતાઓ, સેનાપતિઓ. લોકશાહીનો ધ્વજ – રક્તરંજિત સર્વનાશ પછી – સ્થાપિત કરવા માટે બ્રિટિશરોએ આંતરરાષ્ટ્રીય અદાલત રચી તે દુનિયાના ૧૧ દેશોના ન્યાયાધીશોની બનેલી હતી. તેમાં જાપાન-જર્મની તો નહોતાં, ઇન્ડોનેશિયા પણ નહીં, હા, ભારતમાંથી રાધાવિનોદ પાલને પસંદ કરાયા!’
‘અને મારા આઇ.એન.એ.ના સાથીદારો વિશે શું અહેવાલો છે?’ નેતાજીએ પૂછયું અને શિદેઈએ અખબારોની કતરણના પાનાં રજૂ કરી દીધાં.
‘અરે, આ તો બેંતાળીસની ‘ભારત છોડો’ ચળવળ કરતાં યે વધુ પ્રાણવાન જુવાળ બની ગયો!’
હા, દિલ્હીમાં લાલ કિલ્લામાં આઝાદ હિન્દ ફોજ સામે મુકદમો ચાલ્યો. બ્રિટિશરોએ અટ્ટહાસ્ય કર્યું કે લો, તમારા નેતાજીએ લાલ કિલ્લો અને ચલો દિલ્હીને લક્ષમાં રાખ્યાં હતાંને? ત્યાં જ મુકદમો ચાલશે અને ભારતમાં સશસ્ત્ર સૈનિક વિપ્લવનો અંજામ ૧૮૫૭માં બહાદુર શાહ ‘ઝફર’ને પકડીને લાલ કિલ્લામાં મુકદમો ચલાવ્યો હતો, હવે બીજી વાર-
પણ બીજી વારનો વિપ્લવી નેતા જ ક્યાં હાથમાં આવ્યો હતો? નેતાજી તો ગાયબ હતા! જાપાનથી ખબર આવ્યા કે ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના વિમાની દુર્ઘટનામાં સુભાષ મરાયા છે, પણ બ્રિટિશ ગુપ્તચર તંત્રે ઘસીને ના પાડી રહ્યું હતું અને અહેવાલ પણ આપ્યો કે સુભાષ છટકી ગયા છે... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter