સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૪)

વિષ્ણુ પંડ્યા Wednesday 30th March 2016 08:59 EDT
 
 

વહેલી સવારે મંચુરિયાની એક અજાણ છાવણીમાં, સ્તાલિનના અધિકારીઓ તપાસ કરવા માટે તૈયાર હતા.
ચંદ્ર બોઝ. નેતાજી બોઝ. સુભાષચંદ્ર બોઝ. જાપાન. હિરોહિતો. જનરલ તોજો. શ્યોનાન - રંગુન - ઇમ્ફાલ. આઝાદ હિન્દ સરકાર. આઝાદ હિન્દ ફોજ. હેર હિટલર અને બેનિતો મુસોલિનીની મુલાકાત. વેન ટ્રોટની મૈત્રી. એમિલી શેંકલનો પરિચય અને પરિણય. રાસબિહારી બોઝ... મુદ્દાઓનો ખડકલો હતો.
પ્રશ્નઃ મિસ્ટર બોઝ, તમે અમારા શત્રુ દેશ જાપાન સાથે દોસ્તી કરીને સેના બનાવી?
સુભાષઃ હા, પણ જાપાન રશિયાનું કાયમી દુશ્મન ક્યાં રહ્યું છે? ખુદ એડોલ્ફ હિટલરે પણ રશિયા પરના આક્રમણની ભૂલ ના કરી હોત તો...
પ્રશ્નઃ તો... શું?
સુભાષઃ ‘મિત્ર દેશો’માં રશિયાને ફસાઈ જવાની નિયતિ ના હોત!
પ્રશ્નઃ રશિયા-ભારતની મૈત્રીમાં તમને પાકી શ્રદ્ધા છે?
સુભાષઃ હા. અમારા દેશભક્ત ક્રાંતિકારોએ રશિયાની મુલાકાતો લીધી જ હતી ને? પંડિત શ્યામજી કૃષ્ણવર્માને મેક્સિમ ગોર્કીએ ‘ભારતના મેઝિની’ કહ્યા હતા... મેડમ કામા તેમના અખબારમાં લખતા અને વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય...
પ્રશ્નઃ પણ એ તો ‘બુર્ઝવા’ નેતા સાબત થયા. લેનિને તેની દરખાસ્તો સ્વીકારી નહોતી.
સુભાષઃ એ વાત સાચી છે કે અમારે માટે ભારતીય આઝાદી જ સર્વોપરિ છે. વીરેન્દ્રનાથની પણ એવી જ પ્રતિજ્ઞા હતી.
પ્રશ્નઃ વીરેન્દ્રનાથના છેલ્લા દિવસોની તમને જાણ છે?
સુભાષઃ હા, છે. એડોલ્ફ હિટલરને હું મળ્યો ત્યારે વોન રિબેનટ્રોપે મને કહ્યું હતું કે એક ‘મેથડ ઇન મેડનેસ’ના મસીહાને તમે મળો છો. જરા સાવધ રહેજો! હિટલર પણ મારી વાતને માન્યા સિવાય ક્યાંક જેલખાનામાં પૂરી દઈ શક્યો હોત...
પછી પળવાર બાદ કહેઃ ચટ્ટોપાધ્યાયનું યે એવું જ થયું હતું ને?
અફસરો સ્તબ્ધ બની ગયા. આ તો સ્તાલિન તંત્રની રજોરજ બાતમી ધરાવતા લાગે છે! વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની છેલ્લી તરસ ભારત મુક્તિની, એક અંધિયારી જેલકોટડીમાં...
અફસરે વળી તરાશવાની કોશિશ કરીઃ અહીં રશિયામાં તમે શું કરવા માંગો છો?
સુભાષઃ ભારતની આઝાદીના પ્રયાસો. બીજા વિશ્વયુદ્ધે અમારા બર્મા-મોરચાને પીછેહટ અપાવી. હવે ત્રીજો મોરચો.
અફસરઃ પછી?
સુભાષની આંખો ચમકી. ‘પછી શું? લાલ કિલ્લા પર તિરંગો...’
‘લાલ ધ્વજ નહીં?’ તેમનો ઇશારો સામ્યવાદનો હતો.
સુભાષે મક્કમતાથી ડોકું ધૂણાવ્યુંઃ ના, હરગીઝ નહીં. ભારત પોતાની સ્વાધીનતાનો ભવિષ્યપટ પોતે જ નક્કી કરશે.
અધિકારીઓ ચાલ્યા ગયા. જનરલ શિદેઈ મૂંઝાયેલા દેખાયા. સુભાષે પૂછયુંઃ કેમ જનરલ! શા વિચારમાં પડી ગયા?
શિદેઈઃ આ સ્તાલિનશાહી તમને અનુકૂળ કરી શકશે?
સુભાષ મ્લાન હસ્યા. અનુકૂળતા-પ્રતિકૂળતા મારી હસ્તરેખાઓમાં બચપણથી વિસ્તરેલી પડી છે. સરકારી ઉચ્ચ પદની ના પાડી, તે પત્રો તમે તો ક્યાંથી વાંચ્યા હોય? આઈસીએસનો તો ત્યારે દબદબો હતો. ઇંગ્લેન્ડથી પરીક્ષામાં ચોથા ક્રમે આવવાની સફળતા પછી તુરત પત્રો લખ્યા, એક મહત્ત્વાકાંક્ષી પિતા જાનકીનાથ અને બીજો?
દેશબંધુ ચિત્તરંજનદાસને!
લખ્યુંઃ ‘હું આઇસીએસનો ત્યાગ કરીને તમારાં નેતૃત્વમાં રાષ્ટ્રસેવા કરવા ઉત્સુક છું...’
સુભાષ એ દિવસનું સ્મરણ કરી રહ્યા. મિત્ર દિલીપકુમારેય સંગીત સાધના માટે આઇસીએસનો ત્યાગ કરી દેવાનું વિચાર્યું... મારા માટે રાષ્ટ્ર સાધના એ જીવનસંગીતનો રણઝણાટ હતી... બસ, શિદેઈ, ત્યારથી આ ‘સુભાષ’ નામે દેહધારી એક ‘શુભ આશ’ લઈને રખડ્યો છે. A vagabond for the Nation!
શિદેઈઃ મને કહેશો તેમાંનો કોલકાતાથી શ્યોનના સુધીનો પરિભ્રમણનો સૌથી વિકટ સમય! એ જ છે તમારી મહાગાથા!
સુભાષ હસ્યાઃ ‘ના. એ તો એક જીવનપૃષ્ઠ જ! હજુ તો ન જાણે, કેટલાં કોરાં પાના પર સમર્પણના હસ્તાક્ષરો આલેખિત કરવાના બાકી છે...’
શિદેઈને એક બીજા બંગાળી મહાપુરુષનું સ્મરણ થઈ આવ્યું અને હોઠ પર શબ્દો આવ્યાઃ નમસ્કાર, રાસુદા!
હા... રાસુદા. રાસબિહારી બોઝ.
જો દાદાભાઈ નવરોજી ‘દેશના દાદા’ કહેવાયા તો રાસબિહારી ‘ક્રાંતિના પ્રપિતામહ’ હતા. ૧૯૧૨ની ૨૩ ડિસેમ્બરે સમ્રાટ જ્યોર્જ પંચમની શાહી સવારી દિલ્હીના રાજમાર્ગ પર નીકળી ત્યારે ચાંદની ચોકમાં તેના પર બોમ્બ ઝીંકાયો ત્યારે પહેલાં તો કોલકાતાની રાણા બજારમાં અનુશીલન સમિતિના અમૃત હાઝરા પકડાયા. પછી દિલ્હીના અધ્યાપક અમીર ચંદ, દીનાનાથ તલવાર, બાલમુકુન્દ, અવધ બિહારી, બસંત વિશ્વાસ... ચાંદની ચોકમાં પંચમ જ્યોર્જનો હાથી અને મહાવતને ધરાશાયી કરનાર આ ઘટનાએ વિશ્વભરમાં ચકચાર મચાવી દીધી. તેની પાછળ દિમાગ હતું. રાસબિહારી બોઝનું! લોર્ડ હાર્ડિંગે તેનાં સ્મરણોમાં લખ્યું. ‘It was proved later that it was identical Indian who threw the bomb at me.’
રાસબિહારીએ પહેલાં તો બ્રિટિશ જાસુસનો વેશ ધારણ કર્યો હતો. સરકારી ગુપ્તચર તંત્રને પાકો ભરોસો હતો કે આ તો આપણો જ માહિતગાર (ઇન્ફોર્મર) છે, પણ થયું વિપરિત. તેમને જીવતા યા મરેલા પકડવા માટે ૧૫૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું. રાજા-મહારાજાઓએ એક લાખ રૂપિયાની જાહેરાત કરી દીધી! સરકારે રકમ વધારીને ૧૨૦૦૦ કરી.
પણ રાસબિહારી પકડાય તો ને?
દેશની દરેક ભાષા તે બોલી શકતા હતા.
લાહોર, અમૃતસર, કોલકાતા, ચંદનનગર, વારાણસી અને કોલકાતામાં તો પોલીસોનો ઘેરો તોડીને અદૃશ્ય થઈ ગયા! બે વાર વિસ્ફોટોમાંથી બચી ગયા.
૨૧ મે, ૧૯૧૪ પંચમ જ્યોર્જ પરના બોમ્બનો મુકદમો શરૂ થયો. સ્થાન નવી દિલ્હી. ન્યાયમૂર્તિ મિસ્ટર હેરીસન. અપરાધી સાત વિપ્લવીઓ. પણ જેણે બોમ્બ બનાવ્યો તે મનીન્દ્ર તો પકડાયો જ નહીં. બાકી આરોપીઓને મૃત્યુદંડની સજા. વસંત બિશ્વાસને આજીવન કેદ - કારણ એક વર્ષ ઓછી વય હતી. પ્રિવી કાઉન્સિલે સાફ સાફ કહ્યુંઃ ઓછી વય હોય તો શું થયું? તેને ફાંસી મળવી જ જોઈએ. શોભાજુલુસમાં રૂપાળો છોકરો સ્ત્રીના વેશમાં ઘૂસી ગયો હતો અને નામ લીલાવતી રાખ્યું હતું!
તમામને ફાંસી થઈ.
અવધ બિહારીએ રાસબિહારીનાં સ્મરણ સાથે, ફાંસી અફસરને સંભળાવ્યુંઃ
Death is for all
and we
shall die
death of a hero!
રાસબિહારીએ પહેલાં વિશ્વયુદ્ધના માહોલમાં વળી પાછા તરુણ વિપ્લવીઓને એકત્રિત કર્યા. દેશે-વિદેશેથી સૌ આવ્યા. વિષ્ણુ ગણેશ પીંગલે અને કરતાર સિંહ જેવા તેજતોખાર યુવકો!
પછી ભારતીય સૈન્યમાં સંપર્કો કરાયા. અલ્હાબાદ, બનારસ, જબલપુર, જાલંધર, કોટા, દિલ્હી, રાવલપિંડી, મેરઠ, ફિરોઝપુર, લાહોર, ત્રિપુરા, ઉદયપુર, મૈમનસિંઘ, રાજાશાહી... સર્વત્ર ૧૮૫૭ જેવા વિપ્લવનું આયોજન. દિનાંક પણ નિશ્ચિત - ૨૧ ફેબ્રુઆરી, ૧૯૧૫. ચારેતરફ વિપ્લવી જ્વાળા સળગવાની હતી. રાસબિહારી તેના સૂત્રધાર હતા. બર્લિનમાં રાજા મહેન્દ્ર પ્રતાપ, અજિત સિંહ, કાબુલમાં-ઇરાનમાં અંબાપ્રસાદ સૂફી... બધા તૈયાર હતા. સૌની જબાન પરઃ ‘અબ હમ ગુલામ નહીં રહેંગે. હમ આઝાદ હોંગે...’
પરંતુ જાણભેદુઓએ યોજનાને વેરવિખેર કરી નાખી. શસ્ત્રાગાર પર બ્રિટિશ સૈન્ય તૂટી પડ્યું. ફિરોઝપુરમાં રક્તરંજિત સંઘર્ષ થયો. એક જ દિવસમાં પચાસ વિપ્લવી સૈનિકો મશીનગનથી વિંધી નાખવામાં આવ્યા. આખાં લાહોરને ઘેરી લેવાયું. ત્યાં તો જલિયાવાલાંથી કુખ્યાત માઇકેલ ઓ’ડ્વાયર હાજર હતો. તે પણ રાસબિહારીને પકડી શક્યો નહીં. ન વિષ્ણુ ગણેશ પીંગલે પકડાયો.
પિંગલેએ કાશી તરફ પ્રયાણ કર્યું. તેનો અજંપો અનહદ હતો. પરાજય તેને સ્વીકૃત નહોતો. મેરઠની બારમી રેજિમેન્ટને વિપ્લવી બનાવવા પહોંચી ગયા. ત્યાં મેરઠમાં જ તેને પકડી લેવાયા. લાહોર ષડયંત્ર મુકદમો ચાલ્યોઃ ૨૪ને ફાંસી, ૨૬ને આજીવન કેદની સજા. બીજો, ત્રીજો લાહોર મુકદમો. પાંચને ફાંસી, નવને ફાંસી... બધા ‘ગદર’ના શાનદાર મૃત્યુંજયી.
રાસબિહારી કોલકતાથી ચંદનનગર થઈને નવદ્વીપ ચાલ્યા ગયા... ‘I was a fighter, one fight more, the last and the best!’ ૧૯૪૧ની ૨૫મી એપ્રિલે તેમની ડાયરીની શરૂઆત આ વાક્યથી થઈ તે સા-વ અમસ્તું નહોતું, તથ્ય હતું. રવિન્દ્રનાથના સગાસંબંધી ગણાવીને પી. એન. ટાગોરના નામે જાપાન માટે પાસપોર્ટ મેળવ્યો. ૧૨ મે, ૧૯૧૫ વતન વછોયા બન્યા. ‘સાનૂ-કી-મારુ’ જહાજમાં સિંગાપુર, હોંગકોંગ, કોવે. મહાનેતા સુન-યાત-સેનને મળ્યા. મિત્ર બન્યા આજીવન. શાંગહાઈથી જાપાન. અંગ્રેજ સરકારે વોરંટ મોકલ્યાં.
હેરંબ ગુપ્તા અને રાસબિહારી અમારા અપરાધીઓ છે, રાજ-અપરાધી. રાસબિહારીએ તો પત્રકાર પરિષદ યોજીને કહ્યુંઃ મારે તમારા દેશમાં આશ્રય જોઈએ છે. બ્રિટિશરોની ભારતમાં સત્તા છે, અમે ગુલામ છીએ. અમારે આઝાદ થવું છે. શું જાપાન અમને મદદ ન કરી શકે?’ બ્લેક ડ્રેગન પાર્ટીએ જાહેર કર્યું કે બોઝને અંગ્રેજોના હાથમાં સોંપી ન શકાય. તેનો નેતા મિત્સુ તોઆમા હતો. ડબલ રોટી બનાવનાર ફેકટરીનો જાપાની માલિક મિસ્ટર સોમા મદદે આવ્યો. જાપાન મુંઝાયેલું હતું પ્રજા બોઝની સાથે. વિશ્વની ક્રાંતિકથામાં કેવાં રોમાંચક પ્રકરણો ઉમેરાય છે...
ફેક્ટરીમાલિક સોમાએ પત્ની સાથે સલાહવિમર્શ કર્યો. પુત્રી તોસીકોએ હૃદયપૂર્વકનું સાહસ કર્યું - રાસબિહારી સાથે જીવનસાથી તરીકે બંધાવવાનું! રાસબિહારી જીવનીમાં મિસ્ટર સોમા લખે છેઃ ‘I explained the situation again and again. She was determined.’
આઠ વર્ષ પછી રાસબિહારી ‘જાપાની નાગરિક’ બન્યા, પણ હૃદય તો તરફડતું હતું - બંદિની માની મુક્તિ કાજે.
અને તોસીકો - તેની પ્રિય જાપાની પત્નીએ - ૪ માર્ચ, ૧૯૨૫ આંખો મીંચી લીધા. રાસબિહારી આ જાપાની મહિલાથી સંપૂર્ણ અભિભૂત હતા. શ્રીમતી સોમાએ, નોસીકોનાં મૃત્યુ પછી દસ વર્ષે રાસબિહારીને પૂછયુંઃ ‘તમારે પુનઃ લગ્ન કરવાં જોઈએ.’ રાસબિહારી હસ્યા. ‘મારા માટે તોસીકોનો અનહદ પ્રેમ ભૂલાવો અસંભવ છે. તોસીકો કાયમ મારી સાથે સંગાથે છે...’
એક જાપાની કન્યા.
એક ભારતીય ક્રાંતિકાર.
‘ક્રાંતિકારની પ્રણયકથા’નાં આ કેવાં અદ્ભૂત પાત્રો! સુભાષચંદ્ર પણ એક પ્રેમબંધનની માનસિક યાત્રા પર હતા ને...
એમિલી શેન્કલ... શિદેઈને તે નામ પણ યાદ આવી ગયું, સુદૂર જર્મન માહૌલમાં તેણે પ્રિય સ્મૃતિ સરખી લાડલી પુત્રી અનિતાને તમામ સ્નેહ અર્પિત કર્યો હતો, તેની કથાયાત્રા પછી જાણીશ પણ આ રાસબિહારી?
અદ્ભૂત. કર્મઠ. સમર્પિત. સાહસિક.
ભાગ્યના વાવાઝોડાં સામે એ કદી ઝૂક્યા નહીં. ભાવનાનું વટવૃક્ષ હતા જાણે. ૧૯૩૭માં ભારતીય સ્વાધીનતા સંઘ (ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ) જાપાની ભૂમિ પર સ્થાપ્યો. દક્ષિણ-પૂર્વ એશિયાના નાગરિકો -
ભારતીયો - એકત્રિત થયા.
ટોકિયોની સભામાં તેમણે પાંચજન્ય ફૂંક્યોઃ
Asia for the Asians.
Go home white!
જાપાનીઓએ તો તેનું ભાષાંતર પણ પોતાની પ્રિય પરિચિત પ્રાચીન ભાષામાં કરી નાખ્યું!
આજિયા ઓયા આજિયા,
જિન નો તામે નો આજિયા,
હાકૂજિન ઇયો કિકોકુસુઓ...
પછી ૧૯૩૯માં વિશ્વયુદ્ધનો વિસ્ફોટ થયો. પહેલા વિશ્વયુદ્ધમાં ભલે વિપ્લવ નિષ્ફળ ગયો, બીજી વાર સમર્થ પ્રયાસ!
નવાં ક્લેવર, ધરો હંસલા...
નવો વિપ્લવ.
I was a fighter,
one and last and the best fight!
one fight more!!
જાપાનના સેનાપતિને મળ્યા, મેજર કુજિયારા સક્રિય બન્યા. ૪૦,૦૦૦ ભારતીય યુદ્ધ બંદીઓ... ધાર્યું હોત જાપાને પોતાના કબજા હેઠળ રાખ્યા હોત.
તેમ ન કર્યું.
ભારતીય રાષ્ટ્રભક્ત નેતાઓને આ સૈનિકો સુપરત કર્યા. રાસબિહારી સમગ્ર એશિયાના ભારતીયોના સૂત્રધાર બની રહ્યા. ફિલિપાઇન, થાઇદેશ, ડચ ઇસ્ટ ઇન્ડિયા, ફ્રાંસિસી ઇન્ડોચીન, શાંગહાઈ, બર્મા, કોરિયા, મંચુરિયા... ૬ માર્ચ, ૧૯૪૨થી રેડિયો પર લલકાર થયોઃ ‘I Rasbihari Bose...’ તેમણે અરવિંદ ઘોષને યાદ કર્યાઃ ‘આધુનિક ભારતીય રાષ્ટ્રવાદના એ નિર્માતા છે...’ ગાંધીજી, જવાહરલાલ, વીર સાવરકર, વલ્લભભાઈ બધાંને સંબોધિત કર્યા.
૨૮ માર્ચનાં ટોકિયો સંમેલનમાં કેપ્ટન મોહનસિંહ, લેફ્ટનન્ટ કર્નલ ગિલ, એન. રાઘવન... બધા હાજર હતા. પણ એક બીજા વિમાનમાં સ્વામી સત્યાનંદ પુરી, જ્ઞાની પ્રીતમ સિંહ, નીલકાંત અય્યર, મોહમ્મદ અકરમ... આવતા હતા, અકસ્માત થયો અને હોમાઈ ગયા. જનરલ તોજો બોલી ઊઠ્યાઃ જે ધ્યેય માટે તેઓ લડતા હતા, વ્યર્થ નહીં જાય!
કેવો આશાવાદી રણટંકાર!
સ્વાતંત્ર્ય સંઘે લક્ષ્ય રાખ્યુંઃ એકતા - વિશ્વાસ - બલિદાન. બે વિભાગઃ નાગરિક અને યુદ્ધકીય પ્રચારતંત્ર. બર્લિન રેડિયો ગાજવા લાગ્યો. ‘India is therefore presented with the choice between freedom and slavery.’
૩૦,૦૦૦ સૈનિકો આઝાદ સેનામાં જોડાયા. બેંગકોક વડું મથક બન્યું. રાસુદા ત્યાંથી માર્ગદર્શન પૂરું પાડતા હતા. સિંગાપુર અને સાઇગોન રેડિયો પર ભારતવાસીઓને લલકારતા સંદેશા પ્રસારિત થવા લાગ્યા. સપ્ટેમ્બરની પ્રથમાએ, ૧૯૪૨માં આઝાદ હિન્દ ફોજની વિધિવત્ રચના થઈ. એક પત્રિકા શરૂ થઈ તે આઝાદ હિન્દ!
‘કેપ્ટન’ મોહનસિંહ ‘જનરલ’ મોહનસિંહ બન્યા. પણ ‘સિંહ’નો સ્વભાવ ઉતાવળિયો અને મુખત્યારી બન્યો. જાપાન સરકાર સાથે ચડભડ થઈ. રાસુદાએ બધાને ધીરજથી કામ લેવાનું કહ્યું, પણ એક યુદ્ધકેદી - કર્નલ ગિલ - ને પકડી લેવાતાં મામલો ઉગ્ર બન્યો. કોઈ બે-ત્રણ અફસરો બ્રિટિશ ચાલના પ્યાદાં બની ગયેલા. બ્રિટિશ ચાલ હતી - જાપાની શાસન અને આઝાદ ફોજ વચ્ચે મતભેદ વધારવા. સર્વોચ્ચતાના મિથ્યાભિમાને મોહનસિંહમાં પ્રતિક્રિયા પેદા કરી. રાસુદાએ સખત પગલાં લેવાં પડ્યા.
અને આઝાદ હિન્દ ફોજનો પ્રયાસ નિષ્ફળ ગયો.
પહેલો પ્રયાસ.
પણ બીજો?
ફરી વાર આઈ.એન.એ.નું ગઠન થયું. મેજર જનરલ ભોંસલે, એમ. ઝેડ. કિયાની, લોકનાથન્, કેપ્ટન સહગલ... સૌ સક્રિય હતા. ‘મિલિટરી બ્યૂરો’ જનરલ ભોંસલેએ સંભાળ્યો. ‘આર્મી કમાન્ડર’માં કિયાનીએ જવાબદારી લીધી. તાલીમ શિબિરો શરૂ થઈ ગયા. ‘વોઇસ ઓફ ઇન્ડિયા’ (અંગ્રેજી) ‘આઝાદ હિન્દ’, ‘અવાઝ-ઇ-હિન્દ’, ‘સ્વતંત્ર ભારત’ અખબારો શરૂ કરાયાં. પ્રકાશન સ્થાન કૌલાલંપુર અને પિનાંગ.
પણ નેતૃત્વ?
રાસબિહારીને મોહનસિંહ-પ્રકરણનો આઘાત લાગ્યો હતો. પોતાની જૈફ વય હવે નવા સંઘર્ષમાં રોજબરોજ સક્રિય થવામાં બાધારૂપ હતી. પણ આત્મા અભય! તેમણે વિચાર્યું અને વિચારને અમલમાં મૂક્યો. જાપાનીઝ ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ કોર્સના લેફ્ટનન્ટ જનરલ સિઝો અરિસ્યુને ઘરે બોલાવ્યા. મન ખોલીને વાતો કરી ને પૂછયુંઃ
‘સુભાષચંદ્રને બોલાવી શકાય?’
રાસબિહારી બોઝે તો વર્ષો પહેલાં સાવરકરને ય લખ્યું હતુંઃ સુભાષને ભારતમાં સફળ નહીં થવા દેવાય. તેમને અહીં મોકલો. ખુદ સાવરકરે ૨૨ જૂન, ૧૯૪૦ના આ વાત સુભાષબાબુને કરી હતી.
અને ૧૯૪૩ની ફેબ્રુઆરીએ સુભાષ - જર્મનીથી જાપાન - સમુદ્રતળે દોડતી સબમરીનમાં, બ્રિટિશ યુદ્ધ જહાજોના ઘેરા વચ્ચેથી, જવા નીકળ્યા... રાસબિહારી બોઝનું ઇજન હતુંઃ
આવો, સુભાષ!
આવો, મહાનાયક!
એક મહાસંઘર્ષના નેતૃત્વની જવાબદારી ભાગ્યવિધાતાએ તમને સોંપી છે.
જલદી આવો.
૪ જુલાઈ, ૧૯૪૩ સિંગાપુરની કેથે બિલ્ડિંગમાં ખીચોખીચ જનમેદની અને સૈનિકો-સેનાપતિની વચ્ચે રાસબિહારી બોઝે આ મહાન સ્વાતંત્ર્યજંગનું સુકાન સુભાષ બોઝને સોંપતાં કહ્યુંઃ
‘મિત્રો, ટોકિયો જતી વખતે મેં તમને કહ્યું હતું કે એક યાદગાર ઉપહાર તમારા માટે લાવીશ. (સુભાષ તરફ અંગુલીનિર્દેશ કરીને) આ રહ્યો તે ઉપહાર! સુભાષ તરુણાઈનું પ્રતીક છે, ભારતમાં કે દુનિયામાં કોઈને ય તેનો પરિચય આપવાની જરૂર નથી. એ પોતે જ તેમનો પરિચય છે! માત્ર આઝાદ હિન્દ સેના જ નહીં, ઇન્ડિપેન્ડન્ટસ લીગનું અધ્યક્ષપદ પણ આજથી તેમને સુપરત કરી રહ્યો છું. આજથી તેઓ આપણા નેતા છે, આપણે તેમના વફાદાર સૈનિકો!’

•••

શિદેઈના ચહેરા પર ભાવસ્મિત જોઈને સુભાષ બોલ્યાઃ કેમ, જનરલ! તમે શું વિચારી રહ્યા છો?
શિદેઈઃ હું બીજા ‘બેંગાલી’ મહાપુરુષને સ્મરી રહ્યો હતો.
સુભાષઃ રાસબિહારી - રાસુદા?
શિદેઈઃ હા...
સુભાષે નિઃશ્વાસ નાખ્યો. કાશ, તેઓ આજે હયાત હોત... કેટલી પ્રાણવાન ઉર્જા આ સંઘર્ષમાં મળી હોત! પરંતુ હવે આ રશિયન અફસરોનાં માધ્યમથી જોસેફ સ્તાલિનને મળવું પડશે.
શિદેઈઃ કહે છે કે એડોલ્ફ હિટલર જેવો તે સીધો-સ્પષ્ટવાદી નથી. સામ્યવાદના નામે તેની સરમુખત્યારી દરેક દરવાજે દેખાય છે.
સુભાષઃ કેટલાક રાજકીય સત્તામાં સરમુખત્યાર બને છે, કેટલાક બીજા નિમિત્તે! ખરી વાત એ છે કે મનુષ્યત્વને જો આધ્યાત્મિકતાની સાથે ન જોડી શકો તો બધું વ્યર્થ જાય છે, સમય પોતે જ તેનો જવાબ માગે છે... પણ શિદેઈ, તમારે પાછા વળવું પડશે. રશિયામાં તમને આ સૈનિકો અનુકૂળ નહીં આવે હિટલરી આક્રમણના ઘાવ હજુ તાજા છે.
શિદેઈઃ તમને એકલા છોડી દેવાનું મન નથી માનતું...
સુભાષે ખભા પર હાથ મૂક્યો, હસ્યા અને કહ્યુંઃ મારા મિત્ર, તમારી લાગણી હું સમજું છું... પણ જ્યારે ધ્યાનમાં બેસું છું ને ભગવાન બુદ્ધ યાદ આવી જાય છે. કહ્યું છે ને - તમારી મૂળભૂત અને મૌલિક અવસ્થા એકલાપણાની છે...
...એના તાર તંતુ વિશ્વ સાથે જોડી દો એટલે સંઘર્ષની ગરિમા પ્રાપ્ત કરો છો. લોકો આપોઆપ તમારી સાથે-સંગાથે, પાછળ પાછળ જોડાતા જશે...
શિદેઈએ બારી બહાર જોયું. ખૂલ્લાં આકાશે સફેદ વાદળો ફેલાયાં હતા.
તેણે ભાવપૂર્વક કહ્યુંઃ ચંદ્ર બોઝ, તમારી આ દીર્ઘ યાત્રાની વાત મને નહીં કહો?
સુભાષઃ કઈ?
શિદેઈઃ કોલકાતાથી કાબુલ થઈને જર્મની અને ત્યાંથી જાપાન...
સુભાષઃ Yes my second Pilgrimage!
પછી કહેઃ આજની રાત એ અધ્યાયની! તારાથી શ્રેષ્ઠ શ્રોતા મને કયો મળશે?
બન્ને હસી પડ્યા. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter