માજા વેલાનું મૃત્યુ

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર - ‘સુન્દરમ્’ Wednesday 02nd December 2020 07:01 EST
 
 

(ગતાંકથી ચાલુ)
ટાવરમાં દસના ટકોરા પડયા. સામેના દરવાજા પાસે પહેરા પર ઊભેલો પોલીસ હટી ગયો. પોલીસને ગયેલો ભાળી માજા વેલાને ક્યાંકથી એકદમ નિરાંત વળવા લાગી. માજો વેલો પોતાની જાત પર ચિડાયો. સિપાઇડાંની બીક લાગે છે ડોસા તને? ના, ના, હજી તો પોતે ધાડમાં જાય એવો છે! પણ એને વનો યાદ આવ્યો. એ પેલા દરવાજામાં ઘડી વાર ઉપર દાખલ થયો ત્યારે તેની પીઠ કેવી દેખાઇ હતી! એ પોલીસના હાથમાં ઝડપાઇ ગયો હતો? એય હજારને ભારે પડે તેવો તો છે. પણ આજે એમ થાય છે કે છોકરો પોતાની કને જ રહે તો કેવું સારું!
‘અલ્યા, કંઇક ઓશીકે મૂકવાનું છે?’ થોડી વારે માજા વેલાએ પૂછ્યું. ‘દાદા, આ ટોપલાનો ટેકો કરો.’ કહી એક પ્યાલા-બરણીવાળી છોડીએ ડોસાના માથા નીચે પોતાનો ટોપલો ગોઠવી આપ્યો.
માજો વેલો ‘હાશ’ કરી લાંબો થયો. ‘પથરા માળા ટાઢા લાગે છે, કોઇ દી નહિ ને આજે જ જરા વધારે!’ તેને મનમાં થયું, પણ તે શાંત પડયો પડયો પાસે છોકરો ઉમંગભેર ખાતાં હતાં તેમને જોવામાં મન પરોવવા લાગ્યો.
એક જુવાન છોડી ઢળકતી ચાલે માથે દોણી લઇને આવી પહોંચી. એ વનાની છોકરી હતી. માજા વેલાને ખાસ વહાલી હતી. તેણે દોણી નીચે મૂકી ન મૂકી તેટલામાં છોકરાં તેની આસપાસ ફરી વળ્યાં: ‘શું લાવી, ખુડી?’ ‘ખુડી, મને!’ ‘ખુડી, મને!’
‘રહો કે, બહુ સારું સારું લાવી છું. ખમો જરા.’ અને દોણી પર હાથ ઢાંકી બધાને તે દૂર રાખવા લાગી. છોકરા ખાવાની વસ્તુઓથી ખરડાયેલા તાંસળાં હાથમાં લઇ તેની આસપાસ ભમવા લાગ્યાં, રાણીની છટાથી ખુડી બોલી:
‘જુઓ, એમ લેનબંધ બેસો જાઓ. દરેકને થોડું થોડું મળશે! હા, બરાબર, બેસો હવે. આપું છું હોં કે?’ અને તે તેના વહાલા દાદા પાસે પહેલાં ગઇ. ‘દાદા, ઊંઘી ગયા કે? કંઇ ખાવું છે?’ માજો વેલો સહેજ ઝબક્યો. ખુડીને જોઇ તેની આંખમાં હેત આવ્યું. ઝાંખા અજવાળામાં તે છોડીને જોતો બોલ્યો: ‘ખુડી કે? બેટા, શું છે? શું લાવી છે?’ અને દાદાના કાન પાસે મોં લઇ જઇ ખુડી બોલી: ‘આઇસ્ક્રીમ!’ ‘આવી રતે આઇસ્ક્રીમ!’
‘હા, દાદા, એક કલપમાં જઇ ચડી હતી. તે પડિયાના પડિયા મેં ભરી આણ્યા છે. એવો તો સારો છે, દાદા. એક લગીરેક ખાઓ ને!’
‘ના, ના, મને ઠીક નથી.’
‘એ તો મટી જશે દાદા, લગીરેક, તમને મારા સમ!’ અને માજો વેલો ખુડીના આગ્રહથી, થોડોક બેઠો થઇ પડિયો મોઢે વળગાડી આઇસ્ક્રીમ પીવા લાગ્યો. પીતાં પીતાં પોતાની ધોળી મૂછો પલળતી તેને તે હથેળી વતી સાફ કરતો જતો હતો.
આઇસ્ક્રીમ પીતાં પીતાં છોકરાંઓનું ધ્યાન દાદા તરફ ગયું અને બોલી ઊઠયાં: ‘જુઓ, જુઓ, લ્યો, દાદાની મૂછો કેવી લાગે છે!’ અને ખડખડાટ હસવા લાગ્યા. આઇસ્ક્રીમનો પડિયો પૂરો કર્યા પછી માજા વેલાને નીચેના પથરા વધારે ટાઢા લાગવા મંડયા. તેણે પૂછ્યું: ‘છોડીઓ! કોઇ કને પાથરવાનું છે?’ ખુડી તેની પાસે આવી. દાદાને ધ્રુજતા જોઇ તેમને ડિલે હાથ અડાડી તે બોલી:
‘માડી રે! દાદા, કેવીક બરાગત તમને ચડી છે! ચાલો વાસમાં જઇએ.’
‘એ તો ઊતરી જશે. બેટા! તારો બાપો હમણાં આવે પછી સૌ ભેગાં જઇએ.’ બીજા આદમીઓ ડોસાની વધારે નજીક આવ્યા અને ‘કાકા, કેમ કંઇ ઠીક નથી વળી?’ ‘આવા ડિલે શું કરવા આવ્યા?’ ‘અરે કેવું ડિલ ધીકે છે!’ એમ બોલતા તેની આસપાસ બેઠા અને વળી પોતાની વાતોએ વળગ્યા તથા જે જે ખોરાક આવતો જતો હતો તેને ઈન્સાફ આપવા લાગ્યા.
ખુડીએ પ્યાલા-બરણીઓ વાળી પાસેથી આવેલાં લૂગડાં ઝૂંટવી લાવીને દાદાની નીચે પાથરી આપ્યા.
માજા વેલાને હૂંફ વળી. ‘દીકરી, સો વરસની થજે. બસ બેટા, મારી પાસે ઘડીક બેસ.’ અને તે તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો. અને મનમાં મનમાં બોલવા લાગ્યો: ‘ખોડિયાર મા! મારી ખોડિયાર મા!’
ખુડી ખોડિયાર માતાની આપેલી હતી. એની બાધા-આખડીઓ માની ડોસાએ છોકરીને જીવતી રાખી હતી. ડોસાને પોતાનાં સગાં છોકરાછોકરીઓનાં છોકરાં કરતાં પણ ખુડી પર વધારે વહાલ હતું. ‘બેટા, જો કે, તારો બાપો ક્યાંક દેખાય છે?’ માજા વેલાએ પૂછયું. એને બેચેની વધવા લાગી.
ખુડી ઊભી થઇ દરવાજા ભણી નજર નાખવા લાગી. બધાંએ લગભગ ખાઇ લીધું હતું. છોકરાં હજી એક તાંસળીમાં બબ્બે ત્રણ ત્રણ ભેગાં મળી થોડું થોડું બટકાવતાં હતાં અને દોણીમાંથી નીકળતી વસ્તુઓના નામ બોલતાં જતાં હતાં. માજો વેલો તે સાંભળતાં મનમાં હસતો હતો. ‘ભૂખડીઓ સાવ, છોકરાંય તે કેવાંક! કશું જ લાવતાં નથી!’
વસ્તીની અવરજવર ઓછી થવા લાગી હતી. આસપાસની દુકાનો બંધ થવા લાગી. દુકાનોના દીવા ઓલવાતા ગયા. દૂર માત્ર એક રસ્તા વચ્ચે બત્તી સળગતી રહી. જાણે હવે જ રાત પડી હોય એમ લાગતું હતું.
માજા વેલાની નજર એકાએક ટાવર ભણી ગઇ. અધધધ, કેવડોક ઊંચો બાંધ્યો છે! આ જરાક થથરે ને ટૂટી પડે તો? માજા વેલાને ટાવર થથરતો લાગ્યો.
‘ઘડપણ દેખાવા લાગ્યું તને, માજા વેલા!’ ડોસો બબડયો. ‘અરે આટલે ઊંચેથી તો અમે ભૂસકા મારીને નાઠા છીએ. આ દોડતી રેલગાડીમાંથી નીચે કૂદી પડયા છીએ.’ અને તેની નજર આગળ પોતાના રોમાંચક જીવનના પ્રસંગો ખડા થવા લાગ્યા, પોતાની આ નવી પ્રજા પોતાની સરખામણીમાં કેવીક કાયર હતી! ‘આ ઘર ફોડયું કે કોકનું ખિસ્સું કાતર્યું, કે ક્યાંક પડેલી ચીજ ઉપાડી આણી! બસ. હા, વનો એક હતો. ખરો ભરાડી. કંઇક મારું નામ રાખે એવો!’
અને વનો પોતાની પાસે નથી તે તેને યાદ આવ્યું. તે બોલી ઊઠયો: ‘વનો હજી ના આવ્યો?’
‘આવતો હશે. ચાલો આપણે હવે જઇએ બધાં.’ કહી કેટલાક આદમીઓએ ઊઠવા કર્યું. ‘ઊઠો દાદા, તમને ઘેર પહોંચાડીએ. કેવાક ધરુજો છો!’
‘જાઓ તમારે જવું હોય તો! હું ને વનો જોડે આવીશું!’ કહી ડોસો ટાવર ભણી પડખું ફરી ગયો.
‘લો આવ્યા, આવ્યા, મારા બાપા આવ્યા!’ ખુડી બોલી ઊઠી. ડોસાએ ડોકું ફેરવ્યું. સામેના દરવાજામાંથી વેગભેર પણ સાવધાનીથી લપાતો વનો આવતો હતો. બધાં આતુરતાથી તેની રાહ જોવા લાગ્યાં.
વનાએ પાસે આવી લૂગડામાં વીંટેલો એક કંડિયો નીચે મૂક્યો. છોકરાં કંડિયાની આસપાસ ‘શું છે?’ ‘શું છે?’ કરતાં વીંટળાઇ વળ્યાં.
‘બધુંય છે!’ વનો થોડુંક ચિડાઇને બોલ્યો. ‘ઉતરફેણીય છે?’ પેલા નાના જોડિયામાંથી એક બોલ્યું. ‘હા!’ કહી વનો હસ્યો અને કંડિયો ખોલવા લાગ્યો. ‘ધોળા છાણા’ જેવી એક મઘમઘતી વસ્તુને તેણે કંડિયામાંથી બહાર કાઢી અને તેને ભાંગી ભાંગી વહેંચવા માંડી.
‘અલ્યા, તમે દાદાને કંઇ ખવાડયું કે નહિ? ખવાડયું?’ આઇસ્ક્રીમ ખવાડયો? ખુડીએ? અરે વાહ રે વાહ. લાવો, દાદાને એક તાંસળી આપો.’ એક તાંસળી લઇ તેમાં કંડિયામાંથી આણેલી બધી વસ્તુઓ થોડી થોડી મૂકી તે ડોસા પાસે લઇ ગયો. ‘દાદા, થોડુંક ચાખશો કે?’
માજો વેલો બેઠો થઇ ગયો. હંમેશની ખાવાની ટેવ પ્રમાણે તે બેય પગે ઊભો બેઠો. જમણા હાથમાં તાંસળી લીધી અને ડાબા હાથથી અંદરની વસ્તુઓને અડવા લાગ્યો. ‘બધે અંધારું થઇ ગયું છે. કશું દેખાતું નથી. શું શું લાવ્યો છે?’
‘તમે ઓળખોને દાદા?’ વનો સહેજ હસીને બોલ્યો.
‘એમ કે?’ માજા વેલાએ સામે હસીને કહ્યું અને દરેક ચીજમાંથી એકેક બટકું લેતાં તે બોલવા લાગ્યો: ‘આ તો જલેબી, આ તો હલવો છે હેં, આ મેસૂર છે. આ કળીનો લાડવો? આ શું મગસ કે મોહનથાળ? અને અરે હા, હેં, શું સૂતરફેણી પણ લાવ્યો છે?’ અને તેણે વનાને પાસે બોલાવી કાનમાં પૂછ્યું: ‘ક્યાંથી ઉપાડી લાવ્યો બધું! હેમખેમ છે ને બધું?’
‘ખોડિયાર મા બધું હેમખેમ રાખે છે, દાદા! તમે તમારે ખાઓ ને!’ અને ઊઠીને તેણે કંડિયાની વસ્તુઓ બધાંને વહેંચી દીધી અને કંડિયાને દૂર એક કચરાપેટીમાં નાખી આવ્યો.
ઊભે પગે બેઠો બેઠો માજો વેલો પરમ સંતોષથી ખાવા લાગ્યો. ખાતાં ખાતાં તેની ટેવ પ્રમાણે તે મૂછોને હથેળી વતી ઊંચી ચડાવતો જતો હતો. સૂતરફેણી ખાતાં ખાતાં તેને ખંભાત યાદ આવ્યું. દરિયાની ભરતી તેને દેખાવા લાગી. હા, એ તો જિંદગીની મોટામાં મોટી થાપ હતી. ખંભાતમાંથી હાથ મારી સીધા એક હોડકામાં બેસી કાઠિયાવાડમાં ઊતરી પડયા હતા અને દરિયામાં એકલી સૂતરફેણી જ ખાયા કરી હતી! છેવટે છોકરાંને ઉદ્દેશી માજો વેલો બોલ્યો:
‘અલ્યાં, ખાધી કે સૂતરફેણી?’
‘હા, દાદા, આ કે?’ એમ બોલતાં બોલતાં બે ચાર છોકરાં તેની પાસે આવ્યાં અને સૂતરફેણીનું એકેક બટકું દાદાને ધરતાં બોલ્યાં: ‘લ્યો દાદા, ખાઓ, ખાઓ! ખાઓ દાદા!’
‘બહુ ખાધું! હવે તમે ખાઓ, ખાવા જેવાં થયાં છો!’ અને તે એકદમ બોલી ઊઠયો:
‘વના!’ તેનો અવાજ બદલાઇ ગયો હતો. વનો સફાળો તેની પાસે આવ્યો. ‘શું છે દાદા?’
‘મને પકડ જોઇએ, બેટા! મને કંઇક થાય છે!’ વનો ડોસાની પાસે બેસી પડયો. ‘મને અઢેલવાનું કંઇક દે તો!’ ડોસો બોલ્યો. તેનું આખું શરીર કાંપવા લાગ્યું. વનાએ માજા વેલાના શરીરની આસપાસ કામળને ચબદીને લપેટી અને કહ્યું, ‘દાદા, મારા પર આડા પડો.’
‘ખુડી ક્યા છે, મારી મા, ખોડિયાર?’
‘આ આવી દાદા!’ કહેતી ખુડી દૂર ઊભી હતી તે નજીક આવીને બેઠી.
માજો વેલો બોલ્યો: ‘આવ, મારા દીકરા, સો વરસની થજે.’ કહી તેણે ખુડીને માથે હાથ મેલ્યો: ‘વના, મારી ખુડીને સારો વર પરણાવજે. હોં કે!’ અને ‘ખોડિયાર! ખોડિયાર મા!’ બોલતાં ડોસાએ ભત્રીજાના ખોળામાં માથું ઢાળી દીધું.
વનાએ માજા વેલાને હાથમાંથી તાંસળી લઇને નીચે મૂકી. ડોસાએ લગભગ બધું ખલાસ કર્યું હતું. ડોસાની મૂછો વનાએ હાથ ફેરવી ચોખ્ખી કરી. ‘શું થયું? શું થયું?’ કરતાં બધાં તેની આસપાસ ભેગાં થઇ ગયાં.
‘કંઇ નથી થયું!’ વનો દૃઢ અવાજે બોલ્યો, ‘કોઇએ રડવાનું નથી. ખબરદાર. ડોસા સુખી થઇને ગયા છે!’
બધાં ઉપર એક શાંતિ છવાઇ રહી. બેએક જણે ભેગા મળી માજા વેલાને ઉપાડવા પ્રયત્ન કર્યો.
પણ છેવટે વનો બોલ્યો: ‘નહિ ફાવે એમ તો.’ અને છેવટે તે એકલો જ ડોસાને પોતાને ખાંધોલે
નાખી ચાલવા લાગ્યો. તેની સાથે ધીરે ધીરે ચાલતી માજા વેલાની ત્રીસેક જણની સંતતિ અંદર અંદર ધીરેથી વાતો કરતી ચાલવા લાગી. ‘માજો
વેલો બહુ સારું મોત પામ્યા. બહુ સુખી મોત. બહુ સારું મોત!’ (સમાપ્ત)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter