સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૯)

રશિયન છાવણીમાં સુભાષનું એક નવું નામ - ઘિલાઝી માલંગ!

વિષ્ણુ પંડ્યા Tuesday 03rd May 2016 13:42 EDT
 
હિનરિચ હિમલર સાથે સુભાષચંદ્ર બોઝ
 

અવની મુખરજીને તમે જાણતા હતા ખરા?’ શિદેઈએ પૂછયું.
સુભાષની આંખમાં ચમક આવી, અને ગહન અંધારામાં કોઈક ઉજ્જવળ રેખા શોધતા હોય તેવી ચહેરા પર ઉત્સુકતા. ‘ઓહ અવની? અને ચટ્ટો?’
અવની મુખરજી
અને વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય!
ભારતીય અજંપાના વર્ષોમાં, રશિયા સુધી રઝળપાટ કરી આવેલાં બે પાત્રો!
કોણ આ વીરેન્દ્રનાથ?
વીરેન્દ્રનાથ એટલે ક્રાંતિકારોમાં પ્રિય ‘ચટ્ટો’. સરોજિની નાયડુ અને કવિવર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના ભાઈ. ‘બર્લિન કમિટી’ના ક્રાંતિકાર. શ્યામજી કૃષ્ણવર્મા અને મેડમ કામાના સહયોગી બન્યા હતા. ૧૯૩૧થી તો તેને કોઈ પણ ભોગે ‘મરેલા યા જીવતા’ પકડવા માટે બ્રિટિશ જાસૂસી તંત્ર સાબદું બની ગયું હતું. ‘કોઈ પણ ભોગે ભારતની આઝાદી’ની ધૂન સાથે દુનિયાભરમાં રઝળપાટ કરનાર વીરેન્દ્રનાથ સમાજવિજ્ઞાની અધ્યાપક તો હતા જ, સીમિત બુદ્ધિમાને ય કરા! અનેક ભાષાનો જાણકાર વીરેન્દ્રનાથ કોઈ એક જગ્યાએ અરધો કલાક બેસે પછી તેની તમામ ચીજવસ્તુ તે કહી બતાવતો. ચીનની ‘લોંગ માર્ચ’ સુધી પહોંચેલી તેજસ્વિની એગ્નેસ સ્મેડલીની સાથે તેનાં લગ્ન પણ થયાં, જે અહમના ટકરાવને લીધે સ્થિર ન બની શક્યાં. બીજી વારનાં તેનાં લગ્ન રશિયન મહિલા લિડિયા કારુનોવ્સ્કાયાની સાથે થયાં હતાં...
પછી?
સુભાષ આટલી માહિતીથી સજ્જ હતા. ઘણી વાર જવાહરલાલ તેમને વીરેન્દ્રનાથ વિશે વાત કરતા અને ‘મળવા જેવો તેજસ્વી માણસ’ ગણાવતા. એક વાર જર્મન-પ્રવાસ દરમિયાન પ્રયત્ન કર્યો પણ ત્યારે વીરેન્દ્ર ભૂગર્ભવાસી હતા. યુરોપ-અમેરિકાએ તો તેમને ક્યારના હદપાર જાહેર કરી દીધા હતા એટલે કોઈ એક છત નીચે ક્યાંય રહેવું મુનાસિબ નહોતું. મેડમ કામાનાં ‘વંદેમાતરમ’ અખબારમાં તેમના ધૂંવાધાર અગ્નિશિખા જેવા લેખો પ્રકાશિત થતા રહેતા. એક વાર તો એવું પણ લખ્યું કે મારી બહેન સરોજિની નાયડુ બ્રિટિશ સામ્રાજ્યવાદની એજન્ટ છે, સાવધાન! સામ્રાજ્યવાદ તેમને માટે પ્રથમ ક્રમે દુશ્મન હતો એટલે ‘રશિયન ઓક્ટોબર રિવોલ્યુશન’ પ્રત્યે આકર્ષાયા... પરંતુ તેને યે ભ્રમ-નિરસન થયું તે દરમિયાન...
જિંદગીના કેવા કેટલા પડાવ આ અલગારી ક્રાંતિકારે પાર કર્યા હતા, તેનું સ્મરણ સુભાષને થઈ આવ્યું, આ રશિયન છાવણીમાં તેનું સ્મરણ થવું સા-વ સ્વાભાવિક હતું. શું શિદેઈ વીરેન્દ્રનાથ અને અવની મુખરજીના અંતિમ દિવસોની કોઈ માહિતી લાવ્યો હતો?
સુભાષે શિદેઈને ભૂમિકા બાંધી આપી કે આ બન્ને પાત્રો કેવાં સફળ-નિષ્ફળ છતાં સક્રિય રહ્યાં હતાં! વીરેન્દ્રનાથ જનમ્યા હતા સંપન્ન પરિવારમાં, હૈદરાબાદના બંગાળી પરિવાર ડો. અઘોરનાથ ચટ્ટોપાધ્યાયના એ પુત્ર, માતા વરદાદેવી. માંડ એકવીસ વર્ષ થયાં અને વીરેન્દ્રનાથનું ભાગ્ય વિદેશે વસી રહ્યું. વીસમી સદીના પ્રારંભે લંડનમાં આઈસીએસ પરીક્ષા અને કાનૂનનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે શ્યામજી કૃષ્ણવર્માના ‘ઇન્ડિયા હાઉસ’ના સંપર્કમાં આવ્યા. ફાંસીના તખ્તે ચડેલા મદનલાલ ધીંગરાથી માંડીને લાલા હરદયાળ તેમના અંતરંગ સાથી બની રહ્યા. વરાંગનેરી વેંકટેશ સુબ્રહ્મનિયમ ઐયર સાથે તો દિલોજાં દોસ્તી થઈ ગઈ. વી. વી. એસ. અય્યર સાવરકર – ભક્ત હતા. સાવરકર – વીરેન્દ્રનાથ એકબીજાને મળતા ત્યારે ભારતીય ઇતિહાસનાં સોનેરી પૃષ્ઠોની ચર્ચા થતી. સાવરકરની ધરપકડ થઈ અને પછી વાયા માર્સેલ્સ ભારત લઈ જવાયા તેમને લંડનની બ્રિક્સટન જેલમાં પહેલવેલા મળનારા આ ચટ્ટો. કૃષ્ણવર્માની સાથે મતભેદો થયા અને વળી પાછી સમજૂતિ થઈ. લંડનથી પેરિસ, કેરો, કાબુલ, બર્લિન, સાન ફ્રાન્સિસ્કો, સ્ટોકહોમ, વેંકોવર, ઇસ્તંબુલ, વોશિંગ્ટન, જિનિવા, મેસોપોટેનિયા, મક્કા, બસરા, ખાડીના દેશો, મધ્યપૂર્વ... થાક્યા વિના આ પરિભ્રમણ અને સંપર્કો, સંગઠન અને પ્રચાર એ વીરેન્દ્રનાથની અગ્નિસ્તંભ જેવી કહાણી હતી.
શિદેઈઃ ‘પણ આ અવની મુખરજી?’
સુભાષે વાત આગળ વધારી. ‘વીરેન્દ્રનાથનું વૈયક્તિક જીવન અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ – બન્ને વચ્ચે ક્યાંક અજંપો હતો. કેટલાક ક્રાંતિકારોને એ પસંદ નહોતા પણ તેમની અથાગ રાષ્ટ્રનિષ્ઠા આશંકાથી પર હતી. સ્ટોકહોમમાં સમાજવાદીઓ એકઠા થયા ત્યારે બોલ્શેવિકો સાથે પહેલીવાર સંપર્ક થયો. મેક્સિમ ગોર્કી જેમ શ્યામજી અને મેડમ કામાના પરમ મિત્ર હતા અને ‘નોવાયા ઝીન’ અખબારમાં તેમના વિશે લખતા, તે જ રીતે વીરેન્દ્રનાથ યે મિત્ર બની રહ્યા...’
એ સમય જ એવો હતો કે રશિયન ક્રાંતિનું આકર્ષણ થાય. અમારા જવાહરલાલ તો અતિરેક કરીને ય કહેતા કે યુવા વયે જે કમ્યુનિસ્ટ ન થાય તે નિર્જીવ છે, પણ તેમાં ઉમેરો કરવો જોઈએ. શિદેઈ કહેઃ ‘હા, પછીનો નિષ્કર્ષ વધુ અસરકારક છે. યુવા-વય પૂરી થતાં આવેશનો ઊભરો પૂરો થાય અને સામ્યવાદથી ભ્રમ નિરસન થઈ જાય...’
સુભાષ હસ્યા અને વીરેન્દ્ર-અવનીની વાત પૂરી કરવા તરફ વળ્યા. ‘રશિયાની પ્રથમ મુલાકાતમાં તો વીરેન્દ્રથી લેનિનને ન મળી શકાયું... ૧૯૨૧માં બર્લિનના ભારતીયો મોસ્કો આવ્યા ત્યારે તેમાં ભૂપેન્દ્રનાથ દત્ત, ગુલામ અંબિયા ખાન લોહાની, પાંડુરંગ ખાનખોજે, નલિની ગુપ્તા અને વીરેન્દ્રનાથ દાસગુપ્તા સાથે હતા. એગ્નેસ સ્મેડલી પણ આવી. આ દિવસોમાં માનવેન્દ્રનાથ રોય પણ રશિયન સામ્યવાદના ઝંડાધારી હતા. એમ. એન. રોયની ‘થિસિસ’ને વીરેન્દ્રનાથે નકામી ગણાવી અને રોયના જે સાથીદારો સાથે ઉગ્ર બોલાચાલી થઈ તેમાં અવની મુખરજી એક હતા!’
વીરેન્દ્રનાથે પણ એક ‘થિસિસ’ તૈયાર કરી. બોલ્શેવિકોને તે પસંદ ન પડી. એમ. એન. રોય પણ સંમત ન થયા. કેટલાકે તો સ્પષ્ટ કહ્યું કે ‘આ તો રાષ્ટ્રવાદી એજન્ડા હતો, માર્કસ-લેનિન વિચારો ના અમલીકરણનો તેમાં ક્યાંય અહેસાસ જ ક્યાં હતો? રોય તો પછીથી બીજાં વિશ્વયુદ્ધમાં બ્રિટિશરોના પરમ મિત્ર થઈ ગયા અને લોર્ડ વેવેલે તો હમણાં શું કહ્યું, તમે જાણો છો... તેણે રોય વિશે કહ્યું છેઃ ‘I am Viceory and did not propose to be vice-roy.’
શિદેઈ ધીમા સ્વરે બોલ્યોઃ ...પણ, ચટ્ટોને આ સામ્યવાદીઓએ આ ભૂમિ પર જ મારી નાખ્યો, તે વાત સાચી?
સુભાષે એ વાત પણ કરી. વિશ્વના તખતા પરની ભારત અને ભારતીય-કેન્દ્રી ઝીણામાં ઝીણી વિગતોથી તે જાણકાર હતા. ચટ્ટો તેની જિંદગીનાં છેલ્લા છ વર્ષ રશિયામાં રહ્યા, ઓગસ્ટ ૧૯૩૧થી...
‘સપ્ટેમ્બર, ૧૯૩૭.’ શિદેઈએ ઉમેર્યું.
‘તમારી માહિતી સાચી છે, શિદેઈ. અહીં તેનો ત્રીજો સંબંધ બંધાયો. રશિયન મહિલા લિડિયા કોરુનોવ્સ્કાયાની સાથે. વિદ્યાકીય અને વિચાર-વિશ્લેષણની તેમની પ્રવૃત્તિ લગાતાર ચાલુ રહી. આવો ‘ઇન્કાર’ સત્તા કઈ રીતે સહન કરી શકે?’
શિદેઈએ ધીમા અવાજે કહ્યુંઃ ચંદ્ર બોઝ, વિચારીને બોલો. અત્યારે એ જ લોકોની સત્તા પ્રવર્તે છે.
સુભાષનું મ્લાન હાસ્ય ઘણું કહી દેતું હતું, જાપાન-જર્મનીએ જો વિશ્વયુદ્ધમાં વિજય હાંસલ કર્યો હોત તો આ સ્થિતિ સરજાઈ ના હોત.
શિદેઈએ સંમતિપૂર્વક માથું ધૂણાવ્યું.
સુભાષઃ પણ આ સામ્યવાદી નાયકના અંતિમ દિવસો સ્તબ્ધ કરી દે તેવા હતા! ૧૭ જુલાઈ ૧૯૩૭ના સિક્રેટ પોલીસે તેની ધરપકડ કરી. હવે લિડિયાથી દૂર થવાનો કપરો સમય હતો. વીરેન્દ્રે તેને ‘ગૂડ બાય’ કહ્યા. આલિંગન સમયે તેણે કાનમાં એક કોમરેડનું નામ કહીને કહ્યું કે તેને ખબર આપજે. કદાચ છૂટી જવામાં મદદ કરશે.
કદાચ...
સુભાષ એ શબ્દ પર અટકી ગયા.
શિદેઈને કહેઃ ‘આ ‘કદાચ’ શબ્દ અને ‘ઇફ એંડ બટ’ વાક્ય પ્રયોગ દુનિયાના ઘણા દૃશ્યોને બદલાવી નાખતા હોય છે. ખરુ ને શિદેઈ!’
શિદેઈ તેમની સામે અ-પલક નિહાળી રહ્યો, ક્ષણભર તેમનો હાથ પકડી લીધો.
સુભાષ અસ્ખલિત બોલતા રહ્યાઃ ‘સ્તાલિન તો તમામ ‘ધોવાણ’ની પ્રક્રિયામાં હતો ને? નાનો સરખો ઇન્કાર પણ અસ્તિત્વમાં ના રહેવો જોઈએ. વીરેન્દ્રની નિયતિ એ જ થઈ. પત્નીને ય અભ્યાસ કેન્દ્રમાંથી હાંકી કાઢવામાં આવી હતી. તે વારંવાર શાસકોને પત્ર લખતી રહીઃ વીરેન્દ્રનાથ કઈ જેલમાં છે? જવાબ કોણ આપે...
સુભાષ નિઃશ્વાસપૂર્વક બોલ્યાઃ આપણે આઝાદીજંગ લડી રહ્યા હતાં ત્યારે જ વીરેન્દ્રનાથને ૬ એપ્રિલ, ૧૯૪૩ના ફાંસીએ ચઢાવી દેવાયા. ક્યાં અને કઈ રીતે – કોઈને ખબર નથી! માત્ર તેનું ‘મૃત્યુ પ્રમાણપત્ર’ હયાત છે!
...અને પછી ૧૯૩૪માં સર્ગેઈ મિરોનોવિચ કિરોવને મારી નાખવામાં આવ્યો. સ્ટેલિન પછીનો એ શક્તિશાળી લોકપ્રિય નેતા હતો, તેણે વીરેન્દ્રનાથને રશિયામાં સ્થાયી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
‘અને અવની?’ શિદેઈ મનમાં કોઈક ભાવ છૂપાવીને સુભાષબાબુ પાસેથી વધુ માહિતી મેળવવા આતુર હતો.
‘વિદ્વાન ક્રાંતિકાર. એમ. એન. રોયનો મિત્ર. પણ તેની નજર ભારતીય ક્રાંતિ તરફ વિશેષ હતી. બંગાળી ક્રાંતિકારો સાથેનો તેનો સંબંધ અહર્નિશ રહ્યો. સિંગાપુર જેલમાં તેને છેક ૧૯૧૬માં ધકેલવામાં આવ્યો ત્યારે તે તારકનાથ દાસ અને લાલા હરદયાળની ‘ગદર’ પાર્ટીમાં સક્રિય હતો. ૧૯૧૭માં જેલ તોડીને તે ભાગી છૂટ્યો, સુમાત્રા-જાવામાં બે વર્ષ રહ્યો. ડચ ક્રાંતિકારો સાથે કામ કર્યું, ઓક્ટોબર ક્રાંતિની વાતો સાંભળી, જર્મની ગયો. બર્લિન કમિટીમાં જોડાયો. પશ્ચિમ યુરોપિયન કોમિંટાને મોસ્કો મોકલ્યો. કમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ટરનેશનલમાં તેણે ભાગ લીધો.’
સુભાષ કહેઃ શિદેઈ, અત્યારે આપણે વાતો કરીએ, વિશ્લેષણ પણ કરી શકીએ પણ એ દિવસોનો મિજાજ જ જુદો હતો! દ્વિતીય વર્લ્ડ કોંગ્રેસ ઓફ કોમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલમાં જે ભારતીય હાજર રહ્યા તે છદ્મનામધારી હતા. એમ. એન. રોયનું નામ ‘રોબર્ટ એલેન-રોય’ હતું! બીજા અવની મુખરજી, મોહમ્મદ શફીક, પ્રતિવાદી આચાર્ય પણ ખરા. રોય ‘મેક્સિકન કમ્યુનિસ્ટ પાર્ટી’ના મુખ્ય સૂત્રધાર, સાથે પત્ની એવલિન ટ્રેન્ટ-રોય. લેનિનની એમ. એન. રોય સાથે ઘણી વાર ચર્ચા થતી રહી. ભારતીય સામ્યવાદીઓ તરફથી રોય, અવની મુખરજી અને શાંતિ દેવી (એવલિન રોય)ની સહીથી ‘ઘોષણાપત્ર’ જાહેર કરાયું. રોયની ‘સપ્લિમેન્ટરી થિસિસ’નો સ્વીકાર કરાયો. મુસીબત રોય સહિત બધાંની એ રહી કે ભારતીય સ્વતંત્રતાને ‘લાલ ચશ્મા’થી જ જોતા રહ્યા, ‘પ્રોલિટેરિએટ’ અને ‘ડિક્ટેટરશિપ ઓફ ધ પ્રોલિટેઅટિ’ જેવી શબ્દજાળમાં ફસાયેલા રહ્યા!
શિદેઈના ચહેર પર આદરનો ભાવ હતો, સુભાષ કેટલા ઊંડાણથી સમસ્યાને સમજી રહ્યા હતા અને સમજાવી રહ્યા હતા!
સુભાષબાબુએ પોતાનું સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કરી દીધુંઃ રોય અને અમુક અંશે અવની અને બીજા કેટલાકે દેશાવરમાં ભારતીય સ્વાતંત્ર્ય માટે સક્રિય દેશભક્તો સાથેના સંપર્કની સાવ ઉપેક્ષા જ કરી. એટલું જ નહીં પણ ‘ઇન્ડિયન રિવોલ્યુશનરી એસોસિએશન’ને મુઠ્ઠીભર બિરાદરોની મંડળીમાં બદલાવી નાખ્યું... પ્ર. આચાર્યે તો રાજીનામું યે આપી દીધું કે આ માણસ (રોય)ની સાથે કામ કરી શકાય તેમ નથી. અબ્દુલ રબ્બ બર્ક તાશકંદથી સક્રિય હતો તેણે પણ ભારતીય સ્વતંત્રતાની પરિભાષા લેનિન સુધી પહોંચાડી હતી પણ રોયના સર્વે સર્વાપણામાં તેનું કોણ સાંભળે?
‘-અને અવની?’ શિદેઈએ પૂછયું.
‘આ બંગાળીએ ચીલો ચાતર્યો. ૧૯૨૦માં તેણે ભારતીય આઝાદી જંગના એક નેતા શિવ પ્રસાદ ગુપ્તાને પત્ર લખ્યો, ૧૯૨૦માં, કે ચાલો, અમે તાશકંદના ભારતીય સામ્યવાદીઓ અને તમે – ભારતના રાષ્ટ્રવાદી નેતા – ભેગા થઈને બ્રિટિશ સામ્રાજ્યવાદની સામે લડીએ.’
શિદેઈની આંખોમાં ચમક આવીઃ બાબુ શિવ પ્રસાદ? ૧૯૩૦માં પેરિસમાં, પંડિત શ્યામજી કૃષ્ણવર્માની મૃત્યુશય્યા પર ઉપસ્થિત એક માત્ર નેતા તો નહીં?
સુભાષઃ હા. તે જ. પણ બિરાદરોની માનસિકતા ભારતીય રાષ્ટ્રવાદની સાથે મેળ પાડી શકે તેમ ક્યાં હતી? મુખરજીએ તો ૧૯૨૧માં અમદાવાદમાં મળેલા કોંગ્રેસ અધિવેશન પહેલાં ગાંધીજીને પત્ર લખ્યો હતો કે કોંગ્રેસને વિખેરીને એક મોટી ‘રિવોલ્યુશન પાર્ટી’ બનાવો, તેમાં પણ જોડાઈશું.
આનો અર્થ એવો જ થયો ને કે એશિયાની પ્રજાકીય પરંપરા, સંસ્કૃતિ ખરા અર્થમાં ‘ઓરિયેન્ટલ’ છે, તેને સામ્યવાદનું માધ્યમ માફક આવે તેવું નથી... શિદેઈએ તર્ક પ્રસ્તુત કર્યો, અને પછી કહ્યુંઃ ‘મારે તમને અવની મુખરજીની સાથે મુલાકાત ગોઠવવી છે!’
સુભાષ ખુરશી પરથી ઊભા થઈ ગયા, ‘અરે, આ બંગાળી બિરાદર હજુ જીવે છે? વીરેન્દ્રનાથની જેમ તેને યચ સ્તાનિને...’
શિદેઈ હસ્યો. ‘સામ્યવાદી સ્તાલિન પોતે જ એક માયારાક્ષસ છે! આવતી કાલે જો તેને એમ લાગે કે સુભાષ-શિદેઈનો કશો ઉપયોગ નથી તો આપણી કબર ખોદવાનો આદેશ આપી દે!’
સુભાષઃ કદાચ...
શિદેઈઃ પણ, અવનીને મળવું જોખમી તો નથી ને? તેની થિસિસને લીધે તો જેલ પડી છે અને દેહાંત-સજાની રાહ જોઈ રહ્યાં છે...
સુભાષઃ ક્યાં છે તે? કઈ રીતે મળી શકાશે?
શિદેઈ તેમને છાવણીના દરવાજે લઈ ગયો. એક સશસ્ત્ર પહેરેગીર ત્યાં ઊભો હતો, રશિયન ભાષામાં તેની સાથે વાત કરી, પેલો સિપાહી કોઈ જગ્યાએ જવા દોરવાયો અને પાછળ બન્નેને અનુસરવા ઇશારો કર્યો. હજુ સવારના માંડ અગિયાર વાગ્યા હશે. સાઇબીરિયન મિજાજની ઠંડીથી છૂટકારો મળે તેમ નહોતો, એટલે ચહલપહલ પણ ઓછી હતી.
એક છાવણી પાસે પહેરેગીર સમક્ષ પેલો સિપાહી આવીને ઊભો રહ્યો, કાનમાં કંઈક કહ્યું. પેલાએ બોઝ અને શિદેઈને ‘સેલ્યુટ’ આપી અને
છાવણીની અંદર જવા જગ્યા કરી આપી.
સુભાષ છાવણીનું દૃશ્ય જોઈ રહ્યા. જાણે ચૈતન્યવિહીન મનુષ્ય પૂતળાંઓ! કોઈ કસરત કરતા હતા, કોઈ વાંચતા હતા, કોઈ વળી ગપસપ કરી રહ્યા હતા.
એક ખૂણે ખુરશી પર જે વ્યક્તિ બેઠી હતી, અખબાર વાંચવામાં મશગુલ હતી. થોડા બચી ગયેલા માથાના સફેદ વાળ, ચહેરા પર કરચલીઓ, દીનદુર્બળ હાથ, આંખે ચશ્મા.
‘અબની બાબુ!’ સુભાષ પાસે આવીને બોલ્યા.
પેલી વ્યક્તિ અચલાયતન મુદ્રામાં હતી, જાણે પોતાનાં નામ સાથે કશી લેવાદેવા જ નહોતી તેને! અહીં, દેશથી અને પોતાના તમામ પરિચિતોથી દૂ...ર, આટલાં વર્ષે તેનું નામ સ્મરણ ક્યાં શક્ય હતું?
સુભાષે પુનઃ સંબોધન કર્યુંઃ અબની બાબુ...
તે વ્યક્તિએ પાછું વળીને જોયું. હવે તેનો જર્જરિત દેહ જોઈ શકાતો હતો. રશિયન પોશાકના પીંજરામાં એક દુર્બળ મનુષ્ય પૂરાયેલા હોય તેવું શિદેઈને લાગ્યું. તેણે આગળ વધીને તને કહ્યુંઃ અબની બાબુ, તમને મળવા સુભાષચંદ્ર બોઝ આવ્યા છે! (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter